આ જગ્યાએ આજે પણ સરહદની રક્ષા કરે છે ભારતીય સૈનિકની આત્મા, અહી સૈનિકોએ જતા પહેલા લેવી પડે છે પરવાનગી.

Story

સિયાચીન ગ્લેશિયર જ્યાં યુદ્ધ વિના જ ભારત અને પાકિસ્તાન સૈનિકો ગુમાવે છે. શિયાળામાં હિમાલય વધુ બરફાચ્છાદિત થઈ જાય છે. વર્ષો પહેલાં એક ફિલ્મ આવી હતીઃ વ્હેર ઈગલ્સ ડેર?’ એટલે કે જ્યાં સમડી જેવાં ખૂબ ઊંચે ઊડી શકતાં પક્ષીઓ પણ જઈ શકતાં નથી.

સિયાચીન પણ આવું જ ડેડલી છે. આ ઋતુમાં અહીં અનેક વાર હિમસ્ખલન થાય છે. ૨૦૧૬માં એક ભયંકર હિમસ્ખલનના કારણે ભારતના ૧૦ જવાનો બરફની શીલાઓ ગગડતાં દટાઈ ગયા હતા. તેમાંથી એક ભારતીય જવાન હનુમાન થપ્પા જ જીવતા મળી આવ્યા હતા. તેમને શ્રેષ્ઠ તબીબી સારવાર આપવા છતાં હિમસ્ખલન સામે જીતેલા હનુમાન થપ્પા જિંદગીની લડાઈ હારી ગયા હતા.

સિયાચીન એક બરફથી આચ્છાદિત ખતરનાક વિસ્તાર છે. અહીં સામાન્ય સંજોગોમાં માઈનસ ૨૫ ડીગ્રી ઠંડી રહે છે. શિયાળામાં અહીં ઠંડી માઈનસ ૪૫ ડીગ્રી થઈ જાય છે. આ વિસ્તારમાં ભારતે યુદ્ધના કારણે નહીં પરંતુ પાછલાં વર્ષોમાં હિમસ્ખલનના કારણે ૮૦૦થી વધુ જવાનો ગુમાવ્યા છે. અહીં બરફનાં ગ્લેશિયર્સ ગમે ત્યારે તૂટી પડે છે અને દર વર્ષે ભારત સરેરાશ ૧૦ જવાનો ગુમાવે છે. અહીં આ બર્ફીલા વિસ્તારમાં પાકિસ્તાન પણ તેના સૈનિકો દ્વારા અવારનવાર કાંઈક ને કાંઈક હરકત કર્યા કરે છે.

સિયાચીનનું એક વ્યૂહાત્મક મહત્ત્વ છે. ભારતના બે દુશ્મન દેશો ચીન અને પાકિસ્તાન-એ બંને સિયાચીન પર નજર રાખી રહ્યા છે. એ કારણે ભારતે પણ આ ખતરનાક બરફાચ્છાદિત વિસ્તારમાં આપણા સૈનિકોને તહેનાત રાખવા પડે છે. અહીં તણખલું પણ ઊગતું નથી.

સિયાચીન એ આખા વિશ્વનું હવામાનની દૃષ્ટિએ ખતરનાક રણમેદાન ગણાય છે. તે દરિયાની સપાટીથી ૨૦ હજાર ફૂટની ઊંચાઈએ આવેલું છે. અહીં બારે મહિના બરફ આચ્છાદિત રહે છે. અહીં પર્યાપ્ત માત્રામાં પ્રાણવાયુ પણ ઉપલબ્ધ નથી.

અહીં તહેનાત જવાનો રોજ કુદરતના પ્રકોપ સામે યુદ્ધ લડતા રહે છે. પાણી, દૂધ અને રાશન હેલિકોપ્ટર્સ મારફતે પેરાશૂટ દ્વારા નીચે પહોંચાડવામાં આવે છે. સિયાચીન જવા માટે કોઈ મોટરમાર્ગ નથી. વિમાનો માટે કોઈ રનવે નથી. અહીંની સખત ઠંડીથી કેટલીક વાર જવાનો ફ્રોસ્ટબાઈટ નામની બીમારીનો ભોગ બને છે. સખત ઠંડીથી તેમના હાથ કે પગના અંગૂઠા સુકાઈ જાય છે અને અકલ્પ્ય માથાના દુખાવાનો ભોગ બને છે.

સિયાચીન ગ્લેશિયર્સથી નીચે આવતા ભારતીય જવાનો જુદા જ પ્રકારના માણસો બની જાય છે. દાઢીવાળા તેમના ચહેરા પર એક પ્રકારની સખ્તાઈ દેખાય છે. તેમની આંખો પણ સખ્ત લાગે છે. કેટલાક જવાનો સ્મૃતિદોષના શિકાર બની જાય છે. કેટલાક અચાનક રાત્રિના સમયે ધ્રૂજવા લાગે છે. સિયાચીનની સુરક્ષાની આપણે આ કિંમત ચૂકવીએ છીએ.

હા, એ વાત સાચી છે કે ૧૯૮૦માં જે પરિસ્થિતિ હતી તે કરતાં ભારતીય જવાનો માટે હવે પરિસ્થિતિ સુધરી છે. ૧૯૮૦ પછીનાં વર્ષોમાં ભારતે હિમસ્ખલનના કારણે ૩૦ જવાનો ગુમાવ્યા હતા પરંતુ હવે ભારતીય આર્મી પાસે પહેલાં કરતાં બહેતર સુવિધાઓ છે. પહેલાં કરતાં વધુ સારી તબીબી સુવિધાઓ પણ છે. પહેલાં કરતાં હવે ઓછી દુર્ઘટનાઓ સર્જાય છે. અહીં કેરોસીન લાઈન પણ નાખવામાં આવી છે. પ્રિફેબ્રીકેટેડ હટ્સ પણ ઊભાં કરવામાં આવ્યાં છે. ગાત્રોને થીજવી દેતી ઠંડી સામે રક્ષણ માટે ભારતીય જવાનોને હવે વધુ સારાં વસ્ત્રો પણ આપવામાં આવે છે.

આ બધું હોવા છતાં સિયાચીન ગ્લેશિયર પર પ્રકૃતિ જ સર્વોચ્ચ છે. તેની સામે માનવી ઘણો નાનો લાગે છે. પર્વત પરની સેંકડો ફૂટ ઊંચી ઊંચી બરફની શીલાઓ તૂટવા માંડે છે ત્યારે માનવી લાચાર લાગે છે. વર્ષોથી જામેલા બરફના થર કોંક્રીટની દીવાલો કરતાં પણ વધુ સખત હોય છે. બરફની ગ્લેશિયર તૂટવાનું એક કારણ ગ્લોબલ વોર્મિંગ પણ છે.

અહીં એક દંતકથા પણ છે. ગ્લેશિયરના પ્રવેશદ્વાર પર ઓપી બાબાનું એક મંદિર પણ છે. કહેવાય છે કે ૧૯૮૦માં એક જવાનના મૃત્યુ પછી તેનો આત્મા સિયાચીનની બર્ફીલી ચાદર પર ઘૂમે છે. તેથી ભારતના જવાનો આ ગ્લેશિયર પર જતા પહેલાં ઓપી બાબાના આત્માની પરવાનગી લઈ ઉપર ચઢવા માંડે છે. કોઈને આ વાત અંધશ્રદ્ધા જેવી લાગે પરંતુ તે ભારતના જવાનો માટે ઊર્જાનો સ્ત્રોત બની જાય છે.

આવી ખતરનાક ગ્લેશિયર પર યુદ્ધ વગર જ સૈનિકો ગુમાવતાં ભારત અને પાકિસ્તાની ગ્લેશિયર પરથી તેમની લશ્કરી ચોકીઓ કેમ હટાવતાં નથી તેનું કારણ પણ જાણી લેવાની જરૂર છે. આ વિસ્તારના બિનલશ્કરીકરણની વાતો થતી આવી છે પરંતુ નજીકમાં જ ચીનના આક્રમણ અને પાકિસ્તાનની હરકતો ભારતના આર્મીને અહીં સજાગ રહેવા ફરજ પાડે છે.

બીજું કારણ એ પણ છે કે જુલાઈ, ૧૯૪૯માં ભારત-પાકિસ્તાન વચ્ચે કરાંચી યુદ્ધવિરામ કરાર થયો હતો. તે કરાર સંદિગ્ધ છે. ૧૯૪૭-૪૮ના યુદ્ધ પછી એ વખતે એક યુદ્ધવિરામ લાઈન નક્કી કરવામાં આવી હતી. તેમાં સિયાચીન ગ્લેસિયર અંગે કેટલીક ગૂંચવણો અસ્પષ્ટ હોવાનું પાકિસ્તાન કહેતું આવ્યું છે. એ કારણે પાકિસ્તાન આ ગ્લેશિયર પરની યુદ્ધવિરામ રેખાનું પોતાની રીતે અર્થઘટન કરતું આવ્યું છે. આ બધાં કારણસર ભારત અને પાકિસ્તાન સિયાચીન ગ્લેશિયરની આ બિનઉપજાઉ જમીન પર લશ્કરની ચોકીઓ ઊભી કરીને ખડાં છે. આ ગ્લેશિયર અંગે બંને દેશો વચ્ચે સ્પષ્ટ સમજૂતી અને સુલેહના અભાવે બંને દેશો યુદ્ધ કર્યા વિના જ હિમસ્ખલનના કારણે પોતપોતાના સૈનિકો ગુમાવતા રહ્યા છે.

અત્રે એ નોંધવું જરૂરી છે કે પાકિસ્તાન અને ચીન વચ્ચે સાંઠગાંઠ છે. ભારત માટે આ મોટામાં મોટો ચિંતાનો વિષય છે. અહીં કારાકોટમાંથી માત્ર ૭૦ કિલોમીટર દૂર જ ચીનના લશ્કરની હાજરી છે જે ભારતને સાવધ રહેવાની ફરજ પાડે છે. ધારો કે ભારત સિયાચીનમાંથી લશ્કર ખસેડી લે તો અને ભવિષ્યમાં યુદ્ધ થાય તો ચીન અને પાકિસ્તાન બેઉ ભેગાં મળીને ભારત અને પાકિસ્તાને ખાલી કરેલી સિયાચીન ગ્લેશિયર પરથી ભારત પર આક્રમણ કરી શકે છે.

આ રીતે સિયાચીન ગ્લેશિયર ભારત માટે વ્યૂહાત્મક મહત્ત્વ ધરાવે છે અને તેથી જ હિમસ્ખલન જેવાં ખતરનાક જોખમો વહોરીને પણ ભારતે ત્યાં લશ્કર તહેનાત રાખવું પડે છે.

ભારતે પાકિસ્તાન ઊભું કરીને ઘણી મોટી કિંમત ચૂકવી છે અને ચૂકવતા રહેવું પડશે.

સૌજન્ય:- રેડ રોઝ- દેવેન્દ્ર પટેલ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *