વોટરગેટ જાસૂસી કૌભાંડ અને પેગાસસ જાસૂસી કૌભાંડ વચ્ચે શું તફાવત છે?

News

17 જૂન 1972 ની રાત્રિએ વોશિંગ્ટન ડીસીની વોટરગેટ હોટેલ કોમ્પ્લેક્સમાં ડેમોક્રેટિક નેશનલ કમિટીની ઑફિસમાં સ્પાઇંગ ડિવાઇસ લગાવવા માટે પાંચ ઈસમો પ્રવેશ્યા. પરંતુ પોલીસની નજરે ચડી જતાં પાંચેયને એરેસ્ટ કરવામાં આવ્યા. આ પાંચેય જણા ત્યાં બીજી વખત ઘૂસ્યા હતા. અગાઉ પણ એ જ ઉદ્દેશ હતો. રેકોર્ડિંગ ડિવાઈસ લગાડવાનો, જેમાં તેઓ સફળ થયેલા.

તેઓ ડેમોક્રેટિક નેતાઓની વાતચીત સાંભળવા માગતા હતા. થોડા દિવસ પહેલા તેમને જાણ થઈ કે તેમણે લગાડેલ ડિવાઈસ કામ કરતા નથી. બીજી વખત તેઓ ડિવાઇસ રિપેર કરવા આવ્યા હતા. તપાસ શરૂ થઈ ત્યાં તો આખા અમેરિકામાં હાહાકાર મચી ગયો. મોટા માથાનાં નામ ખૂલવા લાગ્યાં. સત્તામાં રહેલા રિપબ્લિકન પાર્ટીના નેતાઓ ડેમોક્રેટિક પાર્ટીની જાસૂસી કરાવી રહ્યા હતા.

વોટરગેટ સ્કેન્ડલની તપાસ ચાલતી હતી ત્યારે 1972ની પ્રમુખની ચૂંટણી આવી; નિક્સન વિક્ટિમ કાર્ડ રમ્યા. તેમણે પ્રેસ કોન્ફરન્સમાં દાવો કર્યો કે ‘વ્હાઇટ હાઉસના કોઈ પણ મેમ્બરનો આમાં હાથ નથી. મારા વિરુદ્ધ ષડયંત્ર રચાઈ રહ્યું છે !’ લોકોએ તેમની વાતમાં ભરોસો મૂકીને ચૂંટણીમાં તેમને ખોબલે-ખોબલે મત આપ્યા. તેઓ ફરી પ્રમુખ બન્યા. પરંતુ મીડિયાએ વોટરગેટ કૌભાંડ અંગે ઝૂંબેશ શરુ રાખી.

અંતે નિક્સન સામે મહાભિયોગની કાર્યવાહી શરુ થઈ. ન્યાયિક મામલાઓમાં દખલ દેવી, સત્તાનો દુરુપયોગ કરવો અને હાઉસ ઑફ રીપ્રેઝન્ટેટિવ્ઝ-નીચલા ગૃહ સમક્ષ રજૂ ન થવું; આ ત્રણ આરોપો મૂકવાનાં આવ્યા. જ્યારે તેમને લાગ્યું કે હવે આગળ બચવાનો રસ્તો નથી ત્યારે નિકસને હાર સ્વીકારી. 8 ઑગસ્ટ 1974 ના રોજ ટેલિવિઝન પર બધાની સામે રાજીનામું આપી દીધું ! ઉપપ્રમુખ જિરાલ્ડ ફોર્ડ તેમના સ્થાને પ્રમુખ બન્યા.

વિરોધ પક્ષના નેતાઓની જાસૂસીથી શરૂ થયેલું પ્રકરણ લોકપ્રિય પ્રમુખના રાજીનામા સુધી પહોંચ્યું તે અમેરિકાની લોકશાહીની મજબૂતી દર્શાવે છે. વોટરગેટ સ્કેન્ડલમાં તેમની સંડોવણી ક્યારેય પુરવાર ન થઈ શકી, પણ એટલું પુરવાર થઈ ચૂક્યું હતું કે તેમણે આ કૌભાંડની તપાસ રોકવાના પૂરેપૂરા પ્રયત્નો કર્યા હતા. CIA અને FBIની તપાસ પણ રોકાવી હતી. અમેરિકી જનતાની નજરમાં તેમને દોષિત સાબિત કરવા માટે આટલું પૂરતું હતું !

પેગાસસ જાસૂસી કૌભાંડ તો વોટરગેટ કૌભાંડ કરતા મોટું છે; છતાં નિકસનની માફક વડાપ્રધાને મૌન રહીને ઈન્કાર કર્યો છે. ઈઝરાયેલી કંપની; પેગાસસ સ્પાય સોફ્ટવેર સરકારની એજન્સીઓ સિવાય કોઈને વેચતી નથી. એટલે વિદેશની કોઈ સરકારે ભારતના 40 પત્રકારો/વિપક્ષના નેતા રાહુલ ગાંધી/સુપ્રિમકોર્ટના તત્કાલિન ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ સામે સેક્સુઅલ હેરેસમેન્ટનો આક્ષેપ કરનાર મહિલા કર્મચારી/ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર/ તત્કાલિન ઈલેક્શન કમિશ્નર અશોક લવાસા/ડો. પ્રવીણ તોગડિયા વગેરેના ફોન ઉપર સર્વેલન્સ/જાસૂસી કરાવી છે તેમ માનવું પડે ! અથવા ભારત સરકારે જાસૂસી કરાવી છે તેમ માનવું પડે !

19 જુલાઈ 2021ના રોજ સંસદમાં સરકારે કહ્યું કે અમે જાસૂસી કરાવી નથી ! કેન્દ્ર સરકાર એમ કહીને છટકી શકે નહી કે અમે કંઈ જાણતાં જ નથી ! જો વડાપ્રધાનને પેગાસસની જાસૂસીની ખબર જ નહોય તો તેમનામાં સરકાર ચલાવવાની ક્ષમતા નથી તેમ માનવું પડે; જો વડાપ્રધાનને ખબર હોય તો તેને સત્તામાં રહેવાનો નૈતિક હક્ક નથી !

સવાલ એ છે કે વોટરગેટ જાસૂસી કૌભાંડ અને પેગાસસ જાસૂસી કૌભાંડ વચ્ચે શું તફાવત છે? બન્ને કૌભાંડનો આશય વિરોધીઓની વાતો/તેમનું પ્લાનિંગ જાણવાનો હતો; કોણ કોની સાથે વાત કરે છે તે સોર્સ જાણવાનો હતો. બન્ને કૌભાંડમાં દેશના સર્વોચ્ચ હોદ્દા ઉપરના નેતાએ જાસૂસી કરવાના આદેશો આપેલ હતા; પરંતુ બન્નેએ જાસૂસી કરાવ્યાનો ઈન્કાર કર્યો.

અમેરિકન મીડિયાએ સતત ઝૂંબેશ ચલાવી કે પ્રેસિડેન્ટ નિક્સન જૂઠ્ઠું બોલે છે ! લોકોને જાગૃત કર્યા; જ્યારે ભારતમાં વડાપ્રધાન જૂઠ્ઠું બોલે છે; તેવું લોકો માની શકે તેમ નથી; કેમકે કોર્પોરેટ મીડિયા/ગોદી મીડિયાએ વડાપ્રધાનની ઈમેજ ‘દિવ્ય અવતારી પુરુષ’ની બનાવી દીધી છે; એટલે બહુમતી લોકોને વડાપ્રધાનના જૂઠમાં જળહળતું સત્ય દેખાય છે !

સૌજન્ય: રમેશભાઈ સવાણી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *