પ્રેમ સગાઈ – માતા અને પારકા દીકરાની…

Story

મીઠી ઘંટડીનો રણકાર બપોરના વખતે શહેરના ભરચક વસ્તીવાળા મહોલ્લામાં સંભળાતો. તે સાંભળી ઘણાં છોકરાં જ્યાં હોય ત્યાંથી દોડી આવતાં. છોકરાં તેમને ‘ગળ્યા ડોસા’ કહીને બોલાવતાં. તે મીઠાઈ વેચતા તેથી આવું ઉપનામ પામેલા. ફેરી કરીને કમાનારા માણસો કરતાં ગળ્યા ડોસા જુદા પડી જતા. સામાન્ય ફેરિયાઓ કરતાં વધારે ઘરડા હતા. વળી કપડાં બહુ સ્વચ્છ પહેરતા, આંખે ચશ્માં હતાં અને તેમની ભાષામાં સંસ્કારનો રણકો હતો.

રોજ આ ગળ્યા ડોસા જુદી જુદી મીઠાઈ લઈને નીકળતા અને જુદા જુદા લત્તાઓમાં ફરતા. પણ ઘણા વખતથી ફેરી કરતા તેથી બધા લત્તાનાં છોકરાં તેમને ઓળખી ગયેલાં. છોકરાંને તે કદી છેતરતા નહિ, અને તેમની મીઠાઈ બહુ સ્વચ્છ અને સ્વાદિષ્ટ હોવાથી ગૃહિણીઓના તે બહુ માનીતા હતા. કદીક મમરાના લાડુ, કદીક તલના લાડુ તો વળી કદીક સીંગ કે દાળિયાની ચીકી તે વેચતા. કોઈવાર સુખડી કે ચણાના લોટના મગજની કે બુંદીની લાડુડી પણ તે વેચવા નીકળે. તેમનો માલ ઝટ વેચાઈ જતો. જ્યાં માલ ખલાસ થાય તે ઘરમાં તે હા…શ કહીને બેસી જતા. ગૃહિણી જો આગ્રહ કરે તો પાણી પણ પી લેતા અને પછી પોતાની કાચની અને જાળીવાળી પેટી ઉપાડી ચાલવા માંડતા. તેમની મીઠાઈ ઉપર કદી માખી બેસતી નહિ, કારણ કે જાળી તથા કાચવાળી ખાસ પેટી મીઠાઈ મૂકવા માટે કરાવેલી હતી.

એક વાર અમુક લત્તામાં તે ઘણા દિવસ સુધી ન જણાયા, તેથી છોકરાં ગળ્યા ડોસાને સંભારવા લાગ્યાં. પંદર-વીસ દહાડે તે વાસમાં આવ્યા વગર ન રહે. આ વખતે મહિનો વીતી ગયો છતાં તે જણાયા ન હતા. પાંચેક દિવસ વળી વીતી ગયા ને ગળ્યા ડોસાની ઘંટડીનો રણકાર સંભળાયો. છોકરાં રાજી થઈને શેરીના નાકે એકઠાં થવા લાગ્યાં. તે લત્તામાં ગળ્યા ડોસાની મીઠાઈનો સૌથી મોટો ઘરાક રણજિત. તેના પિતા મિલમાં નોકરી કરતા. પગાર પણ ઠીક ઠીક અને દાદાજીનો લાડકો પૌત્ર, તેથી તેને વાપરવાના પૈસા સારા મળે. ‘આજે શું લાવ્યા છો, ગળ્યા ડોસા ?’ હર વખતની માફક હોંશથી રણજિતે સવાલ પૂછ્યો.

ગળ્યા ડોસાએ મીઠાઈને બદલે ખારી-તીખી ફૂલવડી કાઢી. રણજિત બગાડી મૂકેલા છોકરા માફક પગ પછાડીને રોવા લાગ્યો : ‘આ નહિ ! મને તો મીઠાઈ જ જોઈએ. આવું તો નથી ભાવતું.’

ડોસા તેને વહાલથી સમજાવવા લાગ્યા : ‘તું ચાખ તો ખરો, રણજિત ! આ સરસ છે.’ પણ રણજિતે જીદ ન છોડી. રોતો રોતો તે તેની માતા કને ફરિયાદ લઈને ગયો. તેની મા બહાર ચોગાનમાં આવીને કહેવા લાગી. ‘ગળ્યા ડોસા, આજે કેમ નમકીન ચીજ લાવ્યા છો ? છોકરાને તો ગળ્યું જ ભાવે.’

ડોસા બોલ્યા : ‘બહેન, જે બાઈ મીઠાઈ બનાવતી હતી તેની નાની છોકરી ગુજરી ગઈ. તેથી બહેન બિચારી બહુ દુઃખમાં આવી પડી છે. તેની છોકરીને મીઠાઈ બહુ ભાવતી તેથી હવે મીઠાઈ બનાવવાવું તેને મન થતું નથી.’

રણજિતની માએ પૂછ્યું : ‘તે બાઈ તમારી કોણ થાય છે, ગળ્યા ડોસા !’

ગળ્યા ડોસા વહાલસોયું સ્મિત કરીને બોલ્યા : ‘આ ભવમાં તો તે મારી પડોશણ જ છે, પણ ગયા જન્મની તે મારી માતા છે. હું તેનાથી ત્રણ ગણો મોટો છું. પણ તેને મા કહીને બોલાવું છું. પડોશમાં તે રહેવા આવી ત્યારે સુખી હતી. તેનો પતિ મિલમાં કારકુન હતો. તેનો છોકરો નિશાળે બેઠા પછી આ છોકરીનો જન્મ થયો. હું તો સરકારી નોકરીમાંથી ક્યારનો નિવૃત્ત થઈ ગયેલો. છોકરાં મને બહુ વહાલાં અને હું સાવ એકલો તેથી તે છોકરાં મારી સાથે હળી ગયાં. હું માંદો પડ્યો ત્યારે તે ગયા ભવની માએ જ મારી ચાકરી કરી અને બચાવી લીધો હતો. જનેતા તો શું કાળજી રાખતી હતી, એટલું આ માએ મારે માટે કર્યું હતું. પછી એક દહાડો અચાનક હૃદય બંધ પડી જવાથી એનો પતિ ગુજરી ગયો, કમાણીનું સાધન બંધ થઈ ગયું. વળી, વહાલસોયા પતિની હૂંફ પણ ગઈ. હું તો શા ખપનો હવે ? આજ સુધી ઊલટો માને બોજારૂપ જ રહ્યો હતો. પણ પછી વિચાર કર્યો કે મા મીઠાઈ બનાવે તો હું ફેરી કરું. માની મીઠાઈ તો તમે પણ ક્યાં નથી ચાખી ? તે સાક્ષાત્‍ અન્નપૂર્ણા જ છે.’ ભક્તિભાવથી ગળ્યા ડોસા બોલી રહ્યા હતા.

‘ગયે મહિને માની પેલી નાનકડી દીકરી સીતા ગુજરી ગઈ. શું મારી માનું કલ્પાંત ! છોકરો છે પણ તે બિચારો શું માને દિલાસો આપે ? તે પણ નાનો જ છે. મીઠાઈ બનાવવા બેસે તો માને પોતાની વહાલી દીકરી બહુ સાંભરી આવે છે. તેમનું મન જરા સ્વસ્થ થશે, પછી ફરી હું મીઠાઈ વેચવા નીકળીશ. આજે તો આ ફૂલવડી લાવ્યો છું. એક ગરીબ અને સ્વાશ્રયી બાઈના કુટુંબનું આ નિભાવ-સાધન છે !’

રણજિતની મા તથા અન્ય સ્ત્રીઓની આંખો આંસુભરી થઈ ગઈ. ફૂલવડી તો જોતજોતામાં ખલાસ થઈ ગઈ. પછી રણજિતની મા પૂછવા લાગી : ‘પણ હેં ગળ્યા ડોસા. તમે આ ફેરી માટે મહોલ્લે મહોલ્લે ફરો તેમાં તમને કાંઈ મળે ખરું ?’

ડોસા બોલ્યા : ‘મને તો મારા જોગું સરકારી પેન્શન મળે છે. બહેન ! મારી માનું કામ કરું છું તેમાં જે સંતોષ મેળવું છું, તે જ વળી મારો બદલો. બાકી માનો નિર્વાહ કરવાની દીકરાની ફરજ નથી શું ?’

ગળ્યા ડોસા ખાલી પેટી ઉઠાવી ચાલ્યા ગયા ત્યારે રણજિતની મા પેલા ભજનની લીટી સંભારવા લાગી: સબસે ઊંચી પ્રેમસગાઇ…

લેખક & સૌજન્ય:-વિનોદિની નીલકંઠ, ગુજરાતી સાહિત્યની મજાની વાતો વાંચવા માટે જોડાયેલા રહો આપણા આ પેજ સાથે.

Leave a Reply

Your email address will not be published.