ઊંટ ગાડીમાં પાણીના ફેરા મારતા વ્યક્તિના દિકરાએ કર્યું બાપનું નામ રોશન, જાણો સાચી કહાની…

Story

રાજસ્થાનમાં રાસવીર નામનું એક નાનું ગામ છે. આ ગામમાં રહેતા અને ઊંટ ગાડીમાં પાણીના ફેરા કરીને પરિવારનું ગુજરાન ચલાવતા રામધનભાઈનો નાનો દીકરો પ્રેમસુખ 6 વર્ષનો થયો એટલે ગામની સરકારી શાળામાં ભણવા માટે બેસાડ્યો. પરિવારની પરિસ્થિતિ બહુ નબળી એટલે પ્રેમસુખને ભણવા ઉપરાંત આટલી નાની ઉંમરે બીજા કામ પણ કરવાના.

શાળાએથી આવીને પ્રેમસુખ ઢોર ચરાવવા માટે જાય. બીજા છોકરાઓ પણ ઢોર ચરાવવા જતા હશે પણ બીજા છોકરા કરતા પ્રેમસુખ જરા જુદો હતો. ઢોર ચરાવવા જાય પણ સાથે ચોપડી લઇ જાય. ઢોર ચરતા હોય અને પ્રેમસુખ સાથે લઈ ગયેલી ચોપડી વાંચતો હોય. ગામડાનો વિદ્યાર્થી થોડું ભણીને અભ્યાસ છોડી દે અને કામે વળગી જાય પણ પ્રેમસુખે કામ કરતા કરતા 10માં ધોરણ સુધીનો અભ્યાસ પૂરો કર્યો.

આગળ ભણાવાની ઈચ્છા હતી પણ આગળના અભ્યાસ માટે હવે જિલ્લા મથકે બિકાનેર જવું પડે અને પરિવારની પરિસ્થિતિ જોતા એ શક્ય નહોતું. દીકરાની ભણવાની ઈચ્છા જાણીને માતા-પિતાએ નક્કી કર્યું કે આપણે વધુ કામ કરશું પણ દીકરાને ભણાવવો છે. પ્રેમસુખ આગળના અભ્યાસ માટે બિકાનેર આવ્યો. શહેરી જીવનનો ઝાકઝમાળ અને ઠાઠમાઠ વાળું હોય પણ પ્રેમસુખને પરિવારની સ્થિતિ ખબર હતી.

બિકાનેરના અભ્યાસ દરમ્યાન ખર્ચમાં બચત થાય એટલે પ્રેમસુખ પોતાની જાતે જ રસોઈ બનાવીને જમી લેતો. જ્યાં રહેતો ત્યાંથી શાળા અને પછી કોલેજ બંને ઘણું દૂર થતું. બાઇક તો એકબાજુ રહ્યું પણ શાળાએ જવા સાયકલ પણ નહોતી એટલે પ્રેમસુખ ચાલીને શાળા-કોલેજ જતો.

ગામડાના સામાન્ય પરિવારના આ છોકરાએ એક અસામાન્ય કારકિર્દીનું સપનું જોયું. ભારત દેશની સૌથી કઠિન ગણાતી યુપીએસસીની પરીક્ષા આપીને ઉચ્ચ અધિકારી અધિકારી બનવાનું સપનું. જેણે જેણે પ્રેમસુખની આ વાત સાંભળી હશે એ કદાચ એના પર હસ્યા હશે પરંતુ આ છોકરાએ બીજા પોતાના વિશે શુ વિચારે છે એને બાજુએ રાખીને પોતાએ શુ કરવાનું છે એના પર ધ્યાન કેન્દ્રિત કર્યું.

ગામડામાં ઢોર ચારવા જતા પ્રેમસુખે પ્રચંડ પુરુષાર્થના બળે ભારતની સૌથી અઘરી ગણાતી યુપીએસસીની પરીક્ષા પાસ કરી એટલું જ નહીં પણ લાખો વિદ્યાર્થીઓમાંથી 170મો રેન્ક હાંસલ કરીને આઈ.પી.એસ. કેડર મેળવી. પ્રેમસુખ ડેલુ સાહેબને આપણા ગુજરાતમાં જ પોસ્ટિંગ મળ્યું.

જગતમાં કશું જ અશક્ય નથી. ફરિયાદો કરવાને બદલે હિંમત હાર્યા વગર અવિરત મહેનત કરતા રહેશો તો નસીબ અવશ્ય સાથ આપશે અને સફળતાનાં શિખર સુધી લઈ જશે.

લેખક:- શૈલેષ સગપરીયા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *