ગાંડા માણસો ઈતિહાસ રચે છે અને ડાહ્યા માણસો એ ઈતિહાસ વાંચે છે…

Story

આજથી દોઢસો વર્ષ પહેલાની આ ઘટના છે. અમેરિકાના ન્યુયોર્ક શહેર અને બ્રુકલીન પરગણાની વચ્ચેનું અંતર સાવ ઓછુ હોવા છતા વચ્ચેની નદીને કારણે ફરી-ફરીને જવુ પડતુ હોવાથી અંતર ખુબ વધી જતુ હતુ. જહોન ઓગસ્ટસ રોબલિંગ નામના એન્જીનિયરે લોકોને પડતી હાડમારી દુર કરવાનો સંકલ્પ કર્યો અને આ માટે કામે લાગ્યો. આ માટે ન્યુયોર્ક શહેર અને બ્રુકલીનને જોડતો એક પુલ બનાવવાનો વિચાર આવતા જહોન ઓગસ્ટસ રોબલિંગે પુલની ડીઝાઇન બનાવી. તમામ નિષ્ણાંતોએ તેની આ ડીઝાઇન તદન અવ્યવહારુ છે અને આવો પુલ બની જ ન શકે એમ કહીને એને ગાંડો ગણાવ્યો. જહોનને માત્ર એક જ વ્યક્તિનો સાથ હતો અને તે હતો એનો દિકરો વોશીંગ્ટન રોબલિંગ.

બાપ-દિકરાએ સાથે મળીને કામગીરી શરુ કરી. આ માટે એન્જીનિયરોની એક ટીમ તૈયાર કરી જે જહોનના આદેશ પ્રમાણે કામ કરી શકે. કામ હજુ તો વેગ પકડે તે પહેલા જ કામ કરતા બનેલી એક દુર્ઘટનાને કારણે તા. 22-7-1869ના રોજ જહોન રોબલિંગનું અવસાન થયું. 

લોકો વાતો કરવા લાગ્યા કે ગાંડો ગયો એટલે હવે કામ પણ બંધ થઇ જશે. જહોનના દિકરા વોશીંગ્ટને ‘પિતા વગર આ કામ આગળ કેમ વધશે’ એમ વિચારવાને બદલે બાપનું સપનું પૂર્ણ કરવા માટે હવે બધા જ કામની જવાબદારી પોતાના માથા પર લીધી.

કુદરત પણ જાણે રોબલિંગ પરિવારની કસોટી કરતી હોય એવી એક ઘટના બની. વિધીની વક્રતા જુવો કે વોશીંગ્ટન રોબલિંગ પણ બાપની જેમ જ તા.3-1-1870ના રોજ એક દુર્ઘટનાનો ભોગ બન્યો અને એનું શરીર કામ કરતું બંધ થઇ ગયુ. પુલ બનાવવા માટે કામ કરતા એન્જીનિયરોને એ કોઇ માર્ગદર્શન આપી શકે એમ ન હતો કારણ કે એના હાથની માત્ર એક આંગળી જ કામ કરતી હતી. 

પિતાએ હાથ પર લીધેલા પ્રોજેક્ટને પૂર્ણ કરવા હવે વોશીંગ્ટને પત્નિ એમિલીનો સાથ લીધો. માત્ર આંગળીના ઇશારે એણે એક ભાષા વિકસાવી જે માત્ર એમિલી સમજી શકતી હતી. ઘણાવર્ષની મહેનત બાદ પતિ-પત્નિ આંગળીના ઇશારે વાતો કરતા થયા.

સમસ્યાઓ અહીંયા વિરામ લે એવુ નહોતુ કારણકે એમિલીને એંન્જીનિયરીંગમાં કંઇ જ ખબર પડતી ન હોવાથી પતિ શું કહેવા માંગે છે એ તે સમજી શકતી ન હતી. એમિલીએ પણ હાર માનવાને બદલે પતિને પુરો સહકાર આપ્યો. એ ગણિત અને ઇજનેરી શીખી અને પતિ જે કંઇ પણ આંગળીના ઇશારે સમજાવે તે બધુ જ સમજતી થઇ.

વોશીંગ્ટન રોબલિંગ એમની પત્નિ એમિલીને જે કંઇ સુચનાઓ આપે તે મુજબ એમિલી પુલનું કામ કરતા ઇજનેરોને માર્ગદર્શન આપવા લાગી. પુરા 13 વર્ષ સુધી આ રીતે ચાલ્યુ અને 1883ના વર્ષમાં જહોન રોબલિંગનું લોકોની હાડમારી દુર કરવાનું સપનું પુત્ર વોશીંગ્ટન અને પુત્રવધુ એમિલીએ સાકાર કરી બતાવ્યું. ન્યુયોર્ક અને બ્રુકલીનેને જોડતા આ પુલને આજે ‘બ્રુકલીન બ્રીઝ’ તરીકે ઓળખવામાં આવે છે અને એના પરથી રોજના લાખો લોકો પસાર થાય છે.

જીવનમાં આવતી નાનીનાની સમસ્યાઓની સામે જો ગોઠણ વાળીને બેસી જઇએ તો સફળતાનો સ્વાદ ક્યારેય ચાખવા ન મળે. જેમણે જેમણે પોતે સેવેલા સપનાઓને સાકાર કર્યા છે એવા લોકોની યાદી તૈયાર કરીને એની જીવનયાત્રાનો અભ્યાસ કરજો હું આપને ખાત્રી સાથે કહુ છું એ એ યાદીમાંની એક પણ વ્યક્તિ એવી નહી હોય કે જેમણે સંઘર્ષોનો સામનો ન કરવો પડ્યો હોય! પણ આ લોકો હારી જવાને બદલે પોતાના ધ્યેય પાપ્તિની દિશામાં સતત આગળ વધતા રહ્યા અને આખરે પોતાની મંઝીલને પાર પામીને જ રહ્યા.

જો મનોબળ દ્રઢ હોય તો દુનિયાની કોઇ તાકાત આપણને સફળ થતા રોકી શકે નહી. ગમે તેવી મુશ્કેલીઓની વચ્ચે પણ આપણી સાહસયાત્રા ચાલુ જ રહે તો મુકામ સુધી પહોંચ્યા સુધી રહે જ નહી એમા શંકાને કોઇ સ્થાન નથી. કોઇ કામ હાથ પર લો અને કોઇ પ્રશ્નો ઉભા થાય ત્યારે આ ઘટનાને યાદ કરજો.

સૌજન્ય:- શૈલેષ સગપરીયા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *