IAS શુભમ ગુપ્તા એવા લોકો માટે એક ઉદાહરણ છે જે ગરીબીને તેમની પ્રગતિમાં અવરોધ માને છે. શુભમ દુકાન પર બેસીને જૂતા અને ચપ્પલ વેચતો હતો. ભાગ્યે જ કોઈએ વિચાર્યું હશે કે આ છોકરો મોટો થઈને એક દિવસ અધિકારી બનશે, પણ શુભમે એ કરી બતાવ્યું છે. તેણે અભ્યાસમાં સખત મહેનત કરીને પોતાનું ભાગ્ય લખ્યું અને યુપીએસસી પરીક્ષા પાસ કરી અને તેના પરિવારને ગૌરવ અપાવ્યું છે. શુભમ મહારાષ્ટ્ર કેડરના IAS અધિકારી છે.
શુભમ ગુપ્તા મૂળ રાજસ્થાનથી આવે છે. તેમનો જન્મ 11 ઓગસ્ટ 1993 ના રોજ સીકર જિલ્લાના ભૂડોલી ગામમાં રહેતા એક સામાન્ય પરિવારમાં થયો હતો. પિતા અનિલ ગુપ્તાએ તેમને સામાન્ય બાળકોની જેમ ઉછેર્યા. તેમનો પરીવાર આર્થિક રીતે બહુ સમૃદ્ધ નહોતો. કોન્ટ્રાક્ટના કામને કારણે તેનું ઘર બરાબર ચાલતું હતું.
પરંતુ, કોન્ટ્રાકટરનું કામ કરતા તેના પિતાનું કામ બંધ થઈ ગયું હતું. ત્યારે શુભમ સાતમા ધોરણમાં અભ્યાસ કરતો હતો, જ્યારે તેના પિતાને આવકના અભાવે રાજસ્થાનથી મહારાષ્ટ્ર આવવું પડ્યું હતું. મહારાષ્ટ્રમાં આવીને, તેમણે પાલઘર જિલ્લાના દહાણુ રોડ પર એક ફૂટવેરની દુકાન શરૂ કરી હતી, જ્યાં શુભમ ઘણીવાર શાળાએથી છુટયા પછી પિતાને મદદ કરવા જતો હતો.
મળતી માહિતી મુજબ, સાંજના ચારથી નવ વાગ્યા સુધી દુકાનની સમગ્ર જવાબદારી શુભમના ખભા પર રહેતી હતી. ભાગ્યે જ કોઈએ તેને નાની ઉંમરે આ રીતે કામ કરતા જોયા પછી અનુમાન લગાવ્યું હશે કે આ છોકરો મોટો થઈને IAS અધિકારી બનશે. પણ કહેવાય છે કે જેઓ મહેનત કરે છે તેઓ ક્યારેય હાર નથી માનતા.
શુભમ સાથે પણ આવું જ થયું. કામ સાથે, તેણે પોતાનો અભ્યાસ ચાલુ રાખ્યો. દિલ્હી યુનિવર્સિટીમાંથી વર્ષ 2012-2015માં બીએ અને પછી એમએ કર્યા પછી, તેણે પોતાને યુપીએસસી માટે તૈયાર કર્યો અને તેના ચોથા પ્રયાસમાં સફળ રહ્યો. આજે તેઓ દેશના જાણીતા IAS અધિકારી છે.