રાજકોટના યુવાને આપ્યું અનોખી રીતે લગ્નનું આમંત્રણ, અખબાર જેવી કંકોત્રી, ગામઠી સ્ટાઇલમાં પ્રિ-વેડિંગ….

Life Style

આગામી 5 ફેબ્રુઆરીના રોજ વસંતપંચમીનો દિવસ છે અને આ દિવસે લગ્ન માટે વણજોયા મુહૂર્ત હોવાનું માનવામાં આવી રહ્યું છે. 5 ફેબ્રુઆરીના રોજ રાજકોટમાં ખાંડેખા પરિવારને આંગણે અનોખા લગ્ન યોજાવા જઇ રહ્યા છે. જય ખાંડેખા નામના યુવાનના લગ્નની કંકોત્રી અખબાર જેવી બનાવી છે.

તો ગામઠી સ્ટાઇલમાં પ્રિ-વેડિંગ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. તેમજ ચોરીના ચાર ફેરા ફરવા સમયે અનોખો સંકલ્પ કરવા નક્કી કર્યું છે. જેમાં કોરોનામાં અવસાન પામેલા માતા-પિતા વિનાની 21 દીકરીઓના લગ્ન કરાવવા માટે સંકલ્પ કરવા નિર્ણય કરવામાં આવ્યો છે. ગુજરાત આહિર સમાજના અગ્રણી નાથાભાઈનાં પૌત્ર અને મેહુલભાઈના પુત્ર જય ખાંડેખાના લગ્ન રાજકોટના નાગાજણભાઈ સવસેરાની પુત્રી સોનલ સાથે આગામી તારીખ 5 ફેબ્રુઆરીના રોજ વસંત પંચમીનાં દિવસે યોજાવાના છે.

આ લગ્ન કંઇક અનોખા લગ્ન એટલા માટે છે કારણ કે, જય બોરીચાના પિતા મેહુલભાઇએ જયના લગ્નની અનોખી કંકોત્રી તૈયાર કરી છે. જે રીતે સવારે લોકો ચા સાથે અખબારનું વાંચન કરતા હોય તે રીતે કંકોત્રી આખી અખબાર સ્ટાઇલથી તૈયાર કરવામાં આવી છે. 6 પેઇજની કંકોત્રીમાં લગ્ન સમારોહની રૂપરેખા સાથે ગામઠી સ્ટાઇલમાં પ્રિ-વેડિંગના ફોટો તેમજ યુવાનોને શીખ, વાર્તા અને સમાજલક્ષી ગુલાબદાન બારોટની લખેલી કવિતા મૂકવામાં આવી છે.

તેમજ આહિર સમાજની પરંપરા અને ઇતિહાસ પણ કંકોત્રીમાં કંડારવામાં આવ્યો છે. કંકોત્રીમાં આહિર સમાજની સંસ્કૃતિને લગતો લેખ આલેખવામાં આવ્યો છે. તેમજ દેશના વડાપ્રધાનના ન્યૂઝ પણ મૂકવામાં આવ્યા છે. આ સિવાય લગ્નના મહત્વનો અહેવાલ પણ મૂકવામાં આવ્યો છે. છેલ્લા કેટલાક સમયથી લગ્ન પહેલા પ્રિ-વેડીંગ શૂટ કરવા માટેનો ક્રેઝ જોવા મળી રહ્યો છે.

જેમાં મોટાભાગે લોકો દરિયાકિનારે દીવ, દમણ, શિવરાજપુર, માંડવી સહિતના લોકેશન પસંદ કરતા હોય છે. પરંતુ આ નવયુગલ જય અને સોનલ દ્વારા પોતાના આહિર સમાજના પહેરવેશ મુજબ ગામઠી સ્ટાઈલમાં પ્રિ-વેડિંગ ગામડાની અંદર કરવામાં આવ્યું છે. આ પ્રિવેડિંગ ફોટા કંકોત્રીમાં મૂકવામાં આવ્યા છે.

કંકોત્રીની છઠ્ઠા પાને લગ્નના સાત ફેરા અને તેનું મહત્વ તસવીરો સાથે દર્શાવાયું છે. નવયુગલ જય અને સોનલે એકસાથે એવો સંકલ્પ કર્યો છે કે, જે દીકરીઓના માતા-પિતાનું કોરોનમાં અવસાન થયું હોય તેવી 21 દીકરીઓને તમામ પ્રકારના કરિયાવર સાથે લગ્ન કરાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે જયના પિતા મેહુલભાઈ ખાંડેખા જેમાડી ગ્રુપથી રાજકોટમાં જાણિતા છે અને તેઓ અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે.

Leave a Reply

Your email address will not be published.