ઉત્તર પ્રદેશના રાવતપુર વિસ્તારમાં, એક મૃતકના પરિવારજનોએ તેને કોમા અને જીવિત હોવાનું સમજીને તેનો મૃતદેહ તેમના ઘરમાં રાખ્યો હતો. મૃતકની ઓળખ વિમલેશ દીક્ષિત તરીકે થઈ છે, જે આવકવેરા વિભાગમાં કામ કરતો હતો. મૃતકની પત્નીનું માનવું હતું કે તે કોમામાં છે અને તે દરરોજ તેના પતિના શરીર પર ગંગાજળનો છંટકાવ કરતી હતી. આ ઘટનાની માહિતી ત્યારે સામે આવી જ્યારે પોલીસકર્મીઓ, મેજિસ્ટ્રેટ, આરોગ્ય અધિકારીઓ સાથે મળીને મામલાની તપાસ કરવા વ્યક્તિના ઘરે પહોંચ્યા અને ત્યાં લાશ મળી. મુખ્ય આરોગ્ય અધિકારી ડૉ. આલોક રંજને જણાવ્યું કે વિમલેશ દીક્ષિતનું ગત વર્ષે 22 એપ્રિલે અવસાન થયું હતું પરંતુ પરિવાર અંતિમ સંસ્કાર માટે સહમત નહોતો. કારણ કે, પરિવારનું માનવું હતું કે દીક્ષિત બેભાન છે.
આ મામલામાં સીએમઓએ કહ્યું કે જ્યારે મેડિકલ ટીમ તેમના ઘરે પહોંચી તો પરિવારના સભ્યોએ આગ્રહ કર્યો કે વિમલેશ જીવિત છે અને કોમામાં છે. ઘણા પ્રયત્નો પછી, પરિવારના સભ્યોએ આરોગ્ય ટીમને લાશને લાલા લજપત રાય હોસ્પિટલ લઈ જવાની મંજૂરી આપી. જ્યાં તપાસ કરતાં તેણે વિમલને મૃત જાહેર કર્યો હતો. સીએમઓએ જણાવ્યું હતું કે ડો. એ.પી. ગૌતમ, ડો. આસિફ અને ડો. અવિનાશની બનેલી ત્રણ સભ્યોની ટીમ આ મામલાની તપાસ કરવા અને વહેલામાં વહેલી તકે રિપોર્ટ કરવા માટે બનાવવામાં આવી હતી.
એક અધિકારીએ જણાવ્યું કે વિમલેશની પત્ની દરરોજ સવારે મૃત શરીર પર ગંગાજળ છાંટતી હતી. કારણ કે, તેને આશા હતી કે આમ કરવાથી તે જલ્દી કોમામાંથી બહાર આવી જશે. અધિકારીએ કહ્યું કે પરિવારે તેમના પડોશીઓને પણ કહ્યું હતું કે વિમલેશ કોમામાં છે. એક પાડોશીએ પોલીસને જણાવ્યું કે પરિવારના સભ્યો ઘણીવાર ઓક્સિજન સિલિન્ડર ઘરે લઈ જતા હતા. પોલીસે જણાવ્યું હતું કે લાશ સંપૂર્ણ રીતે સડી ગઈ હતી. એક અધિકારીએ જણાવ્યું કે દીક્ષિતની પત્ની માનસિક રીતે નબળી હોવાનું કહેવાય છે. કાનપુર પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે એક ખાનગી હોસ્પિટલે મૃત્યુ પ્રમાણપત્રમાં જણાવ્યું હતું કે વિમલેશ દીક્ષિતનું 22 એપ્રિલ 2021ના રોજ હાર્ટ એટેકથી મૃત્યુ થયું હતું.