વામન કદ, વિરાટ વ્યક્તિત્વ “સંજય ગોરડિયા”

Story

૧૯૮૦ની સાલ, મુંબઈનાં એક થિયેટરમાં લતેશ શાહનું ‘પગલાં ઘોડા’ નામનું પ્રયોગાત્મક નાટક ચાલી રહ્યું હતું. વીસેક વર્ષના એક બટકા, કાળા, દેખાવે સામાન્ય અને પહેલીવાર બૅકસ્ટેજ કરતા છોકરાને કહેવામાં આવે છે કે આ સીન પૂરો થાય એટલે ઇન્ટરવલ પડશે. એ વખતે તારે ઑડિટોરિયમની લાઇટ ચાલુ કરવાની છે. એ છોકરાએ એવો લોચો માર્યો કે ઇન્ટરવલમાં બ્લૅક આઉટ થાય એ પહેલાં જ ઑડિટોરિયમની લાઇટ ચાલુ કરી નાખી. થિયેટરમાં સામાન્ય રીતે આવી ભૂલ કરનારને ગાળો પડે એમ આ છોકરડાને પણ પડી. એ જ છોકરો અત્યારે સંજય ગોરડિયાના નામે પ્રખ્યાત છે. આજે પ્રોડ્યુસર-ઍક્ટર તરીકે તેમનું બહુ મોટું નામ છે. સંજય ગોરડિયાના જીવનની ખટમીઠી સફર વિશે જાણીએ..

સંજયભાઈના જ્યારે પણ મળો ત્યારે એક નોખા પ્રકારનું હાસ્ય તેમના ચહેરા પર હમેંશા છલકાતું જ હોય. સતત વ્યસ્તતા વચ્ચે ટેન્શનને હસી કાઢવાની તેમની આવડતમાં ક્યાંકને ક્યાંક તેમની અંદરનું બાળક હજીયે દોડાદોડ કરતું આપણને દેખાઇ જાય… ભલે સંજયભાઈ પ્રોડ્યુસર-ઍક્ટર તરીકે છવાયેલા હોય, પણ રિયલ લાઇફમાં તેઓ ઘણાબધા રોલ નિભાવ્યા છે અને નિભાવે છે.

એસ.સી.સી. ૪૫ ટકા સાથે પાસ કર્યા પછી તેઓ દિવાળીમાં ફટાકડાની દુકાનમાં, ગણપતિના તહેવારમાં ઇલેક્ટ્રિકની દુકાનમાં સીઝનલ જૉબ કરી લેતા. મહિનાના અંતે ૧૦૦ રૂપિયા મળે. ભણતર બહુ નહીં, પણ નવું શીખવાની ધગશ ખરી. માહિમમાં ‘લાબેલા મેડિકલ સ્ટોર’માં ૧૧૦ રૂપિયાના પગારની નોકરી મળી ત્યારે તો તેઓ રાજીના રેડ થઈ ગયા હતા.. અંગ્રેજીમાં પાછા ‘ઢ’ એટલે ઢગલાબંધ નાનાં-નાનાં કામ જેવાં કે દુકાનની ઝાપટ-ઝૂપટ, ઝાડુ કાઢવાની સાથે પાણી-ચા-નાસ્તો લાવવાનું કામ પણ કરવા પડતા. તેમને ક્યારેય કોઈ કામ નાનું હોય એવું લાગ્યું જ નથી. કામ કોઈ પણ હોય તેઓ એમાં મન લગાવી દેતા. લોકો જ્યારે આવાં કામ કરવા બદલ શરમાતા હોય ત્યારે તેમને નવાઈ લાગતી છે કે આમાં શરમાવા જેવું શું છે? તમારી આવડત પ્રમાણે તમને જે કામ મળે એ કરી લેવું જોઈએ. ત્યારે તેમની આવડત એટલી જ હતી, પણ નાનાં-મોટાં કામ કરતાં-કરતાં મેડિકલ સ્ટોરની અઢી વર્ષની નોકરી દરમિયાન પાંચ હજાર દવાનાં નામ તેમને મોઢે થઈ ગયાં હતાં એ કઈ ઓછી સિદ્ધિ કહેવાય?

સંજયભાઈએ મુંબઈનાં મસ્જિદ બંદરથી લઈને દવાબજાર, હોલસેલ માર્કેટ અને છેલ્લે ગ્રાન્ટ રોડની ‘પેરી ઍન્ડ કંપની’ નામની દવાની દુકાનમાં નોકરી કરી ત્યારે તેમનો માસિક પગાર ૩૫૦ રૂપિયા હતો. એ વખતે તેમને નોકરી કંટાળાજનક લાગવા માંડી હતી અને રંગભૂમિ પ્રત્યે આકર્ષણ થવા લાગ્યું હતું. અભિનેતા બનવાનું સપનું પૂરું કરવા તેઓ રંગભૂમિમાં શ્રીગણેશ કરવા નીકળી પડ્યા. શરૂઆત ક્યાંથી અને કેવી રીતે થશે એનો કોઈ અંદાજ નહોતો. સંજયભાઈના શબ્દોમાં: ‘મારે ઍક્ટર બનવું હતું, પણ મેં જોયું કે મારા કરતાં સો ગણા દેખાવડા લોકો કામ માટે આંટા મારી રહ્યા હતા તો મારો ગજ અહીં ક્યાંથી વાગે? એટલે મેં વિચાર્યું કે મારે પ્રોડયુસર બનવું જોઈએ. ખિસ્સામાં પૈસા નહીં,પણ સપનાં જરૂર હતાં. 

પ્રોડ્યુસર બનવા શું કરવું?કોઈએ કહ્યું કે પહેલાં પ્રોડક્શન મૅનેજર બનવું જોઈએ. પણ મને પ્રોડક્શન મૅનેજર તરીકે રાખે કોણ? એટલે મેં બૅકસ્ટેજ કરવાનું વિચાર્યું. હું જ્યાં કામ માગવા જાઉં ત્યાં મને જાકારો મળતો. છેવટે મેં લતેશ શાહ પાસે જઈ બૅકસ્ટેજ વર્કરનું કામ માગ્યું. તેમણે ચોખ્ખું કહી દીધું કે પૈસા નહીં મળે. મેં તરત હા પાડી દીધી. હું બીજા બૅકસ્ટેજ આર્ટિસ્ટની જેમ ચંપલથી લઈને ચા આપવાનાં કામ કરતો. એ રીતે રંગભૂમિના બૅકસ્ટેજ પર મારી એન્ટ્રી થઈ.’ જે વ્યક્તિ પોતાની આવડત અને નબળાઈ બન્નેથી વાકેફ હોય તેની સફળ થઈ શકવાની શક્યતા વધી જાય છે. 

સંજયભાઈના કિસ્સામાં આવું જ હતું. સંજયભાઈ કહે છે, ‘મારા લુકનો મને કૉમ્પ્લેક્સ હતો. બીજા લોકોને પણ મારું બટકું, કાળું શરીર જોઈને કામ આપવાનું મન નહોતું થતું. કોઈ મને પોતાની નજીક આવવા દેતા નહોતા. હું સાવ પામરની કક્ષાએ છું એવું મને ત્યારે લાગતું હતું. કૉલેજમાં હું ગયો નહોતો એટલે મારી પાસે કોઈ જ્ઞાન કે વાંચન હતું નહીં. હું જેને મળવા જાઉં એ બધા ઉચ્ચ કક્ષાએ બેઠેલા હતા. મને થયું કે આ લોકોના લેવલ સુધી કેવી રીતે પહોંચાશે?’ આ પ્રશ્નાર્થ ચિહ્ન સાથે સંજયભાઈએ પોતાનું જ્ઞાન વધારવાનું નક્કી કર્યું. અંગ્રેજી આવડતું નહોતું એટલે તેમણે દોસ્તી કેળવી ગુજરાતી પુસ્તકો સાથે.

મિડલ ક્લાસ મૉરેલિટીની વાત કરતાં સંજયભાઈ આગળ કહે છે, ‘અમારા ઘરની સારી પરિસ્થિતિ હતી, પણ એ ધીરે-ધીરે કથળતી ગઈ હતી. ઘરેથી પૈસા મળતા નહીં. મને કહી દીધેલું કે તું તારું ફોડી લેજે. જોકે મારે કમાઈને ઘરે પૈસા આપવાનું પ્રેશર નહોતું. દસમા પછી ભણવાના ચાન્સ હતા નહીં. આમેય હું બ્રાઇટ સ્ટુડન્ટ નહોતો. સ્કૂલમાં જે ન ભણ્યો એ થિયેટરમાં આવીને ગણ્યો. જોકેદરેક માટે પદ્ધતિસરનું શિક્ષણ બહુજરૂરી છે. હું એ ન મેળવી શક્યો, જેને કારણે મને બહારની દુનિયામાં સખત પ્રૉબ્લેમ થતો. મારા પપ્પા કંઈ ખાસ કમાતા નહોતા, પણ એંટ એની એ જ હતી. દર દિવાળીએ અમારા ત્રણેય ભાઈઓ માટે ઘરે મીઠાઈ, નવાં કપડાં, નવાં ચંપલ આવે. એ બધું મારી બાના દાગીના વેચીને આવતું. દાગીના વેચીને તહેવારો ઊજવવાની મિડલ ક્લાસ મેન્ટાલિટીથી મને સખત નફરત છે.

મેં મનમાં નક્કી કર્યું હતું કે આ માહોલમાંથી બહાર નીકળી મારું એક લેવલ બનાવવું જ છે.’ હાથ તંગ હોય ત્યારે સામાન્ય રીતે તમે પૈસા વાપરવામાં સાવચેતી રાખો, પણ સંજયભાઈના કેસમાં ઊંધું હતું. તેમણે ક્યારેય બચતના કૉન્સેપ્ટને અપનાવ્યો જ નહોતો. ‘આપણું તો ભઈ આવું’ નાટક હોય કે તારક મહેતાનું ‘તોફાની ટપુડો’ બાળનાટક, બૅકસ્ટેજમાં મળતા પચ્ચીસ રૂપિયા પણ સંજયભાઈ વાપરી નાખતા. એક ડૉક્યુમેન્ટરી ફિલ્મમાંથી મળેલા અઢીસો રૂપિયામાંથી સંજયભાઈએ તરત ટાઇટનની ઘડિયાળ લઈ લીધી હતી. સંજયભાઈ કહે છે, ‘હું ઉડાઉ પ્રકૃતિનો. આવતીકાલનો વિચાર કરું જ નહીં. આ બેફિકરાઈપણું મદદરૂપ થતું, પણ એને લીધે હું મુસીબતમાંય મુકાઈ જતો. પૈસા ન હોય એટલે જ્યાં-ત્યાં ઉધાર માગવા જાઉં. કોઈ ક્યારેક આપે, ક્યારેક અપમાન કરે, ક્યારેક હડધૂત કરે. એ મારા ઉડાઉ સ્વભાવની આડઅસર હતી. એ સમયે મને બૅલૅન્સિંગ નહોતું આવડતું.’

જીવનની સફર ક્યારે વળાંક લેશે એની કોઈને ખબર નથી હોતી. નક્કી કરેલા સ્ટેશન સુધી પહોંચવા રસ્તે આવતાં બધાં જ સ્ટેશનોની મુસાફરી કરવી પડે, કારણ કે આ મુસાફરી કરતાં-કરતાં તમારું ગમતું સ્ટેશન ક્યારે આવી જાય કોને ખબર! સંજયભાઈની ગમતા સ્ટેશન સુધી પહોંચવાની મુસાફરીની વાત કરીએ. નસીરુદ્દીન શાહ, ફારુક શેખ, સ્મિતા પાટીલ, સુપ્રિયા પાઠક અભિનીત ‘બાઝાર’ ફિલ્મ એ સમયની માઇલસ્ટોન ફિલ્મ હતી. એ ફિલ્મમાં પ્રોડક્શન મૅનેજર આપણા સંજયભાઈ હતા. પ્રોડક્શન મૅનેજર તરીકે હિન્દી ફિલ્મ કેવી રીતે મળી એ રસપ્રદ વાત વિશે સંજયભાઈ કહે છે: ‘બાઝાર’ ફિલ્મમાં લતેશ શાહ આસિસ્ટન્ટ ડિરેક્ટર હતા. તેઓ ઘણી વાર કે.સી. કૉલેજની કૅન્ટીનમાં બેસતા. હું પણ તેમની સાથે બેસતો. આમ તો લતેશભાઈના ઘણા ચેલાઓ હતા. એમાંનો એક હુંય હતો. અમે વાતો કરતાં બેઠા હતા. ત્યાં લતેશભાઈ પર ફોન આવ્યો કે ‘બાઝાર’ ફિલ્મ માટે અર્જન્ટ પ્રોડક્શન મૅનેજરની જરૂર છે, કોઈ છોકરો હોય તોતેને તરત મોકલો. નસીબજોગે હું જ ત્યાં બેઠો હતો અને મને કામ મળી ગયું.’

સંજયભાઈના કિસ્સામાં પુરુષાર્થ અને પ્રારબ્ધ સાથે ચાલ્યાં છે. મહેનતનો કોઈ વિકલ્પ નથી હોતો અને પ્રારબ્ધના લેખ ભૂંસી શકવા માટે કોઈ ઇરેઝર નથી હોતું. લતેશ શાહના સુપરહિટ ‘ચિત્કાર’ નાટકમાં રસોઇયાનું કૉમેડી પાત્ર ભજવનાર કલાકારને કઈ રીતે ભૂલી શકાય! એ નાટકમાં સંજયભાઈ પ્રોડક્શન મૅનેજર તરીકે કામ કરતા હતા. લતેશભાઈના કહેવાથી તેમણે નાટકમાં રસોઇયાની નાની કૉમેડી ભૂમિકા ભજવી. સંજયભાઈની એન્ટ્રી છેક ત્રીજા અંકમાં થતી. છતાં એ નાનકડી ભૂમિકામાં તેઓ છવાઈ ગયા હતા. પહેલાં તો સંજયભાઈએ એ ભૂમિકા કરવાની ના પાડી દીધી હતી, કારણ ઍક્ટિંગ કરવાનું સપનું તેમણે ક્યારનું ફગાવી દીધું હતું. પછી લતેશભાઈના કહેવાથી નાછૂટકે એ રોલ કરવો પડ્યો અનેએ નાટકે તેમને રંગભૂમિમાં ઘણી નામના અપાવી. એજ રીતે લતેશ શાહ ’છેલ અને છબો’ બાળનાટક પ્રોડ્યુસ કરી રહ્યા હતા. પૈસા તેમના હતા અને મહેનત સંજયભાઇ ની. લતેશ શાહે નિર્માતા તરીકે તેમનું નામ ઇન્ટ્રોડયુસ કર્યું. એ રીતે તેઓ નિર્માતા બન્યા, પણ માત્ર નામના. જોકે તેમને પૈસા રોકવાનું કંઈ જોખમ નહોતું. એ નાટકમાં છબાના પાત્રમાં કોઈ ઍક્ટર મળતો નહોતો. સંજયભાઇ ના નકાર છતાં લતેશ શાહે છબાનો લીડ રોલ તેમને જ આપ્યો. જેમ-જેમ  દૂર ભાગતા તેમ-તેમ તેમને નાનામોટા રોલની ઑફર આવતી જતી હતી. આગળ જતાં લતેશ શાહ સાથે મતભેદ થતાં તેઓ છૂટા પડ્યા. તેઓએ ઍક્ટર તરીકે બીજાં નાટકોમાં એક-બે કૉમેડી સીન ભજવવાનું ચાલુ રાખ્યું હતું, કારણ કે તેમની અંદરનો ઍક્ટર જાગી ચૂક્યો હતો.’

માંડ દસમી ચોપડી ભણેલો માણસ બાળનાટક લખીને ડિરેક્ટ કરી શકે? સંજયભાઈએ એ કરી બતાવ્યું. તેમણે ‘ટકો મૂંડો ટાઉં ટાઉં’ બાળનાટક લખ્યું અને ડિરેક્ટ પણ કર્યું. સંજયભાઈ માને છે કે ‘ભગવાને બધાને પૃથ્વી પર કંઈ ને કંઈ પ્રતિભા સાથે મોકલ્યા છે. આપણે જ આપણી પ્રતિભાથી વાકેફ નથી હોતા. સમય જતાં તેમને સમજાયું કે તેઓ ઍક્ટિંગ કરતાં પ્રોડક્શનમાં ધ્યાન આપશે તો વધુ લાભ મળશે, કારણ કે ઍક્ટર તરીકે તેઓ બહુ સફળ નહીં થાય એવુ તેમને લાગતું હતું. હવે નાટ્યનિર્માણ તરફ આગળ વધવા માટે સંજયભાઈએ કમર કસી. બીજા ફાઇનૅન્સરો સાથે મળીને બે નાટકો પ્રોડ્યુસ કર્યા અને બન્ને થઈ ગયાં ફ્લૉપ. એ નાટક હતા ‘આભાસ’ અને ‘હૅન્ડ્સઅપ’. એ પછીના અરસામાં એવું બન્યું કે સંજયભાઈની દશા બદલાઈ ગઈ. દશા બદલવા લોકો જ્યોતિષી પાસે જાય, ઉપાય પૂછે, નવા ઍડ્વેન્ચર માટે સારું મુહૂર્ત જોવડાવે. પછી નવી દિશા તરફ આગળ વધે. સંજયભાઈની લાઇફમાં આવું કંઈ બન્યું નહીં, પણ જે બન્યું એ જરા શૉકિંગ હતું. 

સંજયભાઈ એ કિસ્સો યાદ કરતાં કહે છે, ‘૧૯૯૦ની સાલ. મેં અને શફી ઇનામદારે એક નાટક પ્લાન કર્યું. શફીભાઈ એ નાટક ડિરેક્ટ કરવાના હતા. ‘આભાસ’ અને ‘હૅન્ડ્સઅપ’ નાટકમાં જે ફાઇનૅન્સરે પૈસા રોકવાનું વચન આપ્યું હતું. તેમની પાસે હું ગયો. તેમણે ફાઇનૅન્સ કરવાની ચોખ્ખી ના પાડી દીધી. હવે કરવું શું? ત્યારે શફીભાઈએ કહ્યું કે ચલ, આધા-આધા પૈસા નિકાલતે હૈ. મારી પાસે તો અડધા પૈસાય નહોતા, પણ મારે નાટક બનાવવું જ હતું. એટલે મેં મોટું જોખમ લીધું. જ્યાં-ત્યાંથી પૈસા ઉધાર લીધા. બાવીસ હજારનું દેવું કરીને નાટક બનાવ્યું: ‘બા રિટાયર થાય છે’ .નાટક પહેલા જ શોએ સુપરહિટ. એ નાટકે મારી તકદીર બદલી નાખી. હવે મૂળ વાત પર આવું તો આ નાટકનું મુહૂર્ત મેં સામી સંક્રાતે એટલે કે પહેલી જાન્યુઆરીએ કર્યું અને સામી હોળીએ ચોથી માર્ચે મેં આ નાટક ઓપન કર્યું. લોકો આવા દિવસોને કમૂરતાં કહે છે. કમૂરતાંમાં ઓપન કરેલા નાટકે મારી જિંદગીની દશા બદલી નાખી. ‘બા રિટાયર થાય છે’ નાટક સપ્ટેમ્બર, ૧૯૯૨ સુધી એટલે કે અઢી વર્ષ ચાલ્યું. એ અઢી વર્ષ દરમિયાન મારાં લગ્ન થયાં. મેં મારા પોતાના પૈસાથી નવું ઘર લીધું. મારે ત્યાં દીકરાનો જન્મ થયો. બાકી જે પૈસા નાટકમાંથી કમાયો એ હર્ષદ મહેતા સ્કૅમમાં ધોવાઈ ગયા. આ ઉતાર-ચડાવને કમૂરતાં સાથે કોઈ લેવાદેવા નથી. એવું હોત તો નાટક પહેલા જ શોમાં આઉટ થઈ ગયું હોત. ફલાણા દિવસે ફલાણું ન કરાય એવા ડર સાથે હું ક્યારેય જીવ્યો નથી અને એ રીતે જીવવું પણ ન જોઈએ. દરેકના જીવનમાં અપ્સ ઍન્ડ ડાઉન આવે છે. એનો સ્વીકાર કરવો જ પડે છે.’

આ બાજુ શફી ઇનામદાર સાથેની પાર્ટનરશિપમાં બનેલું નાટક સફળ જતાં બીજા એસ્ટૅબ્લિશ્ડ નિર્માતાઓએ શફી ઇનામદારને તેમની તરફ ખેંચી લીધા. શફી ઇનામદારે સંજયભાઈ સાથે બીજાં નાટકો કરવાની ના પાડી દીધી. સંજયભાઈ કહે છે, ‘હું બે વર્ષ ઘરમાં બેસી રહ્યો. કંઈ જ કામ નહોતું. બહુ ચિંતન-મનન કર્યા બાદ મેં નક્કી કર્યું કે આપણા શૈલેષ દવે અને આપણા શફી ઇનામદાર આપણે જ ઊભા કરવા પડશે. મેં રાજુ જોશી, પ્રકાશ કાપડિયા સાથે ‘કરો કંકુના’ નાટક બનાવ્યું. એ પછી તો ઘણાં બધાં નાટકો કરવાનો સિલસિલો શરૂ થઈ ગયો, જે અવિરત ચાલુ છે.’

આ સિલસિલામાં એક નામ ઉમેરાયું: એ છે કૌસ્તુભ ત્રિવેદી. ૧૯૯૩થી સંજયભાઈની પાર્ટનરશિપ પ્રોડ્યુસર-ઍક્ટર કૌસ્તુભ ત્રિવેદી સાથે શરૂ થઈ. કૌસ્તુભભાઈ અને સંજયભાઈ સિદ્ધાર્થ રાંદેરિયાના નાટક ‘ભાઈ’માં સાથે રોલ કરતા હતા ત્યારે એવી દોસ્તી થઈ કે એ દોસ્તી આગળ જતાંપાર્ટનરશિપમાં પરિણમી. ત્રેવીસ વર્ષની આ ભાગીદારી એ ગુજરાતી રંગભૂમિને અવિરત અનેક નાટકોની ભેટ આપી છે. સંજયભાઈ છેક ૨૦૦૦ની સાલથી ડિરેક્ટર વિપુલ મહેતા સાથે જોડાયેલા છે. પ્રોડ્યુસર-ડિરેક્ટરની આ જોડીનો જોટો જડે એમ નથી. સંજયભાઈ એ વિશે કહે છે: ‘વિપુલ ઇન્ટર-કૉલેજ ડ્રામા કૉમ્પિટિશનમાં નાટક ડિરેક્ટ કરાવતો. હું તેનાં નાટકો જોવા જતો. વિપુલે ‘જયંતીલાલ’ નામનું નાટક ડિરેક્ટ કર્યું હતું. એ સબ્જેક્ટ પરથી મેં તેને ફુલ લેન્ગ્થ નાટક ડિરેક્ટ કરવા કહ્યું. દિલીપ જોશી અભિનીત અમારું નાટક આવ્યું ‘જલસા કરો જયંતીલાલ’, જે સુપરહિટ થયું. વિપુલ ત્યારે નવોસવો હતો, પણ અમારું ટ્યુનિંગ એવુંજામ્યું કે આજ સુધી અમે સાથે નાટક બનાવવાનો જલસો માણીએ છીએ. કામની બાબતે અમારી વચ્ચે મતભેદ થયા કરે. જોકે અમને બન્નેને એકબીજા વગર ચાલતું નથી.’

‘ડોન્ટ અન્ડર-એસ્ટિમેટ ધ પાવર ઑફ કૉમન મૅન.’ આ ઉક્તિ સાથે બંધબેસતો એક મજાનો કિસ્સો છે. પોતાનો અવાજ યુનિક હોવાની જાણ સંજયભાઈને છેક સાલ ૨૦૦૨માં થઈ. સંજયભાઈ શત્રુઘ્ન સિંહાને લઈને હિન્દી નાટક ‘પતિ-પત્ની ઔર મૈં’ બનાવી રહ્યા હતા. એ સમયે પ્રોડ્યુસર સંજયભાઈને સ્ટેજ પર લાવી ઑડિયન્સ સાથે સંવાદ સાધવાનું તિકડમ ડિરેક્ટરને સૂઝ્યું અને શત્રુઘ્ન સિંહાની એન્ટ્રી પહેલાં પ્રોડ્યુસર સંજય ગોરડિયા ઍઝ અ પ્રોડ્યુસર દર્શકો સાથે સંવાદ સાધવા માંડ્યા. સંજયભાઈ કહે છે, ‘ધેટ ટાઇમ આઇ રિયલાઇઝ કે હું ખોટી લઘુતાગ્રંથિમાં જીવું છું. મને કેમ મારા અવાજનો કૉમ્પ્લેક્સ છે? ત્યાર પછી મેં ૨૦૦૪માં ‘છગન મગન છાપરે લગન’માં લીડ રોલ કર્યો. નાટકમાં મને લીડ ઍક્ટર તરીકે કોણ મોકો આપત? એટલે પ્રોડ્યુસર સંજય ગોરડિયાએ ઍક્ટર સંજય ગોરડિયાને મોકો આપ્યો. મેં જોખમ લીધું અને હું સફળ થયો. આજે દર્શકોએ મને ઍક્ટર તરીકે સ્વીકાર્યો છે. મારી અંદરનો કૉમન કલાકાર અનકૉમન બની ગયો.’ 

સંજયભાઈને પોતાના લુકની સાથે-સાથે અંગ્રેજી ન બોલી શકવાનો પણ કૉમ્પ્લેક્સ હતો. નિર્માતા તરીકે તેમની ગાડી દોડી રહી હતી ત્યારે અંગ્રેજી તો આવડવું જોઈએને ભાઈ! સંજયભાઈ કહે છે, ‘૨૦૦૫માં અંગ્રેજી શીખવા હું અંબોલીમાં રહેતા એક અંગ્રેજીના શિક્ષકને ત્યાં જવા માંડ્યો. સેશનદીઠ તેઓ ૪૦૦ રૂપિયા લેતા. ઘરે ગુજરાતી પેપરની સાથે ‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’ લેવાનું શરૂ કર્યું. બે દિવસ તો મેં પેપરમાં ફોટો જોયે રાખ્યા. ત્રીજા દિવસથી સાચકલું પેપર વાંચવાનું શરૂ કર્યું. શબ્દોના અર્થ જાણવા અંગ્રેજી ડિક્શનરી વસાવી લીધી હતી. ધીરે-ધીરે અંગ્રેજીનું શબ્દભંડોળ ભેગું થવા લાગ્યું. હવે મેં બહારની દુનિયામાં અંગ્રેજી બોલવાનું શરૂ કરી દીધું અને થયું એવું કે હું બહુ કૉન્ફિડન્ટલી ખોટું અંગ્રેજી બોલતો થયો. મિત્રોએ ધ્યાન દોર્યું કે આના કરતાં અંગ્રેજી ન બોલ તો સારું! ભણતર છૂટી ગયાનો અહેસાસ અને અફસોસ એ વખતે ખરેખર મને થયો. પછી મેં પદ્ધતિસર અંગ્રેજી શીખવાનું શરૂ કર્યું. અંગ્રેજી નૉવેલ વાંચવાનું શરૂ કર્યું. એ પછી હું કૉન્ફિડન્ટલી સાચું અંગ્રેજી બોલતો થયો.’ જે ન આવડતું હોય એની પાછળ પડી એને શીખી લેવું એ સંજયભાઈની પ્રકૃતિ છે. 

સંજયભાઈએ ‘બા રિટાયર થાય છે’ નાટકનું હિન્દી વર્ઝન ‘મા રિટાયર હોતી હૈ’ બનાવ્યું. લીડ રોલમાં જયા બચ્ચન હતાં. એ નાટકે સંજયભાઈને ઍવોર્ડની સાથે ખાસ્સી ઊંચાઈ અપાવી. સંજયભાઈ કહે છે, ‘જયા બચ્ચન અભિનેત્રી તરીકે લાજવાબ. તેમની ઍક્ટિંગ જોઈને મને થયું કે મારે ઍક્ટિંગ ન કરવી જોઈએ, આપણે પ્રોડક્શનમાં મન લગાવો અને મેં એ જ કર્યું. તો પણ મારું નસીબ મને ફરી ઍક્ટિંગમાં લઈ આવતું. હું અને વિપુલ ‘છગન મગન છાપરે લગન’ નાટક બનાવી રહ્યા હતા. વિપુલ કહેતો કે આ નાટકમાં દિલીપ જોશી હોય તો મજા પડી જાય. દિલીપ જોશીએ મારાં બૅક ટુ બૅક બે નાટકો કર્યા બાદ ત્રીજું નાટક કરવાની ના પાડી. મને થયું કે હું જ શું કામ આ રોલ ન કરું? ફરી મારી અંદરનો ઍક્ટર જાગ્યો અને મેં એ નાટકમાં મુખ્ય ભૂમિકા ભજવી. કારણ નાટકની વાર્તા મને સૂઝેલી અને બીજી વાત એ હતી કે એ દરમિયાન હું નિર્માતા તરીકે ખૂબ સફળ થઈ ગયો હતો.’

ઍક્ટર સંજય ગોરડિયા મોટા છે કે પ્રોડ્યુસર સંજય ગોરડિયા? એના જવાબમાં સંજયભાઈ કહે છે, ‘અફકોર્સ પ્રોડ્યુસર સંજય ગોરડિયા. મારી ઈન્ફિરિયર પર્સનાલિટી હતી જેમાં હીરો તરીકેની આવડત નહોતી. કોઈ બીજા પ્રોડ્યુસરે હીરો તરીકે કામ ન જ આપ્યું હોત. મેં મારી જાતને ચાન્સ આપ્યો.જોકે હું કબૂલું છું કે પ્રોડ્યુસરમાં જે ગ્લૅમર છે એ બીજે ક્યાંય નથી. થૅન્ક્સ ટુ કૌસ્તુભ ત્રિવેદી.’ સુખ કરતાં હૅપીનેસમાં માનતા સંજયભાઈ કહે છે, ‘મેં કોઈ પણ સિચ્યુએશનમાં મારી ખુશી મેળવી લીધી છે. જે અપમાનો મેં સહન કર્યાં એને માટે મેં કોઈને જવાબદાર ઠેરવ્યા નથી. એ બધી સિચ્યુએશન માટે હું જ જવાબદાર હતો. એ અજ્ઞાનતા મારી હતી. ના તો મારી પાસે એજ્યુકેશન હતું, ના પૈસા, ના પાવરફુલ બૅકગ્રાઉન્ડ હતું. મિત્રો હતા, પણ મારી અજ્ઞાનતાને કારણે ઘણીવાર મને ઉતારી પાડતા. કોઈ છોકરીએ મારામાં રસ ન લીધો, કારણકે મારામાં રસ પડવા જેવું કંઈ હતું જ નહીં. ત્યારે મેં એમ વિચાર્યું કે હું એટલો કાબિલ બનીશ કે દુનિયા મારી પાછળ આવશે. મારી નબળાઈને મેં મારી સ્ટ્રેન્ગ્થ બનાવી.’

પંચોતેરથી પણ વધારે નાટક પ્રોડ્યુસ કરનારા સંજયભાઈનાં નાટકો આટલાં સફળ કેમ થાય છે? એના જવાબમાં સંજયભાઈ કહે છે, ‘મારી અને કૌસ્તુભની ફિલસૂફી છે કે દર્શકોને મજા કરાવો યાર! જે કહો એ ટૂંકાણમાં કહો. લોકોને સ્પર્શે એ રીતે રજૂઆત કરો. સ્ટોરી-ટેલિંગ એ બીજું કંઈ નહીં પણ બોર કર્યા વગર કહેવાની વાત છે. સ્ટોરી-ટેલિંગ પાવરફુલ હશે તો તમે મોમેન્ટ, ઇમોશન્સ ક્રીએટ કરી શકશો, કૉન્ફ્લિક્ટ તેમ જ ઠહેરાવ નાખી શકશો. નાટક જોઈને પ્રેક્ષકો હસતા-હસતા ઑડિટોરિયમમાંથી જવા જોઈએ. હાસ્યની સાથે નાટક તેમની સંવેદનાઓને જગાડી મૂકે એવું હોવું જોઈએ.’

નાટ્યક્ષેત્રની આટલી લાંબી સફર વિશે સંજયભાઈ કહે છે, ‘આટલાં બધાં નાટકો કરીને મેં રંગભૂમિ પર ઉપકાર નથી કર્યો. મેં મારા માટે કર્યું છે. હું રંગભૂમિથી કમાયો છું. હા, પણ મેં રંગભૂમિને પ્રેમ જરૂર કર્યો છે. જ્યારે તમે મનગમતું કામ કરતા હો ત્યારે દરેક વખતે તમને એમાંથી આનંદ નથી મળતો. ક્યારેક ફરજ બજાવવી પડે છે, ક્યારેક આનંદ મળશે એ આશાએ કામ કરવું પડે છે. તમે તમારી વીકનેસ અને સ્ટ્રેન્ગ્થને જેટલી ઓળખી શકો છો એના પર તમારી સફળતાનો આધાર રહેલો છે એવું હું માનું છું અને નાટક જો નિષ્ફળ જાય તો એ જવાબદારી મારી હોય છે. હું ડિરેક્ટર, લેખક કે કલાકાર પર દોષ ન નાખી શકું કે તમે બરાબર નથી કર્યું.’

સંજય ગોરડિયા કહે છે,‘નિર્માતા તરીકે મેં એક નવો ચીલો ચાતર્યો છે. નિર્માતા એ નથી કે જે પૈસા બચાવે છે. નિર્માતા એ છે જે યોગ્ય પૈસા આપે છે. પ્રોડ્યુસર રાજા જેવો છે. તેના ભાગે દુ:ખી થવાનું આવે. પ્રોડ્યુસર તો જ સુખી થશે જો તેની પ્રજા એટલે કે તેના કલાકારો, બૅકસ્ટેજવાળા સુખી હશે. ક્રૂર રાજા કરતાં હું પ્રજાવત્સલ રાજા બનવાનું વધારે પસંદ કરું છું. હું તેમનું નસીબ બનાવવા માટે નથી, હું મારું ભાગ્ય બનાવવા માટે છું; પણ મારું નસીબ બનાવવા જતાં તેમનું નસીબ બને છે તો હું ખુશ છું.’ 

ટીવી-સિરિયલના નિર્માણમાં કઈ રીતે આવ્યા એના જવાબમાં સંજયભાઈ કહે છે, ‘સિરિયલના નિર્માણ માટે હું ઘણા પ્રયત્નો કરી રહ્યો હતો. થિયેટરમાં કંટાળાની સાથે આર્થિક રીતે પહેલાં જેવી જાહોજલાલી રહી નથી. રૂપિયો સતત ઘસાઈ રહ્યો છે. મારા જીવતાજીવ નવી રંગભૂમિનાં સંભારણાં કરવાનો વારો ન આવે તો સારું એનો મને ડર છે. અહીં પ્રૉફિટ-માર્જિન ઓછું થઈ રહ્યું છે. તો સર્વાઈવ કરવા માટે બીજું ફીલ્ડ ચૂઝ કરવું પડે એવું હતું. એટલે સિરિયલ પ્રોડક્શનમાં એન્ટ્રી મારી અને મારા પ્રોડક્શન થકી એકસાથે ૫૦-૬૦ લોકો નભી રહ્યા છે, જેમાંનો એક હું પણ છું.’ 

સંજયભાઈએ ‘રામ લખન’, ‘ખલનાયક’, ‘ઇસ રાત કી સુબહ નહીં’, ‘કચ્ચે ધાગે’, ‘ઇશ્ક’, ‘મન’ જેવી ફિલ્મોમાં અભિનય કર્યો છે. ૨૫થી વધારે નાટકોમાં લીડ રોલ કર્યા છે. દસથી વધુ હિન્દી સિરિયલો અને ટાઇડ વૉશિંગ પાઉડર તેમ જ કૅડબરી ફાઇવસ્ટારની ટીવી ઍડના તેમના અભિનયે તેમના ચાહકોને ખુશ કરી દીધા છે. સંજયભાઈ કહે છે, ‘હિન્દી સિરિયલ પ્રોડક્શનમાં એન્ટ્રી મારવી છે, પણ સફળતા દૂર દેખાઈ રહી છે. જોકે મારા પ્રારબ્ધે મને હંમેશાં સરપ્રાઇઝ આપી છે. હજી કેટલી સરપ્રાઇઝ મળશે ખબર નથી. મને અન્ડર-એસ્ટિમેટ કરતા નહીં, કારણ કે મારું નસીબ બહુ સારું છે એવું હું બધાને કહેતો ફરું છું.’

અને છેલ્લે….સંજયભાઈ ઉમેરે છે: ‘હું બીજાની ઍક્ટિંગ જોઉં તો મને લાગે કે મારે હજી સારું કામ કરવાનું છે, પણ સમયના અભાવે હું ઍક્ટિંગમાં બહુ ધ્યાન નથી આપી શકતો. મારે મારી અંદરના નિર્માતાને જીવતો રાખવો જરૂરી છે જેથી સંજય ગોરડિયા પોતાના મનગમતાં નાટકો કરી શકે.’

Leave a Reply

Your email address will not be published.