એ સાચું છે કે રોજગારની શોધમાં, લાખો ભારતીયો ગલ્ફ દેશોમાં જઈને કામ કરી રહ્યા છે. દર વર્ષે લાખો ભારતીયો સારી કમાણી કરવાની ઇચ્છામાં અરબ જેવા દેશ તરફ વળે છે અને મોટાભાગે લોકોને ત્યાં મજુરી કામ કરવું પડે છે. આ એવા જ એક વ્યક્તિની કહાની છે જે એક સમયે નવા બંધાતા બિલ્ડીગમાં કડિયા કામ કરવા માટે અરેબિયા ગયો હતો, પરંતુ આજે તે ત્યાંના સૌથી ધનિક ભારતીયમાંનો એક છે.
ભારતના કેરળ રાજ્યનો આ વ્યક્તિ ખર્વો ડોલરની શિફા-અલ-જઝિરા ગ્રુપનો માલિક છે, જે ગલ્ફ દેશોમાં સૌથી મોટા મેડીકલ ગ્રુપમાંનું એક છે.
કેરળના મલ્લાપુરમ ગામમાં એક ગરીબ પરિવારમાં જન્મેલા કે.ટી. રવિઉલ્લાહ લગભગ 30 વર્ષ પહેલાં એક મજૂર તરીકે કામ કરવા માટે આરબ દેશ ગયો હતો. ત્યાં તેમણે 600 દિરહામમાં નવા બની રહેલા બિલ્ડિંગમાં મજૂર તરીકે કામ કરવાનું શરૂ કર્યું હતું. ત્યાં તેમની નોકરી દરમિયાન, તેમણે સમજાયું કે મુશ્કેલ આબોહવાની પરિસ્થિતિમાં સખત મહેનતને લીધે બીમાર થવાની શક્યતા ખુબ હતી અને ત્યાં કામ કરતા મજુરો માટે યોગ્ય આરોગ્ય સુવિધા નથી.
રવિઉલ્લાહએ આ પરિસ્થિતિને પોતાનું લક્ષ બનાવ્યું અને એક મજબૂત આઈડીયા પર કામ કરવાનું શરૂ કર્યું, જે ગરીબોને ઓછા પૈસામાં માટે સારી સુવિધાઓ આપી શકે.
રવિઉલ્લાહ એક એવુ મેડિકલ ગ્રુપ ચાલુ કરવાનું નક્કી કર્યું કે જે ગરીબ લોકોને ઓછા પૈસામાં સારી ગુણવત્તાની સેવાઓ આપી શકે. પરંતુ આ લક્ષ્ય એટલું મોટું હતું કે તેને ઘણા પૈસાની જરૂર હતી. હાર ન માનીને તેણે પોતાની કમાણીનો એક ભાગ આ કામ માટે ભેગા કરવાનું શરૂ કર્યું. આવી રીતે પૈસા ભેગા કરવાનું કામ આશરે દસ વર્ષ ચાલ્યું. ત્યારબાદ તેમણે એક નાના આરોગ્ય કેન્દ્રનો પાયો નાખ્યો. તેના આ મિશનને કેટલાક ડોકટરોએ પણ મદદ કરી હતી. ધીરે ધીરે, ઓછા પૈસામાં સારી આરોગ્ય સંભાળ આપીને, રવિઉલ્લાહે લોકોનું દિલ જીતી લીધું. પછી તેણે, તેમની પુત્રી નાજીહા સાથે મળીને, શિફા-અલ-જઝિરા ગ્રુપના બેનર હેઠળ એક આધુનિક હોસ્પિટલની સ્થાપના કરી.
એટલું જ નહીં, રવિઉલ્લાહ આગામી દિવસોમાં ભારત સહિત તમામ ગલ્ફ દેશોમાં તબીબી સંસ્થાઓની સ્થાપના પણ કરવા માગે છે. વિશ્વના તમામ આધુનિક તબીબી સુવિધાઓવાળી એક હોસ્પિટલ બનાવવાની તેમની ઇચ્છા પણ છે. આજે જઝીરા ગ્રુપ 700 યુવા તબીબો અને 10000 થી વધુ લોકોની સહાયથી દરરોજ લાખો લોકોને યોગ્ય આરોગ્યસંભાળ પૂરી પાડે છે. આનો શ્રેય ફક્ત અને માત્ર રવિઉલ્લાહની સ્વપ્નદ્રષ્ટી અને વિચારસરણીને જાય છે.