સુરતી ગોટાળો એ કોઈપણ પ્રકારની પૂર્વ તૈયારી વગર જ ઘરમાં જો ચીઝ, પનીર અને ડુંગળી , ટામેટા હાજર હોય તો આટલી સામગ્રી સાથે બનાવી શકાય તેવી અને દરેક વ્યક્તિને પંસદ આવે એવી એકવાર જરૂરથી ટ્રાય કરી શકાય એવી આ વાનગી છે.
બનાવવા માટે જોઈતી સામગ્રી:-
3 થી 4 ટામેટા ની પ્યુરી, 2 ઝીણી સમારેલી ડુંગળી, 1/2 કપ ઝીણું સમારેલું કેપ્સીકમ, 200 ગ્રામ છીણેલું પનીર, 100 ગ્રામ છીણેલું ચીઝ, 1 ચમચી આદુની પેસ્ટ, 1 ચમચી લસણની પેસ્ટ, 2 ચમચી કાશ્મીરી મરચું પાવડર, 1+1/2 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણાજીરૂ, 1/2 ચમચી ગરમ મસાલો, 2 ચમચી પાવભાજી મસાલો (એવરેસ્ટ), 1 ચમચી કિચન કિંગ મસાલો, સ્વાદાનુસાર મીઠું, 3 ચમચી તેલ, 3 ચમચી બટર, 2 ચમચી સમારેલી કોથમીર, 1 ચમચી કસૂરી મેથી.
બનાવાની રીત:-
૧. સૌપ્રથમ બધી સામગ્રી ભેગી કરી લો. એક પેનમાં તેલ અને બટર ઉમેરી એમાં જીરૂં ઉમેરો. હવે સમારેલી ડુંગળી ઉમેરો 3 થી 4 મિનિટ સુધી સાંતળો.
૨. હવે કેપ્સિકમ અને આદુ- લસણની પેસ્ટ ઉમેરીને બરાબર મિક્સ કરી 2 થી 3 મિનિટ સુધી સાંતળો. હવે ટામેટા ની પ્યુરી ઉમેરો બરાબર મિક્સ કરી 5 મિનિટ સુધી થવા દો. હવે બધા મસાલા ઉમેરો બરાબર મિક્સ કરી લો.
૩. 2 મિનિટ બાદ છીણેલું પનીર અને ચીઝ ઉમેરો બરાબર મિક્સ કરી લો. 1/2 કપ પાણી ઉમેરી બરાબર મિક્સ કરી 2 થી 3 મિનિટ સુધી થવા દો.
૪. હવે સમારેલી કોથમીર, કસૂરી મેથી અને 1 ચમચી બટર ઉમેરી બરાબર મિકસ કરી સર્વીંગ બાઉલમાં કાઢી લો અને રોટલી અને સલાડ સાથે સર્વ કરો.
રેસિપી અને ફોટો સૌજન્ય:- ઉર્મી દેસાઈ