આ દેશમાં અંગ્રેજોના સમયથી ભારતીયો રહે છે, અહીંની ભાષા પણ હિંદી છે, આના વિશે કદાચ તમને પણ નહિ ખ્યાલ હોય.

ajab gajab

વિશ્વના લગભગ દરેક દેશોમાં ભારતીયો રહે છે. અમુક દેશોમાં તો ભારતીયોની વસ્તી એટલી વધુ છે કે નોંધપાત્ર થઇ ગઈ છે. આવો જ એક દેશ દક્ષિણ પ્રશાંત મહાસાગરના મેલાનેશિયામાં આવેલો છે જ્યાંની કુલ જનસંખ્યાના 37 ટકા જેટલા લોકો ભારતીયો છે અને તેઓ સેંકડો વર્ષોથી ત્યાં વસવાટ કરી રહ્યા છે અને આ જ કારણ છે કે એ દેશની રાજયની ભાષામાં પણ હિંદીનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ દેશનું નામ ‘ફીજી’ છે પણ ભારતીયો માટે તે ‘મીની ભારત’ જ છે. આ દેશમાં ભરપૂર પ્રમાણમાં લીલા જંગલ, ખનીજ અને પાણી જેવી કુદરતી ભેટો છે. અને આ કારણે જ ફિજીને એક સધ્ધર દેશ તરીકે માનવામાં આવે છે. અહીંની આર્થિક અર્થવ્યવસ્થાનું મુખ્ય આધાર પ્રવાસન અને ખાંડની નિકાસ છે. અનેક કુદરતી ટ્રાવેલ ડેસ્ટિનેશનના કારણે ફીજી પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે.

બ્રિટને વર્ષ 1874 માં આ દેશને નિયંત્રણમાં લઇ તેને પોતાની વસાહત બનાવી લીધો હતો અને હજારો ભારતીયોને અહીં શેરડીના ખેતરોમાં કામ કરવા માટે લાવી તેમને પાંચ વર્ષ સુધી કામ કરવાના કોન્ટ્રાકટ પેટે રાખ્યા હતા. અને સાથે એ શરત પણ રાખી હતી કે જો તેઓ પાંચ વર્ષ કામ પૂરું કરીલે પછી તેઓ જઈ શકે છે પરંતુ જવાનો ખર્ચ અમે નહિ આપીએ, પરંતુ જો તેઓ વધુ પાંચ વર્ષ માટે કામ કરે તો તેને બ્રિટિશ દરિયાઈ જહાજો દ્વારા ભારત મોકલી આપવામાં આવશે. એ સમયે મોટાભાગના ભારતીય મજૂરોએ કામ કરવાના વિકલ્પને પસંદ કર્યો હતો અને પછી તેઓ ભારત ન આવી શક્યા અને ફીજીના જ રહેવાસી બની ગયા. જો કે 1920 થી 1930 માં હજારો ભારતીયો પણ અહીં સ્વેચ્છાએ રહેવા આવી ગયા હતા.

ફીજી અસલમાં ટાપુઓનો એક સમૂહ છે જેમાં લગભગ 322 જેટલા ટાપુઓ છે. આ પૈકી લગભગ 106 ટાપુઓમાં જ માનવવસ્તી રહે છે. અહીંના બે મોટા ટાપુઓ વીતી લેવુ અને વનુઆ લેવુ છે જ્યાં દેશની 87 ટકા જેટલી પ્રજા વસવાટ કરે છે. કહેવાય છે કે ફીજીના મોટાભાગના ટાપુઓ 15 કરોડ વર્ષ પહેલા થયેલા જ્વાળામુખી વિસ્ફોટના કારણે બન્યા હતા. અને હાલમાં પણ અહીં એવા કેટલાય ટાપુઓ છે જ્યાં જ્વાળામુખી વિસ્ફોટ થયા કરે છે.

અહીં ભારતીયોની સંખ્યા વધુ હોવાને કારણે અનેક હિન્દૂ મંદિરો પણ આવેલા છે. અહીંનું સૌથી મોટું મંદિર નાદી શહેરમાં છે અને અહીંના ભારતીયો ભારતની જેમ જ અહીં પણ રામનવમી, હોળી અને દિવાળી જેવા તહેવારો ઉજવે છે. ફિજીમાં આવેલા ટાપુઓના ખોદકાર્ય દરમિયાન એવું પણ જાણવા મળ્યું હતું કે 1000 ઈસા પૂર્વે પણ ફિજીમાં લોકો રહેતા હતા. જો કે તેના વિષે કોઈ ખાસ માહિતી ઉપલબ્ધ નથી. કહેવાય છે કે પ્રાચીન ફિજીમાં રહેતા લોકો નરભક્ષી હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *