જાણો કોણ છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ, કેવી રીતે કરે છે હવામાનની આગાહી…

Story

શિયાળો ઉનાળો કે ચોમાસુ એક નામ હંમેશા સામે આવતું હોય છે એ છે આંબાલાલ પટેલ. આ નામ તમે ન્યૂઝ ચેનલ અને સોશિઅલ મીડિયા માં ઘણી વખત જોયું અને સાંભળ્યું હશે પણ તેમના વિષે વધુ માહિતી આજે આ લેખ દ્વારા જણાવીએ છીએ તે કેવી રીતે હવામાન નિષ્ણાત બન્યા? તેણે શું અભ્યાસ કર્યો છે? પેહલી આગાહી ક્યારે કરી હતી?

આંબાલાલ પટેલ નો જન્મ પહેલી સપ્ટેમ્બર, 1947ના અમદાવાદ જિલ્લાના રુદાટલમાં ખેડૂત પરિવાર દામોદરદાસ પટેલને ત્યાં થયો હતો. આંબાલાલ પટેલે આણંદમાં બી.એસ. કૉલેજ ઑફ એગ્રીકલ્ચર માંથી એગ્રીકલ્ચરમાં બીએસસી કર્યું છે. ત્યાર બાદ 1972માં ગુજરાત સરકારમાં બીજ પ્રમાણન એજન્સી અમદાવાદ ખાતે બીજ એગ્રીકલ્ચર સુપરવાઈઝર તરીકે જોડાયા હતા.

જે બાદમાં ઉત્તરોતર એગ્રીકલ્ચર ઓફિસની બઢતી મેળવી હતી. તેમણે મદદનીશ ખેતી નિયામક તરીકે ફરજ બજાવી છે. બીજ સુપરવાઈઝર ઉપરાંત સેક્ટર 15 ખેતીવાડી લેબોરેટરી ગુણવત્તા નિયંત્રણ કચેરી તેમજ જમીન ચકાસણી જૈવિક નિયંત્રણ કચેરી ખાતે ફરજ બજાવીને તેઓ સપ્ટેમ્બર 2005માં નિવૃત થયા છે.

કેવી રીતે હવામાન નિષ્ણાત બન્યા?
આંબાલાલ પટેલ એગ્રીકલ્ચર સાથે સાથે જ્યોતિષ વિષયમાં રસ ધરાવે છે. તેઓ ખેડૂતો સાથે મુલાકાત કરતા ત્યારે કૃષિ પાકને લઈને ચર્ચા કરતા હતા. સારા પાક માટે વરસાદની ખાસ જરૂરિયાત હોય છે. કૃષિ પાક અને વરસાદની ચર્ચા થતી ત્યારે આંબાલાલ પટેલને વિચાર આવ્યો કે હવામાન કેવું રહેશે અને વરસાદ ક્યારે પડશે તેની માહિતી અગાઉથી મળી જાય તો ખેડૂતોની મદદ થઈ શકે.

ત્યાર બાદ તેઓેએ જ્યોતિષ શાસ્ત્રોનો અભ્યાસ કરવાનું શરૂ કર્યું. વરસાદનો વરતારો, મેઘમહોદય ગ્રંથ, વારાહી સંહિતા વગેરે ગ્રંથોમાંથી જ્યોતિષ દ્રષ્ટિએ હવામાન અંગેનું ભવિષ્ય કથન કેમ કરવું તેનું જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું.

આંબાલાલ દામોદરદાસ પટેલે હવામાનને લઈ 1980માં પહેલી આગાહી કરી હતી. ત્યારથી લઈ અત્યાર સુધી તમામ ઋતુની આગાહી કરતા આવ્યા છે. તેઓ ઠંડી, ગરમી, વરસાદ અને વાતાવરણમાં ક્યારે બદલાવ આવશે તેની આગાહી અગાઉથી કરી દે છે. સાથે જ્યોતિષ માસિક, પંચાંગ, દૈનિક, સાપ્તાહિક, વગેરેમાં લેખો લખવાનું શરૂ કર્યું હતું.

ભૂકંપની આગાહી બદલ ધરપકડ:
તેમણે ખેડૂતોને કૃષિ પાક માટે મદદની ભાવનાથી હવામાનની આગાહી કરવાનું શરૂ કર્યું હતું. પરંતુ હવામાનની આગાહી સાથે સાથે ભૂકંપની આગાહી પણ કરી હતી. એ સમયે કેશુભાઈ પટેલની સરકાર હતી.આંબાલાલ પટેલની ભૂકંપની અગાહીને લઈ સરકાર દોડતી થઈ ગઈ હતી અને આંબાલાલપટેલની ધરપકડ કરવા આદેશ આપવામાં આવ્યા હતા. જે બાદમાં આંબાલાલ પટેલની ધરપકડ કરવામાં આવી હતી.

આંબાલાલ પટેલને અનેક એવોર્ડ અને સન્માનપત્ર પણ મળ્યા છે. ઇન્ટરનેશનલ જયોતિષ સંસ્થા, સરદાર પટેલ કૃષિ સેવા સંસ્થા, ઇન્ટરનેશનલ એવોર્ડ ફોર એસ્ટ્રોલોજી તેમજ અનેક એવોર્ડ પ્રાપ્ત કર્યા છે. આંબાલાલ પટેલ પાસેથી સરકાર પણ હવામાનને લઈ માર્ગદશન મેળવતું રહ્યું છે.

આંબાલાલ પટેલનો પરિવાર:
આંબાલાલ પટેલના પરિવારમાં પત્ની, બે પુત્ર અને એક પુત્રી છે. તેમનો પુત્ર રાજેન્દ્ર પટેલ ડોકટર છે અને અમેરિકામાં કેન્સર વિભાગમાં સેવા આપી છે. હાલ રાજેન્દ્ર પટેલ ધ્રાંગધ્રામાં બાળકોની હોસ્પિટલ ધરાવે છે. બીજો દીકરો સતિષ પટેલ આઇટીમાં અભ્યાસ કરીને ઓસ્ટ્રેલિયામાં બિઝનેસ કરે છે. પુત્રી અલ્કા પટેલ પણ ડૉકટર છે, તેણી બારડોલીમાં સરકારી દવાખાનામાં ફરજ બજાવે છે. આંબાલાલ પટેલનો એગ્રીકલ્ચર સાથે જ્યોતિષ વિષયના શોખને કારણે આંબાલાલ પટેલને હવામાન નિષ્ણાત તરીકે ઓળખ મળી છે.

Leave a Reply

Your email address will not be published.