364 લોકોએ આ વૃક્ષને બચાવવા માટે આપ્યું હતું બલિદાન, જાણો તેના ફાયદાઓ અને ઉપયોગ…

Health

ખીજડો/ખીજડી એ એક માત્ર દેશી વૃક્ષની પ્રજાતિ છે જે રાજસ્થાન જેવા રણની કઠોર અને ભયંકર પરિસ્થિતિઓનો સામનો કરવા માટે સક્ષમ છે. તે એક દુર્લભ વૃક્ષ છે જે ભારતીય ઉપખંડના ઉત્તર પશ્ચિમી શુષ્ક ક્ષેત્રમાં ગ્રામીણ અર્થતંત્રમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

રાજસ્થાનનું રાજ્ય વૃક્ષ અને અત્યંત કઠોર વાતાવરણ અને બિનઉપજાઉ જમીનમાં પણ વિકસિત થનારું વૃક્ષ, ખીજડો એ સદાબહાર કાંટાળું બહુપયોગી રણનું વૃક્ષ છે જેને ખેજડા, ઝાંટી, શમી (સંસ્કૃત) વગેરે નામથી પણ ઓળખવામાં આવે છે. તેનું વૈજ્ઞાનિક નામ પ્રોસોપિસ સિનેરેરિયા (Prosopis cineraria) છે અને તે માઈમોઝેસી (Mimosaceae) કુળની વનસ્પતિ છે.

શુષ્ક પરિસ્થિતિમાં સારી રીતે અનુકૂળ થનારું તે એક દુર્લભ વૃક્ષ છે જે ભારતીય ઉપખંડના ઉત્તર પશ્ચિમી શુષ્ક ક્ષેત્રમાં ગ્રામીણ અર્થતંત્રમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ એક માત્ર દેશી વૃક્ષની પ્રજાતિ છે જેણે રાજસ્થાન જેવા રણની કઠોર અને ભયંકર પરિસ્થિતિઓનો સામનો કર્યો છે. સામાન્ય રીતે તેના છોડ બીજ દ્વારા તૈયાર થાય છે, પરંતુ ઝાડના અંતઃ ભૂસ્તરીય મુળ (suckers) ના પુનર્જીવન દ્વારા વૃક્ષ સ્વતંત્ર રીતે સ્થાપિત થઈ શકે છે. શુષ્ક અને અર્ધ-શુષ્ક પ્રદેશોના વનીકરણમાં ખીજડાના અપાર મહત્વને લીધે, ગ્રામીણ સમુદાયના લોકો તેના ખેતીવાડી વિસ્તારો, ગોચર અને સમુદાયની જમીન પર તેના વિકાસને પ્રોત્સાહન આપે છે.

ખીજડાનું ખાદ્ય મૂલ્ય:- ખીજડાની શીંગોને કાચી લીલી અપરિપક્વ અવસ્થામાં સાંગરી અને પરિપક્વને ખોખા કહે છે. ખોખાને સુધીજ ખાવા માટે અને સાંગરીને શાકભાજી તરીકે પસંદ કરવામાં આવે છે. સુકી સાંગરી જોધપુર પ્રાંતમાં પ્રચલિત પંચકૂટ (પાંચ શાકભાજી : કુમટ, સાંગરી, કેર, કાચરી અને લાલ મરચું મિશ્રિત શાકભાજી) નું મુખ્ય ઘટક છે. સાંગરીનો ઉપયોગ કઢી અને અથાણાં બનાવવા માટે પણ થાય છે. કેર – સાંગરી જેસલમેરની સૌથી લોકપ્રિય શાકાહારી વાનગી છે. તે ઓછી ગરમી પર રાંધવામાં આવે છે અને તેને બાજરીના રોટલા સાથે ખાવામાં આવે છે. સાંગરીની એક સરસ ચટણી કન્ડી અથવા કન્ડી પચ્ચડી અથવા સાંગરી પચ્ચડી બનાવવામાં આવે છે જે ભાત, ઢોસા અથવા ઇડલી સાથે પીરસવામાં આવે છે.

સુકા ખોખાને પીસીને તેનાં પાવડરને સમાન પ્રમાણમાં ઘઉંના લોટમાં ભેળવીને સ્વાદિષ્ટ બ્રેડ બનાવવામાં આવે છે. ખોખાના પાવડરને મિક્સ કરીને બિસ્કિટ, લાડુ અને બીજી ઘણી સ્વાદિષ્ટ વાનગીઓ બનાવવામાં આવે છે.

ખીજડો એક મહત્ત્વપૂર્ણ ઉચ્ચ વર્ગની ઘાસચારાની પ્રજાતિ છે જે ખૂબ જ પૌષ્ટિક અને ખૂબ સ્વાદિષ્ટ લીલો અને સુકો ચારો પ્રદાન કરે છે, જે ઊંટ, ઘેટાં અને બકરા ખૂબ જ ઉત્સાહથી ખાય છે. ખીજડો એકમાત્ર પ્રજાતિ છે જે રણના પ્રાણીઓની મુખ્ય ચારાની જરૂરિયાત પૂરી કરે છે. તેના પાંદડા ઉચ્ચ પોષક મૂલ્યના હોય છે જેને સ્થાનિક ભાષામાં “લૂંગ” કહે છે. શરદ ઋતુમાં તેના પર્ણ ખરે છે અને ઉનાળાની શરૂઆતમાં નવી કુંપળો ફૂટે છે, જ્યારે રણના બધા ઝાડ ભીષણ ગરમીમાં પર્ણ રહિત થાય છે, ત્યારે તે વધુ પાણી અને પૌષ્ટિક તત્વોવાળા નવા પાંદડાથી ઢંકાયેલું રહે છે તથા પ્રાણીઓને ઘાસચારો પૂરો પાડે છે.

ઉનાળાની ઋતુમાં, તે રણના પ્રાણીઓને અને માલધારીઓને છાંયો આપે છે સાથેસાથે પ્રાણીઓને ચારાના રૂપમાં સુપાચ્ય પ્રોટીન અને શર્કરા પણ પૂરી પાડીને રણ વિસ્તારના પશુઓને ઉનાળાની ઋતુમાં વરદાનરૂપ સાબિત થાય છે. રણ વિસ્તારના પશુપાલકો તેની ડાળખીઓ કાપીને તેના પાંદડા સૂકવે છે અને તેમને પશુઓના ખોરાક માટે સંગ્રહ કરે છે અને તેમના પ્રાણીઓને ઘાસચારા સાથે ખવડાવે છે.

ખીજડાના ઔષધીય ગુણધર્મો અને ઉપયોગો:- તેમાં રહેલા તુરો, કડવો અને ચીકણો જેવા ગુણધર્મોને કારણે ઉત્તમ લોક દવા તરીકે નોંધવામાં આવે છે. તેની છાલ ઠંડી, કૃમિનાશક અને જાણીતાં ટોનિક તરીકે અસ્થમા, શ્વાસનળીનો સોજો, ઝાડા, મરડો, ત્વચાકોપ, રક્તપિત્ત, સ્નાયુ કંપન, હરસ જેવા વિવિધ રોગોની સારવાર માટે ઉપયોગમાં લેવામાં આવતી દવાઓ માટે વપરાય છે. તેની આંતર છાલ મીથેનોલના અર્કમાંથી મેળવેલ અર્ક પાણીમાં ભળી જાય છે અને તેના અર્કનો ઉપયોગ બળતરા અથવા સોજાની સમસ્યાઓથી બચવા માટે થાય છે.

ખીજડાના ઝાડની છાલનો ઉપયોગ સાપ કરડવાની અને વીંછીના ડંખની સારવાર માટે કરવાની ભલામણ કરવામાં આવી છે અને સાપ અથવા વીંછી કરડેલી વ્યક્તિને તાત્કાલિક રાહત આપે છે. ખીજડો, લીમડો અને વડની છાલ મિક્ષ કર્યા પછી પીસીને બનાવેલ પાવડરને પાણીમાં મિશ્ર કરીને ઉપયોગ કરવાથી ઘા મટી જાય છે. તેના પાનનો ધુમાડો આંખો માટે સારો છે અને આંખોની સમસ્યાઓ દૂર કરે છે. તેના પાંદડા અને ફળોનો ઉપયોગ સ્નાયુઓ સબંધી વિકારોની સારવાર માટે દવાઓની તૈયારીમાં પણ થાય છે. દાદરની સારવાર માટે, દહીં તેના પીસેલા પાંદડા ભેળવીને જલીય પેસ્ટ તૈયાર કરીને વપરાય છે.

ખીજડીના ફૂલને ખાંડમાં ભળેવીને તેનો ઉપયોગ ગર્ભાવસ્થા દરમિયાન કસુવાવડ અટકાવવા માટે થાય છે. અતિસારના રોગો (ડાઈસુરિયા અને શુક્રાણુઓ) ની સારવારમાં, તેના ફૂલો ગાયના દૂધ, ગોળ અને જીરું સાથે ભેળવીને લેવામાં આવે છે. તીવ્ર ગરમી (લૂ) ની અસર ઘટાડવા માટે, તેના પાંદડા અને ફૂલોનો રસ સમાન પ્રમાણમાં ભેળવવામાં આવે છે અને ખાંડ અને જીરું મેળવીને પીવામાં આવે છે. કાચા ફળોને પકવવા માટે ખીજડાની શીંગોનો ઉપયોગ થાય છે. આ રીતે ખીજડાનો ઉપયોગ વિવિધ પ્રકારના નુસ્ખાઓ તૈયાર કરવા માટે કરવામાં આવે છે.

પર્યાવરણ સંરક્ષણમાં ખીજડાનું મહત્વ:- ખીજડાના મુખ્ય મુળ પ્રણાલી ખૂબ જ ઊંડી હોવાને કારણે બીજા પાક સાથે પ્રતિસ્પર્ધા નથી કરતો. ખીજડાની છત્ર (કેનોપી) હેઠળની જમીનની ભૌતિક સ્થિતિમાં સુધારાના કારણે પોષક તત્ત્વોની ઉચ્ચ ઉપલબ્ધતાને કારણે તેની સાથે સંકળાયેલા પાકની સારી વૃદ્ધિ થાય છે. તેની વિસ્તૃત મૂળ પ્રણાલીને લીધે, તે રેતાળ ટીંબાઓના સ્થળાંતરને રોકે છે અને શુષ્ક વિસ્તારોમાં સંરક્ષક અથવા રક્ષણાત્મક પટ્ટી અને પવનરોધી વૃક્ષ (શેલ્ટર બેલ્ટ / વિંડ બ્રેક) ના વાવેતર માટે ઉપયોગી છે. લીગ્યુમિનેસી કુળનું વૃક્ષ હોવાને કારણે, તે માઇક્રોબાયલ પ્રવૃત્તિઓ દ્વારા જમીનમાં વાતાવરણીય નાઇટ્રોજનને સ્થિર કરે છે. સુકા વિસ્તારોનું તે એકમાત્ર વૃક્ષ છે જે ઉનાળાના મહિનાઓ દરમિયાન પ્રાણીઓ, વન્યજીવો અને ખેતરોમાં કામ કરતા ખેડુતોને છાયો અને આશ્રય સ્થાન આપે છે.

ખીજડાના અન્ય ઉપયોગો:- ખીજડાનું લાકડું ઉત્તમ બળતણ માટે લાકડા અને કોલસા તરીકે સળગાવવામાં આવે છે. સીધી સુવ્યવસ્થિત કાપેલી શાખાઓનો ઉપયોગ વાડ બનાવવા માટે થાય છે. ખીજડામાંથી એપ્રિલ-જૂન મહિના દરમિયાન ભૂરા રંગનો ચમકદાર ગુંદ મેળવી શકાય છે જે પૌષ્ટિક અને સ્વાદમાં સારો છે અને પ્રસૂતિ સમયે ગર્ભવતી મહિલાઓ લાડુ તરીકે ખાવા માટે ઉપયોગમાં લે છે.

ખીજડાએ તેના બહુ ઉપયોગી ગુણો – કૃષિ-વનરાજી, ઘાસચારો, ખોરાક, ઔષધીય, જીવંત વાડ, નાઇટ્રોજન સ્થિરીકરણ, માટી સુધારણા અને દુષ્કાળ સહિષ્ણુતા અને સદાહરિત પ્રકૃતિ વગેરેના કારણે ખીજડો રાજસ્થાનના રાજ્ય વૃક્ષનો દરજ્જો પ્રાપ્ત કર્યો છે તથા તેમણે શુષ્ક ભારતના રેગિસ્તાનમાં ટકાઉ સામાજિક અને આર્થિક વિકાસનું પ્રતીક માનવામાં આવે છે. ખીજડો બહુ હેતુપૂર્ણ વૃક્ષ હોવાને કારણે, જે શ્રધ્ધાથી ભારતમાં વડ અને પીપળાના ઝાડની પૂજા કરવામાં આવે છે તેનાથી વધારે શ્રધ્ધાથી રાજસ્થાનમાં બિશ્નોઇ સમુદાય દ્વારા ખીજડાની પૂજા કરવામાં આવે છે, અને ઇતિહાસ સાક્ષી છે કે 1731 માં અમૃતા દેવી અને અન્ય 363 લોકોએ પોતાના જીવનનું બલિદાન આ વૃક્ષના રક્ષણ માટે આપ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *