ખાનગી શાળાના શિક્ષકને સાંજના સમયે શ્વાસ લેવામાં તકલીફ શરુ થઇ અને પછી જે થયું એ જાણીને તમને વિશ્વાસ નહીં આવે…

Story

જામનગર જીલ્લાના લતીપર ગામમાં રહેતા ખાનગી શાળાના શિક્ષક જગદીશભાઈ રામાણીને થોડા દિવસ પહેલા સાંજના સમયે શ્વાસ લેવામાં તકલીફ શરુ થઇ. ગામમાં આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સેવા આપતા શુભમ આશાનો મોબાઈલ નંબર જગદીશભાઈ પાસે હતો એટલે જગદીશભાઈએ એમને ફોન કરીને પોતાની મુશ્કેલી જણાવી. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો સમય તો પુરો થઈ ગયો હતો અને શુભમભાઈ સરકારના કર્મચારી નહોતા પરંતુ ૧૧ મહિનાના કરાર પર સામાન્ય પગારથી નોકરી કરતા હતા આમ છતાં જગદીશભાઈનો ફોન આવ્યો એટલે તુરંત એમના ઘરે પહોંચી ગયા. ઓકસીમીટરથી ઓક્સિજનનું પ્રમાણ માપ્યું તો માત્ર ૪૦% જ હતું. 

શુભમે સૌથી પહેલું કામ જગદીશભાઈને હિમત આપવાનું કર્યું. શુભમે કહ્યું, ‘તમને કઈ નહિ થાય આપણે હમણાં ધ્રોલ સરકારી દવાખાને પહોંચી જઈશું.’ જગદીશભાઈના પરિવારથી વાહનની કોઈ વ્યવસ્થા થઇ શકે તેમ નહોતી. શુભમે એમની સાથે જ કરાર આધારિત સેવા આપતા ભરતભાઈ ખાત્રાણીને બોલાવી લીધા. આર.એસ.એસ.નાં થોડા નવલોહિયા યુવાનોનું ગ્રુપ આ વૈશ્વિક મહામારીમાં લોકોને જેટલું મદદરૂપ થઇ શકાય એટલા મદદરૂપ થવાનો પ્રયાસ કરે છે, શુભમ અને ભરતભાઈ આ ગ્રુપ સાથે જોડાયેલા છે. બંને મિત્રો સાથે મળીને વ્યવવસ્થા કરવામાં લાગી ગયા. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફિસરે પણ તાત્કાલિક રીફર લેટર તૈયાર કરી આપ્યો. ૧૦૮મા ફોન કર્યો તો ત્યાંથી જવાબ આવ્યો કે પહોંચવામાં મોડું થશે.

વાહનની તાત્કાલિક બીજી કોઈ વ્યવસ્થા થઇ શકે તેમ નહોતી એટલે શુભમે જગદીશભાઈને કહ્યું, ‘સાહેબ, તમને વાંધો ન હોય તો મારા બાઈક પાછળ બેસી જાવ આપણે ધ્રોલ પહોંચી જઈએ.’ જગદીશભાઈ કોરોના પોઝીટીવ હોવાનું જાણતા હોવા છતાં પોતાના બાઈક પાછળ બેસાડીને ૧૫ કિમી દુર ધ્રોલ સુધી પહોંચાડવા આ યુવાન તૈયાર હતો. જગદીશભાઈ બાઈક પાછળ બેસી ગયા. શુભમે ફરી કહ્યું, ‘તમને કઈ નહિ થાય આપણે હમણાં પહોંચી જઈશું. મારા ખભા પર હાથ રાખીને આરામથી બેસો અને તમને કાઈ પણ તકલીફ થાય તો મારી પીઠ પર બે-ત્રણ થપાટ મારજો હું બાઈક ઉભી રાખી દઈશ. જેની સાથે સ્નાનસુતકનો પણ સંબંધ નહોતો એવા જગદીશભાઈને લઈને શુભમ ૧૫ કિમી દુર ધ્રોલના સરકારી દવાખાને પહોંચી ગયો. થોડીવારમાં પાછળ પાછળ ભરતભાઈ પણ આવી ગયા. 

ધ્રોલ આવીને ઓક્સિજન ચેક કર્યું તો ૩૭% થઈ ગયું હતું. જગદીશભાઈને શ્વાસ લેવામાં ખુબ તકલીફ પડતી હતી. ખુબ ઝડપથી શ્વાસ લેતા આ દર્દીને કોઈ જુવે તો એમ જ લાગે કે આના શ્વાસ હમણાં થંભી જશે. શુભમ અને ભરતભાઈ બંને જગદીશભાઈને સત્તત હિમત આપતા હતા. જગદીશભાઈએ પણ સામે હોંકારો મારતા કહ્યું ‘તમે કહો છો એટલે મને કઈ નહિ થાય.’ યોગની સમજ ધરાવતા ભરતભાઈ હિમત આપવાની સાથે સાથે શ્વાસ લેવાની ટીપ્સ પણ આપતા હતા. ધ્રોલની સરકારી હોસ્પિટલમાં જગદીશભાઈને ઓક્સિજન આપવાનું ચાલુ કર્યા પછી ઓક્સિજનનું લેવલ ૫૦% સુધી આવ્યું. ફરજ પરના તબીબે કહ્યું કે તમે આને તાત્કાલિક જામનગરની જી.જી. હોસ્પિટલમાં પહોંચાડો.

ભગવાનને બરોબર કસોટી કરવી હોય એમ ત્યારે જ ધ્રોલની સરકારી હોસ્પિટલની  એમ્બ્યુલન્સનું ટાયર ફાટ્યું એટલે બીજા વાહનની વ્યવસ્થા કરવી પડે તેમ હતી. શુભમ અને ભરતભાઈએ ફરીથી વાહનની શોધખોળ શરુ કરી. ધ્રોલ નગરપાલિકાની એમ્બ્યુલન્સ મળી ગઈ અને જગદીશભાઈને ધ્રોલથી ૪૦ કિમી દુર જામનગર સુધી પહોંચાડી દીધા. 

મિત્રો આશ્વર્યની વાત એ છે કે જેનું ઓક્સિજન લેવલ ૪૦% સુધી પહોંચી ગયું હતું એવા જગદીશભાઈ રામાણી,  શુભમ અને ભરતભાઈ જેવા યુવાનોની  નિસ્વાર્થ સેવા, એમને આપેલી હિમત, ડોકટરની યોગ્ય સારવાર અને પોતાના મજબુત મનોબળનાં સહારે ૯ દિવસની સારવાર બાદ સંપૂર્ણ સ્વસ્થ થઈને પાછા આવ્યા. કોરોના પોઝીટીવ દર્દીથી ઘણી વખત સાવ નજીકની વ્યક્તિ પણ દુર ભાગે છે એવા સમયે કોઈપણ જાતનો ડર રાખ્યા વગર શિક્ષકનો જીવ બચાવવામાં નિમિત બનેલા બંને યુવાનોને સલામ. યાદ રાખજો દોસ્તો હિમત અને હકારાત્મકતા હશે તો ડોકટરની સારવાર વધુ સારું પરિણામ આપશે.

શૈલેષ સગપરિયા

Leave a Reply

Your email address will not be published.