ચોમાસામાં માનવ શરીર માટે અમૃત સમાન છે પાતરવેલિયા(અળવી/પાતરાં)ના પાન, ફાયદા જાણીને ચોંકી જશો…

Health Recipe

ચોમાસું શરૂ થાય તેની સાથે મોસમની ખાસ ગણાતી ભાજી હોય કે ભજિયાનો આનંદ માણવાના શોખીનો કાગડોળે રાહ જોતા હોય છે. પહેલા વરસાદમાં પલળ્યા બાદ જ તેનો સ્વાદ માણવાની મજા જ કંઈક અલગ છે.

વરસાદમાં ગરમાગરમ ભજિયાં, દાળવડા, કાંદાભજી, બટાટા વડાનો સ્વાદ તો અચૂક લેતા હોઈએ છીએ. વરસાદી મોસમમાં ખાસ લીલાછમ મળતાં તાજા પાનની વાનગી ઘરે બનાવીને ન ખાઈએ તો કેમ ચાલે ? અરે હા, આપણે વાત કરી રહ્યા છીએ પાતરવેલિયાની. કેમ મોઢામાં પાણી આવી ગયું ને ! પાનનો મીઠો સ્વાદ – તેમાં ઉપરથી ભળે ચટપટો ચણાના લોટમાં ભીંજાઈને પલળેલા મસાલાનો સ્વાદ પાતરવેલિયાને સરસ મજાની કોથમીર, ફૂદીનાની ચટણી કે આમલીની મીઠી ચટણીના ચટપટા સ્વાદ સાથે માણવાના. મોસમના બદલાતા મિજાજમાં કંઈક સ્વાદિષ્ટ તથા સાત્વિક ખાવાનો સંતોષ પણ મેળવવાનો.

પાતરવેલિયાના પાન પણ સ્વાસ્થવર્ધક છે તેવું તમને કોઈ કહે તો આપ માનશો ? જી હા, સ્વાદની સાથે પાનમાં તંદુરસ્તીના અનેક ગુણો સમાયેલા છે . વરસાદી માહોલમાં આજે આપણે કરીશું ગુજરાતી – મરાઠી સંસ્કૃતિની ઓળખ ગણાતા અળવી પાન – આલુવડી – પાતરાંના પાન વિશેની સ્વાથ્યવર્ધક સફર.

પ્રકૃતિ લીલીછમ ચાદર ઓઢીને, શણગાર સજીને ચોમાસામાં લહેરાતી જોવા મળે છે. આ કુદરતી સૌંદર્યને માણવા વારંવાર ઘરની બહાર નીકળવું જ જોઈએ. વરસાદમાં મન મૂકીને પલળવાની એક અલગ જ મજા છે. તેવી જ રીતે ધરતી ઉપર કુદરતે લીલાછમ ગાલીચાની શોભા સજાવી હોય તેને મન ભરીને માણી લેવાની લાલચ પણ કદાચ ભાગ્યે જ કોઈ કુદરત પ્રેમી રોકી શકતા હશે.

ચોમાસામાં જેમ લીલું ઘાસ ઠેક – ઠેકાણે ઊગી નીકળે છે. ચોમાસામાં અળવીના પાન પણ મોટા પ્રમાણમાં લહેરાતાં જોવા મળે છે. હાથીના કાનના આકાર જેવા મોટા ઊગી નીકળતાં હોવાથી અંગ્રેજીમાં તેને ‘એલિફન્ટ ઈયર’ તરીકે ઓળખવામાં આવે છે. ગુજરાતીમાં તેને પાતરાં, પાતરવેલિયા કે અળવીના પાન તરીકે આપણે ઓળખીએ છીએ. તો મરાઠીમાં તેને આલુવળી કે અલવી પાન કહેવામાં આવે છે. અન્ય નામો છે કૉકોયમ, ટારો, કચ્ચાલો, કાલો, અરવી – અરબી પાન. તેનું વૈજ્ઞાનિક નામ કોલોકેસિયા એસ્ક્યુલેન્ટા (Colocasia esculenta) છે અને તે એરેસી (Araceae) કુળની વનસ્પતિ છે.

અળવીના પાનનો ઉપયોગ ભોજનમાં કરવામાં આવે છે તે જ પ્રમાણે તેના મૂળિયાંનો કંદરૂપે ઉપયોગ થાય છે. ગુજરાતીમાં તો અળવીના પાનની વાનગીને ‘પાત્રા’ તરીકે જ ઓળખવામાં આવે છે. ઉત્તર પ્રદેશમાં તેને ‘આરવીના પત્તા” તરીકે ઓળખવામાં આવે છે . મણિપુરમાં પાનમાંથી ‘ઉટ્ટી’ નામક ખાસ વાનગી બનાવવામાં આવે છે. ઓરિસ્સામાં તેના મૂળ “સુરૂ’ તરીકે ઓળખાય છે. તો ઓરિસ્સાની ખાસ વાનગીમાં દાલમામાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. અળવી પાનનો સ્વાદ સામાન્ય પાલકના સ્વાદને મળતો આવે છે. પાલકને આપ બરાબર સાફ કરીને સલાડમાં થોડા ઘણા અંશે કાચી ખાઈ શકાય છે. અળવીના પાનને કાચા ખાઈ શકાતા નથી. કારણકે તેમાં કૅલ્શિયમ ઑક્સલેટ નામક તત્ત્વ છે. જેને કારણે ગળામાં ખંજવાળ – સોજો આવી શકે છે. પાનને હૂંફાળા પાણીથી સાફ કરીને રાત્રિભર પાણીમાં ડૂબાડીને રાખવા જોઈએ. આમ કરવાથી તેનામાં રહેલું ઑક્સલેટ નામક સત્ત્વ ઘણું ઓછું થઈ જાય છે. વળી તે સ્વાથ્ય માટે હાનિકારક રહેતું નથી.

અળવી બહુવર્ષાયુ છોડ સ્વરૂપની વનસ્પતિ છે, જે 1 મીટર કે તેથી વધુ ઊંચી વધે છે. આધાર પર એક વિશાળ, માંસલ કંદ જોવા મળે છે. તેના પર્ણો મોટા, સદંડી, હૃદય આકારના અને છત્રકીય હોય છે. પર્ણની દાંડીનો રંગ મોટા ભાગે ઘેરો જાંબલી કે લીલો હોય છે. અળવીને કંદ વડે ઉછેરી શકાય છે.

આજની ગૃહિણીને પાતરવેલિયા બનાવવાવાનું કામ મોટા ભાગે કડાકૂટ લાગતું હોય છે. વાસ્તવમાં તે ઝડપથી બની જતી વાનગી છે. ઘરે બનાવેલા હોવાથી તે વધુ સુપાચ્ય તથા સ્વાદિષ્ટ લાગે છે. જો તળેલી વાનગીઓ ખાવાનું ટાળવું હોય તો સ્વાથ્ય માટે ગુણકારી ગણાતા અળવીના પાન ખાવાનો આગ્રહ છે. ફક્ત પાનને વ્યવસ્થિત સાફ કરીને તેની નશો કાઢવી આવશ્યક છે. ગુજરાતી કુટુંબમાં તો દાદી – નાનીએ બનાવેલા પાતરવેલિયા ખાવાની મજા જ કંઈક અલગ ગણાતી. સંયુક્ત કુટુંબમાં બધા સાથે બેસી પાતરવેલિયા ઉપર મસાલો લગાવતા જાય અને ત્યારે તેના સ્વાદની મજા આડોશી પાડોશીને પણ કરાવે. આજે તો બજારમાં લાંબા સમય સુધી ફ્રિજમાં રાખી શકાય છે તેવા પાતરાના વિંટા તૈયાર મળે છે. ઘરે લાવીને મન થાય છે ત્યારે કાપીને બનાવી લેવાના.

પાતરાના પાન ઉપર મસાલો લગાવવાની પણ એક આગવી રીત છે. પાનનો ઘેરો રંગ નીચે આવે આછા રંગ ઉપર ચણાના લોટમાં રોજબરોજ વપરાતા મસાલા ભેળવીને તૈયાર કરેલો મસાલો ચોપડવાનો. એક ઉપર બીજું પાન લગાવીને વિંટો બનાવી લેવાનો. વરાળમાં બાફીને તેનો ઉપયોગ કરવાનો.

પાતરાંના પાન સ્વાથ્ય માટે ગુણકારી ગણાય છે. તેમાં સમાયેલાં વિવિધ સત્ત્વ જોઈએ તો પ્રોટિન, વિટામિન એ, વિટામિન સી અને વિટામિન ઈ જોવા મળે છે. પોટેશિયમ, મેગ્નેશિયમ તથા ફાઈબર પણ સમાયેલું છે.

ચાલો જાણી લઈએ અળવીના પાનમાંથી બનતી વિવિધ ન વાનગીઓ. જેવી કે પાતરાં, મકાઈ પાતલ ભાજી, તુરિયાં પાતરા, પાતલ ભાજી, લગ્ન સમારંભમાં ખાસ બનાવવામાં આવતાં લવિંગિયા પાતરા, મરાઠી વાનગી આલુવડી. અળવી સમોસા. અળવીની કટલેસ પણ બનાવવામાં આવે છે.

અળવીના પાનને પસંદ કઈ રીતે કરવાઃ- અળવીના પાન ઘેરા લીલા રંગના મધ્યમ આકારના પાનને ને પસંદ કરવા. પાનની દાંડી કાળા રંગની હોય તે જોવું. મકાઈ પાતળ ભાજી કે પાતળ ભાજી બનાવવા માટે ચોમાસામાં ખાસ નાના કુણા પાન મળે છે તેનો ઉપયોગ કરવો. ભાજી વધુ સ્વાદિષ્ટ બને છે. પાનની દાંડી તથા નસને હળવે હાથે ધારદાર ચપ્પથી કાપી લેવી. નાની કાતરનો ઉપયોગ પણ કરી શકાય છે. પાન તાજા લેવા. કાળા પડી ગયેલાં કે ચીમળાઈ ગયેલાં પાનનો ઉપયોગ ટાળવો. ફ્રિઝમાં રાખેલાં પાનને બદલે બનાવવા હોય ત્યારે જ ખરીદીને ઉપયોગ કરવો હિતાવહ છે. ફ્રિઝમાં રાખવા હોય તો સ્વચ્છ કોરા કપડાંમાં વિંટાળીને તેને બે – ત્રણ દિવસ રાખી શકાય છે.

અળવીના પાનના ગુણો જાણી લઈએ.

એન્ટિઑક્સિડન્ટના ગુણો ધરાવે છે:- વિટામિન સીની માત્રા પાનમાં ભરપૂર સમાયેલી છે. શરીરને પૂરતા પ્રમાણમાં એન્ટિઑક્સિડન્ટની માત્રા પૂરી પાડે છે. શરીરને અનેક રોગથી બચાવે છે. ફ્રિ રેડિકલ્સથી બચાવે છે જે કેન્સર થવાનું એક કારણ ગણાય છે.

રોગપ્રતિકારક તંત્રને મજબૂત બનાવે છે:- એક મોટા અળવીના પાનમાં 86 ટકા વિટામિન સીની માત્રા સમાયેલી હોય છે. જે શરીરના રોગપ્રતિકારક તંત્રને સુધારવા માટે પૂરતી ગણાય છે. આથી જો એક પાનનો ઉપયોગ પણ આહારમાં વિવિધ રીતે કરવામાં આવે તો શરીરની સક્ષમતા વધી જાય છે.

આંખોનું તેજ વધારે છે:- પાતરાંના પાનમાં વિટામિન સીની સાથે વિટામિન એ ભરપૂર પ્રમાણમાં સમાયેલું છે. વ્યક્તિની રોજની જરૂરિયાત ફક્ત પાનનો આહારમાં ઉપયોગ કરવાથી પૂર્ણ થાય છે. આંખોની સમસ્યાથી બચી શકાય છે. લીલાં શાકભાજી આમ પણ આંખની તંદુરસ્તી માટે જરૂરી ગણાય છે. ચોમાસામાં ખાસ મળતાં અળવીના પાનનો ઉપયોગ અચૂક કરવો જોઈએ.

વજન ઘટાડવામાં મદદરૂપ:- અળવીના પાનમાં ફેટનું પ્રમાણ જોવા મળતું નથી. વળી પ્રોટિન ભરપૂર પ્રમાણમાં સમાયેલું છે. શરીરની ચરબી ઉતારવાની સાથે મસલ્સ વધારે મજબૂત બને તે માટે પ્રોટિનયુક્ત આહાર લેવો જોઈએ. પાતરાંને બાફીને કે વઘારીને તેનો ઉપયોગ કરવો. તળેલાં પાતરાં ચરબી અચૂક વધારશે.

બ્લડ પ્રેશર નિયંત્રણમાં રાખવામાં મદદરૂપ:- અળવીના પાનમાં ઓમેગા 3 ફેટી એસીડ પણ સમાયેલ છે. રક્તકોષિકામાં લોહીનું પરિભ્રમણ યોગ્ય રીતે થાય તે માટે પૂરતાં હાર્મોન્સનુ નિર્માણ પણ કરે છે. આમ લોહીનું પરિભ્રમણ યોગ્ય રીતે થવાથી બ્લડ પ્રેશરની તકલીફમાં રાહત મળે છે.

એનિમિયાની તકલીફમાં રાહત:- અળવીના પાનમાં આયર્નની માત્રા પણ ભરપૂર છે. જે લાલ રક્તકણોને બનાવવામાં મદદ કરે છે. વળી વિટામિન સીની માત્રા આયર્નને યોગ્ય રીતે શરીરમાં ભેળવવામાં મદદ કરે છે. જે લાલ રક્તકણોનું કામ શરીરમાં સરળ બનાવે છે. અળવીના પાનને ક્યારેય કાચા ન ખાવા તેને પાણીમાં થોડો સમય રાખ્યા બાદ બરાબર ધોઈને સૂકા કરીને વાપરવા. પાતરવેલિયા બનાવવાને કડાકૂટ ન ગણી વરસાદી મોસમમાં ઘરે જ બનાવીને શુદ્ધ – સાત્વિક ફરસાણનો આનંદ માણવાનું રખે ન ચૂકતાં !

મકાઈ પાતળ ભાજી બનાવવાની રીતઃ- 1 નંગ મકાઈના દાણા, 1 ઝૂડી પાતરાંના નાના પાન, 1 કપ ચણાની દાળ, 2 કળી લસણ, 1 ચમચી અજમો, 1 ચમચી ઘી, 1 ચમચી માખણ, કીચનકિંગ મસાલો 1 ચમચી, હિંગ જરૂર મુજબ, મીઠું સ્વાદ પ્રમાણે, 1 નાનો ટુકડો ગોળ, 1 ચમચી આદુમરચાંની પેસ્ટ, 1 ચમચી લીંબુનો રસ, સજાવટ માટે બાફેલાં મકાઈદાણા તથા આદુંની કતરણ.

બનાવવાની રીત:- ચણાની દાળને તથા મકાઈના દાણાને બાફી લેવા. એક કડાઈમાં ઘી – માખણ ગરમ કરી અજમાથી વઘાર કરો. તેમાં ચણાની દાળ, મકાઈના બાફેલા દાણા વઘારવા. થોડું પાણી નાખી થોડી વખત પકાવો. અળવીના પાનને ઝીણાં સમારીને ભેળવો. સ્વાદ પ્રમાણે મીઠું, હિંગ, આદું મરચાંની પેસ્ટ, ગોળ, કિચન કિંગ મસાલો નાખી બરાબર સીઝવો. ગેસ બંધ કરીને લીંબુનો રસ ભેળવો. સર્વ કરતી વખતે ઉપરથી મકાઈના દાણા તથા આદુંની લીંબુ – મીઠું લગાવેલી કતરણથી સજાવી ગરમાગરમ પીરસો. કૂણા પાનનો ઉપયોગ કરવાથી ભાજી અત્યંત સ્વાદિષ્ટ બનશે.

સૌજન્ય:- નિર્સગ સેતુ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *