20 મહિના બાદ ધોરણ 1થી 5ની ઓફલાઈન સ્કૂલો શરૂ

News

ગુજરાત સરકારે આજે મહત્વની જાહેરાત કરી છે. આવતીકાલથી રાજ્યમાં ધોરણ 1થી 5ની સ્કૂલો ઓફલાઈન શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. આ અંગે શિક્ષણમંત્રી વાઘાણીએ સુરતમાં જાહેરાત કરી હતી. જો કે હાજરી મરજીયાત રાખવામાં આવી છે. સ્કૂલોમાં કોરોનાની ગાઇડલાઈનનું પાલન કરવું પડશે. તેમજ ઓફલાઇન વર્ગો માટે વાલીઓએ સંમતિ પત્રક આપવું પડશે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા વર્ષ 2020માં કોરોના સંક્રમણની શરૂઆત થતા રાજ્યમાં 15 માર્ચ, 2020થી સ્કૂલો બંધ કરવામાં આવી હતી. આમ હવે 20 મહિના બાદ ધોરણ 1થી 5ની ઓફલાઈન સ્કૂલો શરૂ થશે.

કોરોનાકાળમાં છેલ્લા બે વર્ષ જેટલા સમયથી બંધ રહેલી પ્રાથમિક શાળાના 1થી 5 ધોરણના ઓફલાઈન વર્ગો આવતીકાલથી ખુલશે તેવી જાહેરાત રાજ્યના શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ કરી હતી. જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, ઘણા સમયથી શાળાના વર્ગો બંધ છે. ત્યારે કોરોના હવે હળવો પડતા આવતીકાલથી ખુલતા દિવાળી બાદના સત્રોમાં ધોરણ 1થી 5ના વર્ગો શરૂ કરવામાં આવશે. જેમાં તમામ શાળાઓએ એસઓપીનું પાલન કરવાનું રહેશે. બાળકોની ઉંમર નાની હોવાથી વધારે તકેદારી રાખવાની રહેશે.

શિક્ષણવિદ અલ્કેશ પટેલના જણાવ્યા અનુસાર ધોરણ 3 થી 9 વર્ષના બાળકોની હાલની મનોસ્થિતિ ઉપર ખૂબ જ વિપરીત અસર પડી છે. ઓનલાઈન શિક્ષણ આ ઉંમરના બાળકો માટે ખાસ અસરકારક રહ્યું જ નથી. આવા બાળકો સતત મોબાઈલમાં કે ઇલેકટ્રોનિકસ ઈન્સ્ટ્રુમેન્ટ સાથે એકાગ્રતાથી કામ કરી શકતા નથી. વાલીઓને બાળકો પાસે બેસવાનો સમય નથી, જેથી બાળકો સ્કૂલ દ્વારા ઓનલાઈન આપવામાં આવતા શિક્ષણથી દૂર રહે છે. તેમની માનસિક પરિસ્થિતિ શાળામાંથી મોકલવામાં આવતા વિડીયો કે ઓનલાઈન શિક્ષણને બરોબર સમજી શકવાની નથી.

રાજ્યમાં કોરોના કેસમાં સતત ઘટાડો થઇ રહ્યો છે ત્યારે શિક્ષણ વિભાગ દ્રારા તબક્કાવાર શાળાઓ શરૂ કરવા અંગેની કામગીરી શરૂ કરી હતી,.તેમ છતાં ધોરણ 1 થી 5 ના શિક્ષણ શરૂ થઈ શક્યું નથી, અને રાજ્યના વાલીઓ થી લઈને સંચાલકો દ્વારા પ્રાથમિક શાળા શરૂ કરવા સરકાર પર દબાણ વધી રહ્યું હતું, કેમકે પ્રાથમિક શાળા ના બાળકો છેલ્લા બે વર્ષથી ઓનલાઇન શિક્ષણ મેળવી રહ્યા છે હવે વર્ગખડં શિક્ષણનો પ્રારભં પહેલી ડિસેમ્બરે થાય તેવી શક્યતા છે.

આ પહેલાં રાજ્ય સરકારની જાહેરાત બાદ રાજ્યની શાળાઓમાં ધોરણ 6થી 8ના વર્ગો 2 સપ્ટેમ્બરથી શરૂ કરવામાં આવ્યા હતા, જેમાં 50 ટકાની સંખ્યા સાથે વર્ગો શરૂ કરવા અંગે મંજૂરી આપવામાં આવી છે. આ સાથે 9થી 12ના વર્ગો ચાલે છે એ પ્રમાણે સોશિયલ ડિસ્ટન્સ, ફરજિયાત માસ્કના નિયમો પણ પાલન કરવામાં આવી રહ્યું છે. સ્કૂલો દ્વારા હેન્ડ વોશ અને સેનિટાઇઝરની વ્યવસ્થા પૂરી પાડવામાં આવી રહી છે. ઓફલાઇન સાથે ઓનલાઈન શિક્ષણ પણ ચાલુ જ છે. સરકાર તરફથી સૂચનાઓનું સરકારી અને ખાનગી શાળાઓએ પાલન કરવાનું રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *