રોસ્ટેડ મીની પાત્રા

Recipe

અળવી નાં પાતરા મસાલા વાળો લોટ લગાવી બાફીને, વઘારીને અને તળીને ખાઈએ છીએ. જે ફરસાણ તરીકે જમવામાં અથવા નાસ્તા માટે બનાવી શકાય છે.

આજે મેં નાના અળવી નાં પાતરા મસાલા વાળો લોટ લગાવી રોલ કરી એકદમ ઓછા તેલમાં શેકી લીધા. આને ઉછાળેલા પાતરા પણ કહેવામાં આવે છે. આ રીતે બનાવેલા પાત્રા 2 થી 3 દિવસ સુધી રાખી શકાય છે. જેથી બહાર જવાનું થાય ત્યારે નાસ્તા માટે બનાવી શકાય છે.

સામગ્રી:-

10-12 નાના અળવીનાં પાન

1 કપ ચણાનો લોટ

3 ચમચી જુવારનો લોટ

3 ચમચી ચોખાનો લોટ

3 ચમચી ગોળ (વધુ કે ઓછો લ‌ઈ શકો)

1-1 +1/2 ચમચી આંબલીનો પલ્પ

1 +1/2 ચમચી લીલાં મરચાંની પેસ્ટ

1 +1/2 ચમચી આદુની પેસ્ટ

1 +1/2 ચમચી લસણની પેસ્ટ

1 ચમચી લાલ મરચું પાવડર

2 ચમચી ધાણાજીરૂ

1 ચમચી હળદર

ચપટી હિંગ

2 ચમચી શીંગદાણાનો ભૂકો

1 ચમચી તલ

1 થી 2 ચમચી કોપરાનું ખમણ

1/2 ચમચી ગરમ મસાલો

7-8 ચમચી તેલ

સ્વાદાનુસાર મીઠું

2 ચમચી તેલ

રીત:-

સૌપ્રથમ લોટ માટેની સામગ્રી ભેગી કરી બરાબર મિક્સ કરી લો, લોટ કઠણ જ રાખવો અને 10 મિનિટ સુધી ઢાંકીને રહેવા દો. એ દરમિયાન પાતરા ધોઈને સાફ કરી લો.

હવે પાતરા ઉપર લોટ લગાવી રોલ કરી લો. આ રીતે બધા પાતાના રોલ કરી લો.

હવે એક પેનમાં તેલ ગરમ થાય એટલે તેમાં તૈયાર કરેલા પાતરાના રોલ મૂકી દો. ગેસની ફલેમ ધીમી રાખવી. 5 થી 7 મિનિટ બાદ રોલ ફેરવી લો. આ રીતે 5 થી 7 મિનિટ બાદ પાતરા ફેરવતા રહેવું.

આ રીતે પાતરા બધી બાજુ શેકી લો. તૈયાર છે ઉછાળેલા / રોસ્ટેડ મીની પાત્રા.

રેસિપી & ફોટો સૌજન્ય:- ઉર્મીબેન દેસાઈ

Leave a Reply

Your email address will not be published.