ઘરની સફાઈ કાલે કરી હતી, આજે ફરી કરવા જઇ રહી છું એટલે કે, દરરોજ રૂમ, રસોડું, લિવિંગ રૂમ અને બાલ્કની નિયમિતપણે સાફ કરવામાં આવે છે. નિયમિત ઘરની સફાઈ કરીને ઘણા રોગો સરળતાથી દૂર રાખી શકાય છે. તમે આ વાક્ય અને આ લાઈન કયારેક ને ક્યારેક જરૂર સાંભળી હશે. લગભગ ઘરની સફાઇને લઈને પુરુષો અને મહિલાઓ સતર્ક રહે છે અને નિયમિત સમયે ઘરની સાફસફાઈ કરે છે અને કરવી પણ જોઈએ. આનાથી ઘણા રોગો આવતા અટકાવી શકાય છે.
પરંતુ, 24 કલાકની અંદર 10 થી 12 લિટર પાણીનો ઉપયોગ આપણે પીવા માટે, ખોરાક બનાવવા અને અન્ય જરૂરિયાત મુજબ કરીએ છીએ પણ એ પાણી જે ટાંકામાં ભરવામાં આવે છે તેની સફાઈ આપણે કરીએ છીએ ? એવા બહુ જ ઓછા લોકો હશે જે પાણીના ટાંકાની સફાઈ નિયમિતપણે કરતા હશે. અને ઘણા એવા લોકો પણ હશે જેમને ખબર જ નથી કે પાણીના ટાંકાની સફાઈ કેવી રીતે કરવી. જો તમે પણ પાણીની ટાંકીને સાફ કરવા જઇ રહ્યા છો, તો આ સફાઇ ટિપ્સની મદદથી, તમે પાણીની ટાંકીને વધુ સારી અને સરળ રીતે સાફ કરી શકો છો. તો ચાલો જાણીએ.
સહુથી પહેલા પાણીની સપ્લાય બંધ કરો
પાણીની ટાંકીને સાફ કરવા માટે, સૌથી જરૂરી અને મહત્વપૂર્ણ કામ છે કે પાણીની સપ્લાય બંધ કરવી. સપ્લાય બંધ કર્યા પછી, ટાંકીમાં રહેલા પાણીને અન્ય વાસણમાં અથવા અન્ય કોઈ ટાંકીમાં ભરી રાખો. ટાંકીમાંથી પાણી કાઢ્યા પછી, ટાંકીના તળિયે રહેલું પાણી કપડાથી સાફ કરીને કાઢી નાખો. જ્યાં સુધી ટાંકીમાં પાણી હશે ત્યાં સુધી તમે ટાંકીને બરાબર સાફ કરી શકશો નહીં.
એસિડનો ઉપયોગ કરો
જો લાંબા સમય સુધી ટાંકી સાફ ન કરવામાં આવે તો, ટાંકીના તળિયે માટીની પરત જામી જાય છે. આવી સ્થિતિમાં, તમે માટીની પરતને સાફ કરવા માટે ફટકડીનો ઉપયોગ કરી શકો છો. તમે ફટકડીને બદલે એસિડનો ઉપયોગ કરીને પણ તેને સાફ કરી શકો છો. આ માટે, હળવા પાણીમાં એસિડ ઉમેરીને તેનું મિશ્રણ તૈયાર કરો અને તેને ટાંકીમાં નાખીને થોડી વાર માટે એમજ છોડી દો. આ મિશ્રણ માટીના સ્તરને સરળતાથી દૂર કરે છે. ત્યારબાદ તેમાં પાણી ઉમેરીને સારી રીતે સાફ કરો. (એસિડ અનેક પ્રકારના મળે છે પણ આપણે મનુષ્યને નુકસાન ન કરે તેવું એસિડ લેવાનું છે.)
બ્લીચિંગ પાવડર પણ છે ઉપયોગી
કદાચ તમે બ્લીચિંગ પાવડરથી પાણીને સાફ કરવાનું કે પાણીના ટાંકામાં હાજર કોઈપણ નુકસાનકારક પદાર્થોને દૂર કરવા વિશે જરૂર સાંભળ્યું હશે. જો નહીં, તો તમારી માહિતી માટે તમને જણાવી દઈએ કે બ્લીચિંગ પાવડરની મદદથી પાણીની ટાંકી અને તેમાં રહેલા પાણીને પણ સાફ કરી શકાય છે. બ્લીચિંગ પાવડરથી તમે ટાંકીમાંથી પાણી કાઢ્યા વિના પણ પાણી સાફ કરી શકો છો. આ માટે, તમે સો લિટર પાણીની ટાંકીમાં બ્લીચિંગ પાવડરના ત્રણથી ચાર ચમચી નાખી દો. તેનાથી પાણીમાં રહેલી તમામ ગંદકી ટાંકામાં તળિયે બેસી જશે.
બાળકની મદદ લ્યો
સામાન્ય રીતે કોઈ મોટી વ્યક્તિ પાણીની ટાંકીમાં પ્રવેશી શકતી નથી, તેથી ટાંકાની સફાઈ યોગ્ય રીતે થઇ શકતી નથી. આવી સ્થિતિમાં, તમે ઘરમાં હાજર નાના બાળકની મદદથી ટાંકી સાફ કરી શકો છો. આ માટે, તમે પહેલાથી ટાંકીમાં બેકિંગ સોડા, ફટકડી અથવા વિનેગર વગેરે મૂકી દો અને બાળકને કપડાની મદદથી બધી જગ્યાએ એક કે બે વાર સાફ કરવા કહો. સફાઈ કર્યા પછી, ટાંકીને થોડી વાર માટે તડકામાં સુકાઈ જવા દો.
આ સિવાય, તમે પાણીની તીવ્ર પિચકારી મારીને ટાંકીના તળિયે બેસી ગયેલા માટી કે અન્ય કોઈ પણ કચરાને સરળતાથી દૂર કરી શકો છો.
જો તમને આ આર્ટિકલ ગમ્યો હોય તો શેયર જરૂર કરજો અને આવા જ સારા આર્ટિકલ વાંચવા માટે ફેસબુકમાં આપણું પેજ “Gujarat – ગુજરાત” ને લાઈક જરૂર કરજો. અને તમારી પાસે પણ આવી કોઈ ઉપયોગી માહિતી હોય અથવા તમારા દ્વારા લખાયેલી કોઈ વાર્તા કે આર્ટિકલ હોય અને તમે લોકો સુધી પહોંચાડવા માંગતા હોવ તો અમને Email કરો, આપણી Email ID છે:- Gujaratexpress100@gmail.com અમે તમારો આર્ટિકલ તમારા નામ સાથે આપણી વેબસાઈટ પર પ્રકાશિત કરીશુ. આ આર્ટિકલ વાંચવા માટે આપનો આભાર. જય ભારત – જય જય ગરવી ગુજરાત.