કપલ્સ હનીમૂન પર જવા માંગે છે અથવા વેલેન્ટાઇન ડે સેલિબ્રેટ કરવાનો પ્લાન ગોઢવે છે, તેઓ તેમના પાર્ટનર સાથે સુંદર સ્થળોએ જવા માંગે છે. તાજેતરમાં જ એક્ટ્રેસ મૌની રોય તેના પતિ સાથે હનીમૂન પર કાશ્મીર ગઈ હતી. જો તમે પણ તમારા પાર્ટનર સાથે ફરવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો તમે કાશ્મીર જઈ શકો છો. કાશ્મીરને પૃથ્વી પરનું સ્વર્ગ કહેવામાં આવે છે. તમારા જીવનસાથી સાથે ફરવા માટે ઘણી સુંદર જગ્યાઓ છે. કાશ્મીરની પ્રાકૃતિક સુંદરતા તમને મોહિત કરશે. કાશ્મીરને હનીમૂનનું શ્રેષ્ઠ સ્થળ માનવામાં આવે છે. પણ આ વખતે તમે કાશ્મીર જાવ તો ગુલમર્ગ અવશ્ય જજો. અહીં તમને વિશ્વની સૌથી મોટી ઇગ્લૂ રેસ્ટોરન્ટ જોવા મળશે. તમારા જીવનસાથી ઉપરાંત તમે પરિવાર અને બાળકો સાથે બર્ફીલા રેસ્ટોરન્ટનો આનંદ પણ લઈ શકો છો. આવો જાણીએ દુનિયાની સૌથી મોટી ઈગ્લૂ રેસ્ટોરન્ટ વિશે.
વિશ્વ પ્રસિદ્ધ સ્કી રિસોર્ટ કાશ્મીરના ગુલમર્ગમાં બનેલ છે. આ રિસોર્ટની સુંદરતા જોવા માટે લોકો દૂર-દૂરથી આવે છે. પરંતુ અહીં આવનારાઓને સ્કી રિસોર્ટની સાથે અન્ય આકર્ષક સ્થળ પણ મળી શકશે. ગુલમર્ગના એક સ્થાનિક બિઝનેસમેને પ્રવાસીઓને રોમાંચક અને સુંદર યાદો આપવા માટે ઈગ્લૂ રેસ્ટોરન્ટ બનાવી છે. ગુલમર્ગની આ રેસ્ટોરન્ટ 37.5 ફૂટ ઊંચી અને 44.5 ફૂટ વ્યાસની છે. તે વિશ્વની સૌથી મોટી ઇગ્લૂ રેસ્ટોરન્ટ હોવાનું કહેવાય છે.
ઇગ્લૂ રેસ્ટોરન્ટ 64 દિવસમાં રાત-દિવસ મહેનત કરીને બનાવવામાં આવી છે. આ રેસ્ટોરન્ટ બનાવવા માટે 1700 લોકોને કામ આપવામાં આવ્યું હતું. આ બનાવવાનો શ્રેય સ્નો આર્ટિસ્ટ વસીમ શાહને જાય છે.
વસીમ શાહે ઇગ્લૂ રેસ્ટોરન્ટનો રેકોર્ડ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં દાખલ કરવા માટે પણ અરજી કરી છે. તેમનું માનવું છે કે આ પહેલા વર્ષ 2016માં સ્વિટ્ઝરલેન્ડમાં સૌથી મોટું ઇગ્લૂ બનાવવામાં આવ્યું હતું. તેની ઊંચાઈ 33.8 ફૂટ અને વ્યાસ 42.4 ફૂટ હતો. પરંતુ ગુલમર્ગ સ્થિત ઇગ્લૂની ઊંચાઈ અને વ્યાસ વધુ છે.
ગુલમર્ગની ઇગ્લૂ રેસ્ટોરન્ટમાં 40 લોકો એકસાથે બેસીને ભોજન કરી શકે છે. આ રેસ્ટોરન્ટની વિશેષતા વિશે વાત કરીએ તો, આ સ્થળ હનીમૂન કપલ્સ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. વાસ્તવમાં, દર વર્ષે કપલ્સ લગ્ન પછી તેમના હનીમૂન માટે ગુલમર્ગ આવે છે. તેમને બરફીલા પહાડો અને કુદરતી સૌંદર્ય વચ્ચે ફરવા માટે ઘણા બધા વિકલ્પો મળી શકે છે. ગુલમર્ગ બાયોસ્ફિયર રિઝર્વની જેમ અહીં સ્થિત સ્ટ્રોબેરી ફિલ્ડ અને હવે ઇગ્લૂ રેસ્ટોરન્ટનો પણ આ યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે.