મુંબઇના ડ્રગ કૌભાંડીઓમાં ફફડાટ મચાવતો ‘સિંઘમ’ એટલે સમીર વાનખેડે, તેના જીવનની કહાની કોઈ ફિલ્મ કરતા જરા પણ ઓછી નથી

News

બોલિવુડમાં એવું કહેવાય છે કે ફિલ્મ સ્ટાર્સની લેઇટ નાઇટ પાર્ટીને તો બુઢ્ઢાઓની પાર્ટી કહેવી પડે તેવી હોટ, સેક્સ, દારૂ અને ડ્રગ સાથેની પાર્ટી ફિલ્મ સ્ટાર્સ, પ્રોડયુસર્સ, ફાઇનાન્સિયર અને મુંબઇ, દિલ્હી, દુબઈના શ્રીમંતના ટીન એજરોથી માંડી ૨૦-૨૨ વર્ષના સંતાનોની હોય છે.

લાસ વેગાસ, પેરિસ અને લંડનની સેક્સ પાર્ટીની અવનવી સ્ટાઇલ આ સંતાનો અપનાવે છે. તેમાં ગે અને લેસ્બિયન પણ સામેલ હોય છે. ફિલ્મ કલાકારોની પુત્રીઓના કપડા નામના જ પહેરેલા હોય છે. હવે તો આ પાર્ટીઓના ઘણા વીડિયો પણ સોશિયલ મીડિયામાં ફરતા હોય છે જેમાં હાથમાં ટકીલા, રમ અને વિશ્વના જાણીતા મદ્યપાનની પ્યાલી પકડીને એકબીજાને ચીપકીને ઉભેલા મદહોશ અવસ્થાના ગુ્રપ ફોટાઓ તેઓ બેશર્મ બનીને આપે છે. આવી પાર્ટીઓમાં જેઓને ડ્રીંક્સ અને સેક્સમાં વધુ ડૂબેલા રહેવું છે તેઓએ અગાઉથી નક્કી કર્યું હોય છે. બીજા બધા પાર્ટીમાં ભાગ લઇને ઘેર જાય તે પછી મધરાતે બે વાગે તો સેક્સ અને દારૂની રેલમછેલમ સાથેની ખરી પાર્ટી જામે છે જે પરોઢ સુધી ચાલે છે.

ટોચના સ્ટાર, રાજકારણીઓ અધિકારીઓ, કોર્પોરેટ હસ્તી કે કુખ્યાત ડોનના સંતાનોની આવી પાર્ટીમાં હોય છે. તેથી મોટેભાગે તો પાર્ટી પર દરોડા નથી પડતા. પણ બોલિવુડમાં છેલ્લા વર્ષથી ફફડાટ છે તેનું એકમાત્ર કારણ હોય તો નાર્કોટિક્સ વિભાગમાં ‘સિંઘમ’ તરીકે ઓળખાય છે તેવા બાહોશ અધિકારી સમીર વાનખેડે છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના મુંબઇ ઝોનલ ડાયરેકટર સમીર વાનખેડેએ જ આર્યન જે ક્રૂઝમાં તેના ગુ્રપ જોડે કથિત ડ્રગ સાથે પાર્ટીની મોજમાં હતો ત્યારે અગાઉથી મળેલ બાતમીના આધારે ક્રૂઝમાં જ રેડ પાડી હતી. આ માટે ક્રૂઝના જ મુસાફર તરીકે તેના વિભાગના ૨૦ કર્મચારીઓની ટિકિટ લઇને તેઓ સામેલ થયા હતા.

સમીર વાનખેડેએ જ દિપિકા પદુકોણ, શ્રધ્ધા કપૂર, અને સારા અલી ખાનને ડ્રગના સેવન અને ક્યાંથી તે મેળવે છે તેની પૂછપરછ કરવા માટે તેની ઓફિસમાં બોલાવવાની હિંમત બતાવી હતી.

ઇન્ડિયન રેવન્યુ સર્વિસ (આઈઆરએસ)ની ૨૦૦૮ની બેચના અધિકારીને બોલિવુડના ગોરખધંધા, કૌભાંડો તેમજ દંભ પરત્વે ભારે રોષ છે. તેનું અગાઉનું પોસ્ટિંગ મુંબઇના છત્રપતિ શિવાજી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ડેપ્યુટી કસ્ટમ કમિશનર તરીકે હતું ત્યારે પણ તેણે વિદેશથી અવરજવર કરતા બોલિવુડ સેલિબ્રિટીઓના હવાલા, કસ્ટમ ચૂકવ્યા વગરની કિંમતી ચીજવસ્તુઓ, કરન્સી, સોનુ, જ્વેલરી અને ઘરેણાને પકડી પાડીને દંડ સાથે રકમ વસૂલી હતી. ભલભલા તૂંડમિજાજી અને પાવર બતાવતા સેલિબ્રિટીઓ દ્વારા ઉપરથી કરાવવામાં આવતા ફોનને વાનખેડે ગાંઠતા નહોતા. પોપ ગાયક મિકા સિંઘને વિદેશી મુદ્રા સાથે તેણે જ પકડયો હતો.

નાર્કોટિક્સ વિભાગમાં પોસ્ટિંગ થયા પછી ગયા વર્ષે નવેમ્બરમાં ૬૦ જેટલા ડ્રગ પેડલરોએ તે તેના પાંચ ઓફિસર જોડે મોડી રાત્રે ગોરેગાંવમાં કેરી મેન્ડિસ નામના ડ્રગ પેડલરની ધરપકડ કરવા જતા હતા ત્યારે જાનથી મારી નાંખવાના આશયથી હૂમલો કર્યો હતો. એવું મનાય છે કે ફિલ્મ દુનિયાને ડ્રગ સપ્લાયની મુખ્ય ચેઇન આ ગેંગ છે. મુંબઇ પોલીસને સાથે રાખીને તે પછી કેરી મેન્ડિસની ધરપકડ તો તેઓ કરીને જ રહ્યા હતા.

૪૧ વર્ષીય સમીર વાનખેડે ફિલ્મ અને ક્રિકેટનો બેહદ શોખીન છે પણ આ ક્ષેત્રમાં જે દુષણો ઘૂસી ગયા છે તેના ખતરનાક સુત્રધારોથી તેને ભારોભાર નફરત છે. મુંબઇ એરપોર્ટ પર કસ્ટમ્સ કમિશનર બન્યા હતા ત્યારે તેણે સૌથી પહેલા તો તેના નાનામાં નાની પોસ્ટ ધરાવતા કર્મચારીને સૂચના આપી હતી કે એરપોર્ટ પર કોઇપણ સેલિબ્રીટીનું આગમન થાય એટલે તેની ઓટોગ્રાફ કે તસવીર લેવાની નહીં. તેનાથી પ્રભાવિત થયા વગર સામાન્ય પ્રવાસી કરતા પણ વધુ શંકાની નજરે તેઓના સામાનને તેઓએ પહેરેલા ઘરેણાં, એસેસરિઝને ચકાસવા, બિલ માંગવા અને શંકા પડે તો સ્હેજ પણ શેહમાં આવ્યા વગર તેઓને અલાયદી કેબિનમાં લઇને પૂછપરછ કરવી. જો કસ્ટમ ડયુટી ભરવાની થાય તો દંડ સાથે વસૂલવી.

નિયમ એવો છે કે દરેક પ્રવાસીએ તેનો સામાન જાતે જ ટ્રોલીમાં મૂકીને એરપોર્ટમાંથી નીકળવું જોઇએ. સેલિબ્રિટી કે વગદાર પ્રવાસીઓ તેમનો સામાન તેમની જોડે પ્રવાસ કરતા અંગત સ્ટાફને સોંપીને બહાર નીકળતા, વાનખેડેએ સેલિબ્રિટીઓને પણ ફરજ પાડી કે તમારો સામાન તમે જ સાથે લઇને એરપોર્ટના પ્રત્યેક એક્ઝિટ પોઇન્ટથી નીકળો. ઘણી વખત એવું બનતું કે સેલિબ્રિટી તેના આસિસ્ટંટના નામે શંકાસ્પદ સામાન ચઢાવી આ આસિસ્ટંટની બેગ છે તેમ માનીને નિર્દોષતા પૂરવાર કરવાની ચાલાકી કરતા હતા. સમીર વાનખેડેએ તેના પર રોક લગાવી દીધી.

એક ટોચના ક્રિકેટર અને તેની પત્ની તેમજ એક ફિલ્મ સ્ટારે એરપોર્ટ પર પૂછપરછ દરમ્યાન વાનખેડે જોડે અપમાનિત ભાષામાં દલીલ કરવા સાથે તેવી ધમકી આપી હતી કે તે તેના સિનિયરને હમણા જ ફોનકરી નોકરી જોખમમાં મૂકી દેશે. ત્યારે સમીર વાનખેડે તેઓને કડક શબ્દોમાં જણાવ્યું હતું કે ‘અત્યારે એરપોર્ટ પર તે સૌથી સિનિયર અધિકારી છે. તમે સહકાર નહીં આપો તો તમારી હું તત્કાલ ધરપકડ કરી શકું તેમ છું.’ આ પછી આ સેલીબ્રિટીઓ બકરી બનીને સહકાર આપવા માંડયા હતા.

એક વખત એવું બન્યું કે સાઉથ આફ્રિકાથી એક ક્રિકેટર ભારત રમવા આવ્યો.રાત્રે ૩ વાગે એરપોર્ટ પર તેના ફ્લાઇટનું ઉતરાણ થયું. સામાન ક્લીયરન્સ કાઉન્ટ પર સાઉથ આફ્રિકાના ક્રિકેટરે સમીર વાનખેડેને ફોન આપતા કહ્યું કે ‘ભારતની ટીમનો ખૂબ જ સિનિયર ક્રિકેટર તમારી જોડે વાત કરવા માગે છે.’ ભારતના જાણીતા ક્રિકેટર કે જેના દેશના કરોડો ચાહકો છે અને સમીર વાનખેડે ખુદ તેનો પ્રશંસક છે તેણે ફોન પર કહ્યું કે ‘સાઉથ આફ્રિકાથી આવેલ ક્રિકેટર મારો મિત્ર છે અને તે વાઈનની ૧૮ બોટલ લઇને આવ્યો છે તો તેને ડયુટીની ઝંઝટમાંથી મુક્ત કરીને એરપોર્ટ બહાર આવવા દેશો.’ સમીર વાનખેડેએ ફોન મુકી દીધો. ૧૮ વાઈનની બોટલમાંથી નિયમ પ્રમાણે બે વાઈનની બોટલ ડયુટી ફ્રી તરીકે ગણીને બાકીની ૧૬ બોટલ પર ડયુટી વસુલી. સાઉથ આફ્રિકાના ક્રિકેટરે ભોંઠપ અનુભવતા ડયુટી ભરવી પડી હતી.

સમીર વાનખેડેના મતે અજય દેવગણ એકમાત્ર એવો અભિનેતા છે જે ખરેખર પ્રામાણિક છે. ક્યારેય ટેક્સ નહીં ભરવાના કારણો નથી આપતો કે નથી તેની ધોંસ જમાવતો તે ખરેખર ‘સિંઘમ’ જેવો જ વાસ્તવિક જીવનમાં છે. તેવી જ રીતે મરાઠી અભિનેત્રી ક્રાંતિ રેડકરની પણ પ્રામાણિકતા તેને એરપોર્ટ પરની આવનજાવન દરમ્યાન સ્પર્શી ગઈ અને આવી જ છોકરી જોડે તેને લગ્ન કરવાની ઇચ્છા હતી. તેણે ક્રાંતિ જોડે મિત્રતા કેળવી અને લગ્નની ઓફર કરી.

જે ક્રાંતિએ સહર્ષ સ્વીકારી. બંને ૨૦૧૭માં લગ્નગ્રંથીથી જોડાયા. મુંબઇ એરપોર્ટ પછીનું સમીર વાનખેડેનું પોસ્ટિંગ મહારાષ્ટ્ર સર્વિસ ટેક્સ ડિપાર્ટમેન્ટમાં થયું હતું. તે વખતે મહારાષ્ટ્ર રાજ્યના ઇતિહાસમાં પ્રથમ વખત એવું બન્યું કે કરચોરીમાં ૨૦૦ સેલિબ્રિટી સહિત ૨૫૦૦ મોટા માથાઓ સામે તેણે ઇન્કવાયરી નીકાળી. બે જ વર્ષમાં તેણે સર્વિસટેક્સની ચોરીના રૂ. ૮૭ કરોડ એકલા મુંબઇમાંથી વસૂલ કર્યા હતા.

તે પછી નેશનલ ઇન્વેસ્ટિગેટિંગ એજન્સી (એનઆઈએ)માં તેનું પોસ્ટિંગ થયું. આતંકવાદી હુમલાની યોજનાનો પર્દાફાશ કરતી માહિતી તેણે ‘એન્ટી ટેરર’ વિભાગને આપવાની હતી. આ દરમ્યાન તેણે કઇ માહિતી કઇ રીતે આપી તે ગુપ્ત રાખવામાં આવતું હોય છે. હવે વાનખેડેને બોલિવુડમાંથી ડ્રગ રેકેટ નાબૂદ કરવા પર પણ ધ્યાન કેન્દ્રીત કરવાની જવાબદારી સાથે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના ઝોનલ ડાયરેકટર તરીકે પોસ્ટિંગ આપવામાં આવ્યું છે.

સુશાંત સિંઘ રાજપૂતના રહસ્યમય મૃત્યુમાં ડ્રગ એંગલ તેને જ દેખાયો અને રીયા ચક્રવર્તી, દિપિકા, સારા અલી, રકુલ પ્રીત સિંઘ અને અન્ય અભિનેત્રીઓને પુછપરછ માટે તેની ઓફિસમાં બોલાવી સોપો પાડી દીધો હતો. બોલીવુડમાં તે પછી તહલકો મચી ગયો. ૧૦૦થી વધુ ડ્રગ પેડલરો તેણે જેલમાં પૂર્યા છે. ૨૫ જેટલી વગદાર હસ્તીઓ જામીન મેળવી શકી છે. ડ્રગના આરોપીને ઉદાહરણીય જેલ કે સજા થાય તેવા કાયદા નથી. ડ્રગનું સેવન કરનારને તેનો સપ્લાયર એવી ખાસ તાકીદ કરે છે કે અમૂક ગ્રામથી વધુ ડ્રગ ન રાખવું કેમ કે ગુનાની ગંભીરતા ડ્રગના વજનની માત્રા સાથે જોડાયેલી છે. આરોપીને ડ્રગનું સેવન કરતા રંગે હાથ પકડવા મુશ્કેલ છે.

ડ્રગ માફિયાની પહોંચ એટલી હદે ટોચની હોય છે કે કાયદાકિય આંટીઘૂંટી અને ઉપરના દબાણ હેઠળ વખત જતા મામલો ઠંડો પડી જાય છે. મોટેભાગે કેસ ક્રિકેટરના સટ્ટાની જેમ જામીનપાત્ર બની જાય છે. આ રીતે જોઇએ તો સમીર વાનખેડેને હતાશા વધુ સાંપડે. આમ છતા તે દેશના કરોડો નાગરિકોને એવો મેસેજ આપવામાં તો સફળ થયા જ છે કે તમે જેને પૂજો છો તેવા સ્ટાર્સ, સેલિબ્રિટી કેવો દંભી અને દેશદ્રોહી, ગુનાઇત ચહેરો ધરાવે છે.

ડ્રગના રેકેટના મૂળિયા ભારતના જ દુશ્મન દેશો કે ગેંગસ્ટર જોડે જોડાયેલા છે અને તેઓ જોડે ઘણા સ્ટાર્સ સંડોવાયેલા છે તેની પત્ની તેમજ પરિવારને તેના નામનું કોઈપણ પાર્સલ તેની ગેરહાજરીમાં ન સ્વીકારવાની તેણે સૂચના આપી છે. કેમકે તેને લાંચ લેવાના આરોપસર ફસાવી દેવાનું ષડયંત્ર તેના દુશ્મનો રાખી શકે છે. સમીર વાનખેડે અને પત્ની ક્રાંતિને જિયા અને જ્યાદા નામની જોડિયા પુત્રી છે.

૪૧ વર્ષીય સમીર વાનખેડેમાં કેવી હિંમત હશે તે તેના પરથી પણ સમજી શકાય કે બોલિવુડના બાદશાહ કિંગ શાહરૂખ ખાનના પુત્ર આર્યનની તેણે ફિલ્મી સ્ટાઇલથી ધરપકડ કરી. આર્યને કબુલ્યું કે ધરપકડ વખતે તેની પાસે કેવી અને કેટલી ડ્રગ હતી. એવું નથી કે તે પોતે સનસનાટી મચાવી મેગા સ્ટાર્સને જ પકડવામાં રસ બતાવી હીરોબનવા માંગે છે. તેણે કોઇએ જે નામની કલ્પના ન કરી હોય તેવી ટીવી કોમેડી શોની કલાકાર ભારતી સિંઘને ઘેર પણ દરોડા પાડયા અને તેના ઘરમાંથી ડ્રગ પણ મળી આવી. ભારતી પણ હાલ જામીન પર છે.

સમીરનું કામ જ મધરાત પછીનું હોઈ તે બે કલાક માંડ સૂઈ શકે છે. સતત તેના પર જીવલેણ હૂમલો થઇ શકે છે તેવા સંજોગોમાં તે ફરજ બજાવે છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોનું ઝોનલ ડાયરેકટર તરીકે બે વર્ષથી પોસ્ટિંગ થયું છે તે દરમ્યાન રૂ. ૧૭૦૦૦ કરોડના ડ્રગ રેકેટનો તેણે પર્દાફાશ કર્યો છે.

છેલ્લા ૧૦ મહિનામાં તેણે ૧૦૫ ડ્રગ સંબંધી કેસ બુક કર્યા છે તેમાંથી ગણીને ચાર-પાંચ બોલીવુડના છે તેથી તે માત્ર બોલિવુડને જ ટાર્ગેટ કરે છે તેવું નથી. પણ તેના બોલિવુડના કેસ જ પબ્લિસિટી પામે છે તેથી સમીર વાનખેડે માટે એવી ઇમેજ ઉભી થાય છે. એક જ વર્ષમાં મહારાષ્ટ્રમાં ક્યારેય ન થઇ તેટલી ૩૧૦ ધરપકડ સમીરના નેજા હેઠળ થઇ છે. આ વર્ષમાં જ તેણે રૂ. ૧૫૦ કરોડની ડ્રગ જપ્ત કરી છે.

આર્યનની ધરપકડની ચર્ચા દેશ-વિદેશમાં ચકચાર જગાવે છે પણ તેના બે જ દિવસ પહેલા તેના વિભાગે રૂ. પાંચ કરોડની ડ્રગ સાથે બંધાણીઓને પકડયા હતા પણ તે વખતે મિડિયાએ તેની નોંધ નહોતી લીધી. સમીર વાનખેડે અને તેની ટીમને મુંબઇની, પાકિસ્તાન, નાઇજીરિયા અને અન્ય દેશની ડ્રગની કાર્ટેલનો જીવ લઇ શકે તેવા હુમલાનો સતત ભય રહેતો હોય છે. ૧૨ જેટલી ડ્રગ ગેંગને સમીરના નેજા હેઠળ પકડવામાં આવી છે.

સમીર વાનખેડે તો તેનું કામ ભારે બાહોશી, હિંમત અને પ્રામાણિકતાથી કરે છે. કોર્ટમાં કેસ કેવો નબળો પૂરવાર થઇ જાય તેની હતાશા ફરજ પર હજુ સુધી નથી આવવા દીધી. બાકી જરા વિચારો, શાહરૂખ ખાનના પુત્રની ધરપકડ કરીને તેને કસ્ટડીમાં ફિટ કરવાનો વિચાર સુધ્ધા કોઈ ઓફિસરને આવી શકે ખરો ?

ફિલ્મી (શાહરૂખને) ‘ડોન’ પકડવા માટે ભલે ગ્યારહ મૂલ્કોકી પોલીસ માટે અશક્ય હોય પણ ફિલ્મી દુનિયાના બાદશાહ, બાઝિગર અને કિંગ મનાતા શાહરૂખના પુત્રની ડ્રગ કેસમાં ધરપકડ થતા તે ધરતી પર તો આવી જ ગયો હશે.

લેખકઃ- ભવેન કચ્છી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *