અમદાવાદની આસપાસ આવેલી આ જગ્યાઓ છે વન ડે પિકનિક માટે બેસ્ટ…

Travel

પિકનિકનું નામ સાંભળતા જ બાળકોની સાથે-સાથે બાળકો પણ ખુશ થઇ જાય છે, જો તમે પણ અમદાવાદની આસપાસ કશે પિકનિક માટે જવાનું વિચારતા હોવ તો તમને ઘણી બેસ્ટ જગ્યાઓ મળી જશે. અમદાવાદમાં અને આસપાસના વિસ્તારમાં ઘણા પિકનિક સ્પોટ હાજર છે, અને લોકોને આ જગ્યાઓ પસંદ પણ આવે છે. જો તમે પણ આ વિકેન્ડ પર પોતાના પરિવાર, મિત્રો કે પાર્ટનર સાથે પિકનિક પર જવાનો પ્લાન બનાવી રહયા છો તો આ જગ્યાઓ પર જઈ શકો છો.

કાંકરિયા – અમદાવાદના પિકનિક સ્પોટની વાત કરીએ અને એમાં કાંકરિયાનું નામ ન આવે એ તો કેમ બને! કાંકરિયા લોકોના ઘણું પસંદગીનું સ્થાન છે. કાંકરિયામાં ઝૂઓલોજિકલ ગાર્ડન, બાલવાટિકા સાથે જ કાંકરિયા તળાવ, જોવા માટે તમને બધું જ મળી જશે. આ અમદાવાદના પર્યટન સ્થળોમાંથી એક માનવામાં આવે છે. અહીં તળાવમાં તમે બોટિંગ કરવા જઈ શકો છો, મિનિટ ટ્રેન રાઈડ, બલૂન રાઈડ જેવી એક્ટિવિટીઝ પણ કરી શકો છો. અહીં ફૂડ કોર્ટ પણ છે અને રેસ્ટોરન્ટમાં ખાવાની સુવિધા પણ મળી જશે. સાંજના સમયે થીમ પાર્ક પણ ખુલે છે, જેમાં પણ તમે બાળકો કે મિત્રો સાથે આનંદ માણી શકો છો.

ઇન્દ્રોડા નેચર પાર્ક – અમદાવાદથી ખૂબ જ નજીક આવેલું છે ઇન્દ્રોડા નેચર પાર્ક, આ ભારતની એક માત્ર ડાયનોસોર ગેલેરી છે. 400 એકરમાં ફેલાયેલ ઇન્દ્રોડા નેચર પાર્ક એક આદર્શ પિકનિક સ્થળ છે. આ પાર્કમાં વોક-ઈન એવિયરી, મેરિન સેક્શન, રેપ્ટાઈલ સેક્શન, બોટનિકલ ગાર્ડન, અને પિકનિક માટે કેમ્પિંગની સુવિધાઓ પણ અહીં હાજર છે. અહીંથી માત્ર 2 કિલોમીટર દૂર સરોવર બંધ પણ છે, જ્યાં પણ તમે પરિવાર કે મિત્રો સાથે જઈ શકો છો.

તિરૂપતિ ઋષિવન – જો તમે બાળકોને લઈને પિકનિક પર જવાનું વિચારો છો તો તિરૂપતિ ઋષિવન એડવેન્ચર પાર્ક એક સારો વિકલ્પ છે. આ અમદાવાદથી લગભગ 70 કિલોમીટરના અંતરે સાબરમતી નદીના કિનારે આવેલું છે, જ્યા બાળકો માટે ઘણી મજાની એક્ટિવિટીઝ છે, એટલે જ આ પિકનિક માટે અમદાવાદની નજીકની સૌથી શ્રેષ્ઠ જગ્યા ગણાય છે. ગરમીમાં અહીં વોટરપાર્ક પણ ખુલ્લું રહે છે. આની વિશેષતા એ પણ છે કે અહીં વિશ્વની બધી જ અજાયબીઓની પ્રતિકૃતિઓ છે.

થોલ – અમદાવાદની નજીક આવેલું થોલ તળાવ યંગસ્ટર્સમાં એક પ્રસિદ્ધ સ્થળ છે. અહીં તમને 150થી વધુ વિદેશી પક્ષીઓની પ્રજાતિઓ જોવા મળે છે. જો તમે અહીં જાઓ તો પોતાની સાથે ઝુમ લેન્સ કે દૂરબીન લઇ જજો, જેથી પક્ષીઓને જોવાની મજા આવશે. સાથે જ અહીં સૂર્યાસ્તનો નજારો પણ આહલાદક હોય છે. ઓક્ટોબરથી માર્ચની વચ્ચેનો સમય અહીં જવા માટે સારો માનવામાં આવે છે. સાથે જ જો અહીં તમે સવારે વહેલા પહોંચશો તો તમને વધુ મજા આવશે.

અક્ષરધામ મંદિર – અમદાવાદને અડીને આવેલ રાજ્યની રાજધાની ગાંધીનગરમાં આવેલું અક્ષરધામ મંદિર ભારતમાં મોટા મંદિરોમાંનું એક છે, અને અહીં આખા પરિવાર સાથે જવા માટે શ્રેષ્ઠ સ્થળ છે. અહીં ખાવા માટે રેસ્ટોરન્ટ પણ છે. સાંજના સમયે અહીં લાઈટ અને સાઉન્ડ શો પણ આયોજિત કરવામાં આવે છે. આ મંદિર સોમવારે બંધ રહે છે. બીજા દિવસોમાં અહીં સવારે 9.30થી 7.30ની વચ્ચે જઈ શકાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *