Priyanka Chopra Nick Jonas: સરોગસી દ્વારા માતા બની અભિનેત્રી પ્રિયંકા ચોપરા, પોસ્ટ શેર કરી આપી જાણકારી

Bollywood

બોલિવૂડમાં દેશી ગર્લ તરીકે જાણીતી અભિનેત્રી પ્રિયંકા ચોપરા માતા બની ગઈ છે. અભિનેત્રીએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા આ અંગેની માહિતી આપી હતી. અભિનેત્રી સરોગસી દ્વારા માતા બની હતી. સોશિયલ મીડિયા પર આ અંગેની માહિતી આપતા તેમણે દરેકને પોતાની પ્રાઈવસી જાળવવાની અપીલ પણ કરી હતી. અભિનેત્રીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરીને તેના ચાહકો સાથે આ સારા સમાચાર શેર કર્યા છે.

થોડા સમય પહેલા શેર કરેલી આ પોસ્ટમાં અભિનેત્રીએ લખ્યું હતું કે, ‘અમને એ જણાવતા અત્યંત આનંદ થાય છે કે અમે સરોગસી દ્વારા અમારા બાળકનું સ્વાગત કર્યું છે. અભિનેત્રીએ આગળ લખ્યું, ‘આ ખાસ અવસર પર અમે આદરપૂર્વક અમારી પ્રાઈવસી જાળવી રાખવા તમને વિનંતી કરીએ છીએ, કારણ કે આ સમયે અમે અમારું ધ્યાન અમારા પરિવાર પર કેન્દ્રિત કરવા માંગીએ છીએ. આપ સૌનો આભાર.’

સોશિયલ મીડિયા પર આ સમાચાર આવતાની સાથે જ કપલને અભિનંદન આપવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. એક્ટ્રેસની આ પોસ્ટ પર તેના ફેન્સથી લઈને અનેક સેલિબ્રિટી કોમેન્ટ કરી રહ્યા છે. આ ઉપરાંત કપલના મિત્રો અને પરિવારજનો પણ તેમને શુભકામનાઓ પાઠવી રહ્યા છે.

નિકના ભાઈ જો જોનાસે પ્રિયંકા અને નિક બંનેની પોસ્ટ પર હાર્ટ ઇમોજીસ કોમેન્ટ કરી. જ્યારે અભિનેત્રી લારા દત્તાએ લખ્યું, “અભિનંદન.” આ સિવાય તેના ફેન્સ પણ આ સમાચારથી ઘણા ખુશ છે. થોડા સમય પહેલા શેર કરવામાં આવેલી આ પોસ્ટને અત્યાર સુધીમાં 5 લાખથી વધુ લોકોએ લાઈક કરી છે.

ઉલ્લેખનીય છે કે, પ્રિયંકા ચોપરા અને નિક જોનાસે વર્ષ 2018માં લગ્ન કર્યા હતા. બંનેએ રાજસ્થાનના જોધપુરના ઉમેદ ભવન પેલેસમાં હિંદુ અને ક્રિશ્ચિયન રીતિ-રિવાજ મુજબ લગ્ન કર્યા હતા. હાલમાં જ બંનેએ તેમના લગ્નની ત્રીજી વર્ષગાંઠ પણ સેલિબ્રેટ કરી હતી. હાલમાં જ પ્રિયંકાએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી તેના પતિ નિક જોનાસની સરનેમ હટાવી દીધી હતી, જેના પછી તેમના અલગ થવાના સમાચારો ચર્ચામાં આવ્યા હતા. જોકે, બાદમાં તે માત્ર અફવા હોવાનું બહાર આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *