ઋતુ પ્રમાણે કેવો આહાર લેવો ? જો આટલું સમજી ગયા તો આખી જીંદગી કોઈ પણ બીમારી તમારું કઈ બગાડી નહીં શકે…

Health

આયુર્વેદ માત્ર ચિકિત્સા વિજ્ઞાન  નથી સંપૂર્ણ આયુષ્ય દરમ્યાન શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ કઈ રીતે રહી શકાય પરંતુ તે સમજાવતું વિજ્ઞાન છે અને તે માટે આયુર્વેદમાં કેવી દિનચર્યા ( દિવસ દરમ્યાન ક્યારે શુ કરવું તે ) અને ઋતુ ચર્યા ( કઈ ઋતુમાં શું આહાર વિહાર રાખવા ) તે બહુ જ ઊંડાણ પૂર્વક કહેલું છે. આજે ઋતુચર્યા વિશે વાત કરીશ.

થોડા સમય પહેલા એક અમેરિકા રહેતી ફ્રેન્ડ એ કહ્યું કે યાર અહીં બધી મજા છે પણ ઇન્ડિયામાં અત્યંત ગરમી પછી મૌસમનો જે પહેલો વરસાદ આવે અને એ ભીની માટીની માદક સુગંધ આવે એ સુગંધ,એ વરસાદનો રોમાંચ અહીં બહુ જ મિસ થાય છે. સાચે ભારત જેવી ઋતુઓનું વૈવિધ્ય અન્ય ક્યાંય નથી.આમ તો ભારત દેશ છે એ છ ઋતુઓ નો દેશ છે. મોટાભાગના લોકો ઋતુ એટલે શિયાળો, ઉનાળો અને ચોમાસુ એમ જ સમજતા હોય છે.પરંતુ સાચી રીતે તો આપણે  સૌર માસ પ્રમાણે આ છ ઋતુને સમજી તે પ્રમાણે કહેલ આહાર, વિહાર અપનાવીએ તો અનેક રોગોથી બચી શકાય.

આ છ ઋતુઓ એટલે શિશિર, વસંત, ગ્રીષ્મ, વર્ષા, શરદ અને હેમંત.  આમાંની પહેલી ત્રણ ઋતુઓમાં( શિશિર, વસંત અને ગ્રીષ્મમાં) સૂર્યના કિરણો પ્રખર હોય છે જેથી પૃથ્વી પરની સમગ્ર પ્રકૃતિની સાથે મનુષ્યનું પણ બળ ઓછું થાય છે .આ ત્રણ મહિનાના સમયને  ‘આદાન કાળ’ કહે છે.તે સમયે સૂર્ય ઉત્તર તરફ ગતિ કરે છે તેથી તે ઉત્તરાયણ તરીકે પણ ઓળખાય છે જે અંગ્રેજી કેલેન્ડર મુજબ લગભગ મીડ જાન્યુઆરીથી મીડ જુલાઈનો સમય કહી શકાય જ્યારે પછીના ત્રણ મહિના ‘વિસર્ગ કાળ’ તરીકે ઓળખાય છે.જે સમયમાં ચંદ્રનું પ્રભુત્વ પૃથ્વી પર વધુ હોય છે તેથી તે સમગ્ર સૃષ્ટિને બળ પૂરું પાડે છે.જે સમયે સૂર્યની ગતિ ફરી દક્ષિણ તરફ રહેવાથી તે સમયને દક્ષિણાયન તરીકે પણ ઓળખીએ છે .જે મીડ જુલાઈ થી મીડ જાન્યુઆરી નો સમય કહી શકાય. 

ઘણા લોકોની ફરિયાદ હોય છે કે અમે રોજે રોજ હેલ્ધી ખોરાક ખાઈએ છે અમારા જમવાના , સુવાના સમય પણ નિશ્ચિત હોય છે , અમારી સંપૂર્ણ દિનચર્યા યોગ્ય છે છતાં કેમ આરોગ્ય એટલું જળવાતું નથી.એ લોકોને ખાસ આ વાત સમજવાની છે કે બારે મહિના એક સરખો ખોરાક કે એક સરખું ટાઈમ ટેબલ ન રાખતા ઋતુ પ્રમાણે જીવન જીવવું બહુ જ અગત્યનું છે. જેમ ઋતુઓની અસર સૃષ્ટિની દરેક ચીજ પર પડે છે એ જ રીતે આપણાં શરીરમાં પણ ઋતુઓ બદલાતા અનેક ફેરફારો ઉદભવે છે.તે ફેરફારો મુજબ જીવન શૈલી ગોઠવીએ તો જરૂર સ્વસ્થતા રહે જ.ચરક સંહિતામાં કહ્યું છે કે જે વ્યક્તિ આ ઋતુસાત્મ્યને સમજે છે અને ઋતુ અનુસાર આહાર વિહાર અનુસરે છે એ વ્યક્તિ બળ અને વર્ણ મેળવે છે.આ બળ એટલે આપણી ઇમ્યુનિટી સમજવી.

હવે આપણે ઋતુ અનુસાર આહાર વિહાર સમજીએ.

હેમંત ઋતુ ચર્યા – હેમંત ઋતુ (લગભગ 15 નવેમ્બર થી 15 જાન્યુઆરી)દરમ્યાન શરીરમાં બહારની શીતતા વધુ હોવાથી શરીરમાં વાયુનો પ્રકોપ થાય છે .શરીરનો અગ્નિ( પાચક અગ્નિ) પ્રબલ રહે છે.રાત લાંબી હોય છે તેથી પ્રાતઃકાલ માં ખોરાક લેવાનું કહ્યું છે.  

આહાર – હેમંત ઋતુમાં શરીર બળ સારું હોય છે, અગ્નિ ઉત્તમ હોય છે તો મધુર(ગળ્યો) અને ગુરુ(ભારે) ખોરાક લેવો .નવું અન્ન,  ઘઉં, અડદ, ધી, ગોળમાં બનાવેલા વિવિધ પાક વિગેરે લેવું.

વિહાર- ઉષ્ણ જળનો ઉપયોગ કરવો, ગર્ભગૃહમાં રહેવું, માથા અને કાન તથા પગને ગરમ વસ્ત્રોથી ઢાંકવા, વાત નાશક તેલથી માલિશ,બળ વધારવા માટે કસરત,આમળા જેવા દ્રવ્યોની પેસ્ટ બનાવી ઉદવર્તન,સવારના સૂર્યકિરણથી સ્વેદન કરવું..વિગેરે.

શિશિર ઋતુચર્યા  (મીડ જાન્યુઆરી થી  મીડ માર્ચ સુધીનો સમય) શિશિર ઋતુ દરમ્યાન શીતળતા હેમંત કરતા વધુ હોય છે તેથી રુક્ષતા( dryness) વધુ હોય છે  .પરંતુ બન્ને ઋતુઓમાં સામ્યતા હોવાથી હેમંત જેવી જ ઋતુચર્યા શિશિરમાં અનુસરવી.તેમ શાસ્ત્ર કહે છે.

વસંત ઋતુચર્યા:- (મીડ માર્ચથી મીડ મે સુધીનો સમય). આ સમય દરમ્યાન આપણું શારીરિક બલ મધ્યમ  હોય છે . શિશિર ઋતુ દરમ્યાન શરીરમાં જમા થયેલો કફ વસંતમાં સૂર્યના પ્રખર કિરણોથી ઓગળે છે અને તેથી શરીરના અગ્નિ મંદ થાય છે.કફપ્રકોપક રોગો થવાની  શકયતા રહે છે તેથી આ ઋતુમાં કફનાશક આહાર વિહાર રાખવો 

આહાર:- લઘુ, રુક્ષ દ્રવ્યો જેવાકે જૂના ઘઉં, ચોખા, જવ, ગો દુગ્ધ, પાલક, સરગવો,મુલા, અજમો,જીરું, હિંગ, પપૈયું, દાડમ, મેથી, મગ, ચણા વિગેરે..

વિહાર:- વ્યાયામ, ઉદવર્તન, કફનાશક ધૂમપાન, નસ્યકર્મ, સુખોષ્ણ જળથી સ્નાન,અંજન,કવલ વિગેરે. આદુ,મુસ્તા( નાગર મોથ),વીજયસાર સિદ્ધ જળ 

અપથ્ય:- આ ઋતુમાં ગુરુ શીત પદાર્થો ન લેવા, પચવામાં ભારે હોય તેવા દ્રવ્યો જેવાકે દૂધની વાનગીઓ, બટેટા, સુરણ સીતાફળ વગેરે ન લેવું.દિવસે ન સૂવું, વસંત ઋતુમાં શ્વાસ ,ઉધરસ,શરદી જેવા રોગો થવાની શકયતા રહે છે .હંમેશા સ્વસ્થ રહેવા માટે સ્વસ્થ વ્યક્તિને પણ વસંત ઋતુમાં વમન કર્મ( પંચકર્મમાનું એક કર્મ,જેની વિગતે માહિતી અલગથી પંચકર્મ વિષયમાં જાણીશું) કરાવવું જોઇએ એવું શાસ્ત્ર કહે છે.

ગ્રીષ્મઋતુ ચર્યા:- (મીડ મે થી મીડ જુલાઈ નો સમય) ગ્રીષ્મઋતુ માં સૂર્યના પ્રખર કિરણો પૃથ્વી પર પડતા ઉષ્ણતા વધે છે .જેના કારણે જેમ પૃથ્વી પર જળ સુકાવા લાગે તે જ રીતે શરીરમાં કફનો ક્ષય થાય છે. પ્રાકૃત કફ શરીરમાં બળ આપે છે .આ ઋતુમાં એ ઓછું  થતાં શરીરનું બળ પણ ઓછું થાય છે..અને તેથી વાયુ પ્રફુપિત થાય છે .

આહાર:- સત્તું, કાચી કેરીનું પાનક, મધુર રસ વાળા સ્નિગ્ધ પદાર્થ લેવા જેમકે દહીંનો મઢ્ઢો વિગેરે.શાલી ચોખા,  માટીની સુગંધ આવતી હોય તેવા માટીના નવા પાત્રમાં મધ,ખજૂર,ફાલસા,સાકર યુક્ત પાણી જે પંચસારથી ઓળખાય છે.

રાત્રે ભેંસનું દૂધ મીશ્રી સાથે લેવું યોગ્ય છે

વિહાર:- શીતળ જળ સ્નાન,હળવા વસ્ત્રો પહેરવા, ચુનાથી જે ઘરમાં છત રંગાયેલા હોય તેવા ઘરમાં વિશ્રામ કરવો.ચંદન, કપૂરનો લેપ વિગેરે. બપોરે વિશ્રામ કરવો (માત્ર ગ્રીષ્મ ઋતુમાં જ દિવસમાં સુવાની આયુર્વેદ છૂટ આપે છે.અન્ય કોઈ ઋતુમાં દિવસની નિંદ્રા હિતકર નથી) 

અપથ્ય:- ખારા, ખાટાં, તીખા પદાર્થો ખોરાકમાં ન લેવા, વ્યાયામ ન કરવો( બારે મહિના જીમમાં જઈને કસરત કરતા લોકોએ આ વાત ખાસ સમજવી)

વર્ષા ઋતુ:- (મીડ જુલાઇ થી મીડ સપ્ટેમ્બર) આગળ કહ્યું તેમ આદાન કાળ( શિશિર વસંત ગ્રીષ્મ) દરમ્યાન વ્યક્તિનું બળ ઊત્તરોત્તર ઘટે છે.જેથી વર્ષા ઋતુમાં એ દુર્બળ વ્યક્તિનો અગ્નિ મંદ હોય છે .જેમ ગરમ જમીન પર પાણી પડેને બાષ્પ નીકળે ને જમીન પરનો પાક અમ્લ થઈ જાય  તે જ રીતે આપણે લીધેલ અન્નનો પાક અમ્લ થઈ વાત, પિત્ત, કફ બધા દોષોને પ્રકુપિત કરે છે .જેમાં પણ વાયુ દોષનું પ્રભુત્વ રહે છે.

આહાર:- લઘુ( પચવામાં હળવા), સૂકા,નમકીન , જુના ઘઉં,જવ, પંચકોલ ચૂર્ણ મેળવેલ અન્ન વગેરે લેવા , સ્વચ્છ કુવાનું કે દિવ્ય જળનો ઉપયોગ કરવો

વિહાર:- વર્ષા ઋતુમાં ખુલ્લા પગે ન ચાલવું,વરસાદની ધાર ન પડતી હોય તેવા સ્થાને નિવાસ કરવો, ત્રણે દોષ પ્રફુપિત થવાના કારણે પંચકર્મ માં નિર્દિષ્ટ વમન, વિરેચન કરી અસ્થાપન બસ્તિ પ્રયોજવી, દિવસે ન સૂવું.

અપથ્ય:- છાશ, મઢ્ઢો વિગેરે ન લેવા.નદીના જળનો ઉપયોગ ન કરવો .મોટા પ્રવાહ વાળા જળ-સ્થળથી દૂર રહેવું.

શરદ ઋતુ ચર્યા:- ( મીડ સપ્ટેમ્બર થી મીડ નવેમ્બર) વર્ષા ઋતુમાં સંચિત થયેલ પિત્ત શરદ ઋતુમાં પ્રફુપિત થાય છે .તેથી આ ઋતુમાં રક્ત અને પિત્ત જન્ય વિકારો ઉદભવે છે. 

આહાર:- આ ઋતુમાં ગળ્યા, કડવા અને તૂરા પદાર્થો ખોરાકમાં લેવા જોઈએ . અલ્પ માત્રામાં જમવું, ભૂખ લાગે ત્યારે જ જમવું,શાલી ચોખા, ઘઉં, આમળા વગેરે લેવા.

વિહાર:- આ ઋતુમાં દિવસે સૂર્યના તાપ થી ગરમ થયેલ અને રાત્રે ચંદ્રમાંની શીતળતાથી ઠંડા થયેલ જળ જેને ‘હંસોદક’ કહે છે.તેને અમૃત સમાન કહ્યું છે. શરદ ઋતુમાં ચાંદનીમાં વિહાર કરવાનું ખાસ મહત્વ કહ્યું છે.પિત્ત પ્રફુપિત થવાના કારણે વિરેચન કર્મ અને રક્ત મોક્ષણ નિર્દિષ્ટ કરેલ છે.

અપથ્ય:- ક્ષાર પદાર્થ, ભરપેટ ભોજન,દહીં,તેલ,વસા, પૂર્વ દિશાનો પવન અને દિવસની નિંદ્રા આટલું ન કરવું.

આ રીતે આપણાં ઋષિ મુનિઓ એ હંમેશા સ્વસ્થ રહેવા માટે ઋતુ અનુસાર પિન પોઇન્ટ ડિસ્ક્રિપશન એકદમ ઊંડાણથી સમજાવ્યું છે. જરૂર છે માત્ર એ વાતને સમજવાની, વિચારવાની, અવલોકન કરવાની અને પછી અનુસરવાની. અહિં મેં ચરક સંહિતા અને અષ્ટાન્ગ સંગ્રહ માંથી રેફરેન્સ લીધા છે. આ સિવાય પણ  દિનચર્યા અને ઋતુચર્યાની ઘણી માહિતીઓ આ ગ્રંથોમાં છે અહીં બધી જ માહિતી આપવી શક્ય નથી પરંતુ તમે યોગ્ય વૈદય ને મળી, જાણકારી મેળવી શકો  , અને પછી તમારી જીવન શૈલીમાં તે મુજબ ફેરફારો કરી  હંમેશા સ્વસ્થ રહી શકો . .અસ્તુ.

ડો.કાશ્મીરા કોઠારી, મલયજ આયુર્વેદ હોસ્પિટલ, રૂપાણી સર્કલ, ભાવનગર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *