પ્રથમ પત્ની પિયર ગઈ અને પતિ લઈ આવ્યો બીજી પત્ની, પહેલી પત્નીએ ઘરે આવીને જોયું તો ઉડી ગયા હોંશ

News

ગાંધીનગરમાં પતિથી રિસાઇને પિયર ગયેલી પત્નીનો દાવ થઇ ગયો છે. પત્ની પિયર ગયાના એક મહિના સુધી પતિએ ભાળ ન લેતાં પત્ની સાસરે પાછી આવીને દરવાજો ખખડાવ્યો તો પતિની બીજી પત્નીએ દરવાજો ખોલી સ્વાગત કરતાં પત્નીની પગ નીચેથી જમીન સરકી ગઇ હતી.

સમગ્ર ઘટના વિશે જણાવીએ તો, ગાંધીનગરમાં ચાર સંતાનો સાથે એક દંપતિ સુખમય જીવનમાં બીજી સ્ત્રીની એન્ટ્રી થતાં સમગ્ર મામલો પોલીસ મથકમાં પહોંચ્યો છે. ગાંધીનગરમાં રહેતી રેખા (નામ બદલ્યુ છે)ના લગ્ન અક્ષય (નામ બદલ્યુ છે) સાથે થયાં હતાં. આ લગ્ન જીવનથી રેખાએ ચાર સંતાનોને જન્મ આપ્યો હતો. દંપતિ ચાર સંતાનોના લાલન પાલનમાં વ્યસ્ત થઈ ગયું હતું. ત્યારે સમય જતાં અક્ષયનાં સ્વભાવમાં ઓચિંતો ફેરફાર થવા લાગ્યો હતો.

અક્ષય ધીમે ધીમે રેખા અને ઘરમાં ઓછું ધ્યાન આપવા લાગ્યો હતો. એટલે રેખાને એમ હતું કે અક્ષય કામ ધંધા અર્થે વ્યસ્ત હોવાથી સ્વભાવ બદલાયો હશે. જોકે, સમય જતાં અક્ષયે રેખા સાથે વાતચીત કરવાનું પણ ઓછું કરી દીધું અને સતત ફોનમાં વ્યસ્ત રહેવા લાગ્યો હતો.

મોડી રાત સુધી અક્ષય ચોરી છૂપીથી ફોન પર વાતો કરતો રહેતો હતો. જેનાં કારણે રેખાને શંકા ઉપજી હતી. જેથી તેણે અક્ષયની દરેક હિલચાલ પર નજર રાખવાનું શરૂ કરી દીધું હતું. ત્યારે અક્ષય પણ વિશેષ તકેદારી રાખી ફોન રીઢો મુકતો ન હતો. પરંતુ કહેવત છેને પાપ છાપરે ચડીને પોકારી ઉઠે એજ રીતે રેખાને અક્ષયનું અફેર ચાલતું હોવાની જાણ થઈ ગઈ હતી.

રેખાને અક્ષયના અફેરની જાણ થતાં પતિ પત્ની વચ્ચે ખટરાગ શરૂ થઈ ગયો હતો. તેમ છતાં અક્ષય પોતાના અવૈધ સંબંધો તોડવા તૈયાર ન હતો. ત્યારે એક મહિના પહેલા દંપતિ વચ્ચે ઉગ્ર માથાકૂટ થઇ હતી. જેનાં પગલે રેખા ચાર સંતાનોને લઈને રિસાઈને પિયર રહેવાં જતી રહી હતી. પરંતુ મહિના સુધી અક્ષયે ભૂમિકા કે સંતાનોને પરત લાવવા કોઈ પ્રયાસ કર્યા ન હતા. પરંતુ રેખા સંતાનોના ભવિષ્યને ધ્યાને રાખી પરત ઘરે ફરી હતી. રેખાએ સાસરે આવીને જેવો ઘરનો દરવાજો ખખડાવ્યો કે અક્ષયને જેની સાથે અફેર ચાલતું હતું તે રીના (નામ બદલ્યુ છે)એ દરવાજો ખોલ્યો હતો.

આ જોઈ રેખાનાં પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. કેમ કે અક્ષયે એક મહિનાની અંદર જ રીના સાથે લગ્ન કરી લઈ નવો ઘર સંસાર માંડી લીધો હતો. આ વાતને લઈ બન્ને વચ્ચે ઉગ્ર ઝગડો થયો હતો અને પાડોશીઓ પણ એકઠા થઈ ગયા હતા. આખરે રેખાએ 181 અભયમ મહિલા હેલ્પ લાઈનની ટીમને ફોન કરીને મદદે બોલાવી લીધી હતી.

અભયમ ટીમે પણ અક્ષયને ઘણો સમજાવ્યો હતો, પરંતુ તેણે રેખાને રાખવાની ઘસીને ના પાડી હતી. જેને ચાર સંતાનોના ભવિષ્ય સામે જોવા માટે પણ અભયમ મહિલા હેલ્પ લાઈનની ટીમે કલાકો સુધી સમજાવ્યો પરંતુ તે પોતાના નિર્ણય પર અડગ રહ્યો હતો. આખરે કંટાળીને રેખાએ ગાંધીનગર પોલીસનું શરણ લેવાનું નક્કી કરતાં સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *