ગુજરાતમાં 1 કરોડથી પણ વધુ નકલી રેમડેસિવિર ઇન્જેક્શન કૌભાંડ, મોરબી, અમદાવાદથી લઈને સુરત સુધી તપાસનો રેલો…

News

ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં લોકોને દવાઓ, ઓક્સિજન અને હોસ્પિટલમાં બેડ મળવા મુશ્કેલ થઈ ગયા છે. ત્યારા આવા સમયનો લાભ લેવા માટેની ગેંગો પણ સક્રિય થઈ ગઈ છે. જે નકલી અને બ્લેકમાં ઇન્જેક્શન વેચી રહી છે. ત્યારે રેમડેસિવિર ઇન્જેક્શનના એક મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. રાજ્યના પોલીસ વડા આશિષ ભાટીયા, ગૃહરાજ્ય મંત્રી પ્રદીપ સિંહ જાડેજા અને અધિક મુખ્ય સચિવ પંકજ કુમારે પત્રકાર પરિષદ યોજી આ અંગે વિસ્તૃત માહિતી આપી હતી.

રાજ્યના પોલીસ વડા આશિષ ભાટીયાએ જણાવ્યું કે, આજે સવારે પોલીસે મોરબીમાં રૂ. ૫૮ લાખની કિંમતના ૧૨૧૧ નંગ નકલી રેમડેસિવિર ઇન્જેકશન પકડી પાડ્યા છે. આ ગુના સંદર્ભે મોરબીથી ૪ આરોપિને પકડી તેમની પાસેથી રૂ. ૧૯ લાખની રોકડ જપ્ત કરવામાં આવી છે. આરોપીઓ વિરુદ્ધ કલમ ૨૭૪,૨૭૫,૩૦૮, ૪૨૦,૩૪,૧૨૦બી, તથા આવશ્યક ચીજ ચીજ વસ્તુ અધિનિયમ ની કલમ-૩,૭,૧૧, તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ કલમ ૫૩ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

આશિષ ભાટીયાએ ઉમેર્યું કે, આરોપીઓની પુછપરછ કરતા અમદાવાદ- જુહાપુરાના આશીફભાઇ પાસેથી આ ઇન્જેકશનો જથ્થો મેળવ્યાની હકીકત બહાર આવતા તાત્કાલીક એલ.સી.બી. મોરબીની એક ટીમ બનાવી વધુ નકલી ઇન્જેકશનનો જથ્થો કબજે કરવા અમદાવાદ ટીમ રવાના કરવામાં આવી હતી. અમદાવાદ શહેરના એ.સી.પી.શ્રી ડી.પી.ચુડાસમાની મદદ મેળવી જુહાપુરા, ખાતે રેઇડ કરતા સપ્લાયર મહમદઆશીમ ઉર્ફે આશીફ તથા રમીઝ કાદરી વાળાના રહેણાંક મકાનેથી ભેળસેળ યુકત નકલી રેમડેસિવિર ઇન્જેક્શનનંગ-૧૧૭૦ કી.રૂ. ૫૬,૧૬,૦૦૦/- તથા ઇન્જેકશનના વેચાણના રોકડા રૂપીયા- ૧૭,૩૭,૭૦૦/- ના વધુ જથ્થા સાથે પકડી પાડવામાં આવ્યા હતા.

અમદાવાદ ખાતે વધુ પુછપરછ કરતા આ ઇન્જકશનો જથ્થો સુરતના કૌશલ વોરા પાસેથી લાવ્યા હોવાનુ આરોપીઓએ જણાવતા તાત્કાલીક એક ટીમ સુરત ખાતે રવાના કરી હતી. કૌશલ વોરાની તપાસ કરતા આ જથ્થો સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના પીંજરાત ગામે ફાર્મ હાઉસ ખાતેથી લાવ્યા હોવાનું જણાવ્યું હતું. આ સંદર્ભે સુરત એ.સી.પી.શ્રી આર.આર.સરવૈયાની મદદ લઇ ફાર્મ હાઉસ ખાતે રેઇડ કરતા કૌશલ મહેન્દ્રભાઇ વોરા તથા તેનો ભાગીદાર પુનિત ગુણવંતલાલ શાહ ફાર્મહાઉસમાં ડુપ્લીકેટ રેમડેસિવિર ઇન્જેક્શનબનાવવાની સામગ્રી સાથે ઝડપાઇ ગયા હતા.

આ ફાર્મહાઉસમાં આરોપીઓના કબ્જામાંથી રેમડેસિવિર ઇન્જેક્શનની આશરે ૫૫,૦૦૦ થી ૫૮૦૦૦ કાચની બોટલો, બોટલ પર લગાવવાના ૩૦,૦૦૦ સ્ટીકરો, બોટલોને સીલ કરવાનુ મશીન વિગેરે મળી આવ્યું હતું. આરોપીઓ આ બનાવટી ઇન્જેકશનમાં ગ્લુકોઝ અને મીઠુ ક્રશ કરીને નાખતા હોવાનુ પ્રાથમીક તપાસમાં બહાર આવ્યું છે. હાલ સુરત ખાતે રેઇડની કાર્યાવહી ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *