ઉત્તર કોરિયાનો સરમુખત્યાર ક્યારે કોના પર નારાજ થઈ જાય છે તે કહી શકાતું નથી. દેશના માળી એટલે કે ગાર્ડનરને તેમની નારાજગીનો સામનો કરવો પડી રહ્યો છે. કિમ જોંગ-ઉને ઘણા માળીઓને કેદમાં મોકલી આપ્યા હતા. આ માળીઓને 16 ફેબ્રુઆરી પહેલા એક ખાસ ફૂલછોડ ઉછેરવાનો હતો, જેમાં તેઓ નિષ્ફળ ગયા હતા. પરિણામે આ ફૂલ છોડ તેના માટે આગ સમાન સાબિત થયું અને સરમુખત્યારે તેને મજૂર શિબિરમાં મોકલી દીધા.
ડેઈલી સ્ટાર’ના અહેવાલ અનુસાર ઉત્તર કોરિયાના પૂર્વ નેતા અને કિમ જોંગ-ઉનના પિતા કિમ જોંગ-ઇલના નામ પરથી એક ફૂલનું નામ ‘કિમજોંગિલિયા બેગોનિયાસ’ રાખવામાં આવ્યું હતું. 16 ફેબ્રુઆરીએ કિમ જોંગ-ઉનની જન્મજયંતિ પહેલા માળીઓને હજારો ફૂલોના છોડ ઉછેરવા માટે કહેવામાં આવ્યું હતું, પરંતુ તેઓ સફળ થઈ શક્યા નહોતા. જન્મ જયંતિના દિવસે દેશના રસ્તાઓ પણ ફૂલોથી શણગારવામાં આવે છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કિમ જોંગ-ઉનની જન્મજયંતિ ઉત્તર કોરિયામાં ‘ડે ઓફ ધ શાઈનિંગ સ્ટાર’ તરીકે ઓળખવામાં પણ આવે છે. આ પ્રસંગે કિમજોંગિલિયાના ફૂલોનું વિશેષ મહત્વ રહેલું છે. આ વર્ષે જે ગ્રીનહાઉસમાં કિમજોંગિલિયાના ફૂલો ગ્રીન હાઉસમાં ઉગાડવામાં આવ્યા છે, ત્યાં યોગ્ય તાપમાન અને ભેજ જાળવવા માટે સળગાવવા માટેના લાકડાનો પુરવઠો બરાબર મળતો ન હતો જેના કારણે ફૂલો સમયસર ઉગી શક્યા નહોતા. અને તેના કારણે માળીઓ પર છોડને સરખાના સાચવવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો અને સજા તરીકે તેમને શ્રમ શિબિરોમાં છ મહિનાની સજા ફટકારવામાં આવી હતી. કિમ જોંગ-ઇલનું 2011માં 69 વર્ષની વયે અવસાન થયું હતું.
સ્થાનિક એનકે ન્યૂઝ અનુસાર ઉત્તરી રાયંગગાંગ પ્રાંતમાં સેમસુ કાઉન્ટીના એક ફાર્મ મેનેજરની ધરપકડ કરવામાં આવી હતી કારણ કે તે છોડની પૂરતી કાળજી રાખતો ના હતો તે માટે તેમને છ મહિનાની જેલની સજા ફટકારવામાં આવી હતી. આ વ્યક્તિની ઓળખ “હાન “તરીકે કરવામાં આવી છે જેની ઉંમર 50 વર્ષની આસપાસ છે. શિયાળાના મહિનાઓમાં ગ્રીનહાઉસને પર્યાપ્ત રીતે ગરમ કરવા માટે હાનને લાકડાં ન મળ્યા અને પરિણામે છોડ સુકાઈ ગયા હતા. તેની સાથે અન્ય ઘણા લોકોને પણ લેબર કેમ્પમાં મોકલવામાં આવ્યા હતા.
ફાર્મના અન્ય કર્મચારીની ઓળખ 40 વર્ષીય ચોઈ તરીકે થઈ હતી. તેને શ્રમ શિબિરોમાં ત્રણ મહિનાની સજા પણ કરવામાં આવી હતી. તેના પર ગ્રીનહાઉસ બોઈલરનું તાપમાન યોગ્ય રીતે સેટ ન કરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. તમને જણાવી દઈએ કે કિમ જોંગ-ઇલની જન્મજયંતિ ઉત્તર કોરિયાની સૌથી મહત્વપૂર્ણ રજાઓમાંથી એક છે. આ પ્રસંગે થતી નાની નાની ભૂલ માટે સરમુખત્યાર સખત સજા આપે છે.