અમિતાભ બચ્ચન, શાહરુખ ખાન, સલમાન ખાન, આમિર ખાન કે અક્ષયકુમારને મળવાનું કરોડો ભારતીયોનું સપનું હોય છે, પણ આ સુપર સ્ટાર્સ સાથે એક ગુજરાતી બિઝનેસમૅનનો ઘરોબો છે. હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના લગભગ દરેક પ્રોડ્યુસર્સ-ડિરેક્ટર્સે તેમની ફિલ્મની રિલીઝ વખતે આ બિઝનેસમૅનને મળવું જ પડે છે. કોઈ પાર્ટીમાં કે ઍવોર્ડ શૉમાં સુપર સ્ટાર્સ કે પ્રોડ્યુસર્સ ડિરેક્ટર્સ આ બિઝનેસમૅન સામે આવી જાય ત્યારે ઉમળકાભેર ભેટે છે. એવી જ રીતે કૉપોરેટ કંપનીઝના માંધાતાઓ પણ આ બિઝનેસમૅનને વ્યક્તિગત રીતે ઓળખે છે.
આ બિઝનેસમૅન પાર્ટી યોજે એમાં અત્યંત જાણીતા અને પાવરફુલ ચહેરાઓ જોવા મળે છે. પણ એક સમય એવો હતો કે આ માણસના ખિસ્સામાં પચાસ-સો રૂપિયા પણ ન હતા. તેણે કારમી ગરીબી જોઈ છે, પણ વિકટ સંજોગો સામે હિંમત હાર્યા વિના તેણે પોતાનું આર્થિક સામ્રાજ્ય ઊભું કર્યું છે. એક સમયે ન્યૂઝ પેપર્સ, ફટાકડા અને માચીસ વેચીને કુટુંબને મદદરૂપ થતો આ માણસ અત્યારે મુંબઈમાં આઉટડોર પબ્લિસિટીનો બાદશાહ ગણાય છે અને તેની કંપનીનું ટર્નઓવર ૧૦૦ કરોડ રૂપિયાને પણ પાર થઈ ગયું છે..
વાત છે બ્રાઇટ આઉટડોર મીડિયા પ્રાઇવેટ લિમિટેડના ચૅરમૅન અને મૅનેજિંગ ડિરેક્ટર યોગેશ લાખાણીની. યોગેશ લાખાણીની બ્રાઇટ કંપની ૯૦ ટકા બૉલીવુડ ફિલ્મો અને ઇવેન્ટ્સ કવર કરે છે અને આ કંપની પાસે ૬૦૦ જેટલા પાવરફુલ ક્લાયન્ટ્સ છે. કૉલગેટ અને કોકાકોલાથી માંડીને અમૂલ, મૅકડોનલ્ડ્સ, પેપ્સી, એચડીએફસી, એલઆઈસી અને રિલાયન્સ જેવી તોતિંગ બ્રાન્ડ્સ એમની પ્રોડક્ટ્સને પ્રમોટ કરવા માટે યોગેશ લાખાણીની કંપનીની સર્વિસ લે છે. શૂન્યમાંથી યોગેશ લાખાણીના જીવનમાં એટલા ચડાવ-ઉતાર આવ્યા છે કે એના પરથી એક ફિલ્મ બની શકે.
શૂન્યમાંથી સર્જન કરનારા યોગેશભાઈ જ્યારે પાંચમા ધોરણમાં ભણતા હતા ત્યારે બોરીવલી સ્ટેશન પર એક-એક રૂપિયામાં પેપર વેચતા હતા. એક વાર તેમના પિતાજીની તબિયત ખૂબ જ ખરાબ થઈ ગઈ. તેમને હૉસ્પિટલમાં ઍડમિટ કરવા માટે ૧૦૦ રૂપિયા ભરવાના હતા, પણ તેમની પાસે પૂરતા પૈસા નહોતા. એ દિવસે તેઓ પોતાની જાતને ખૂબ જ લાચાર મહેસૂસ કરી હતી. ત્યારથી તેમને મનમાં ગાંઠ વાળી કે બસ, મારે પૈસા કમાવા છે જેથી ભવિષ્યમાં મારું કોઈ આત્મીયજન બીમાર પડે તો તેનો ઇલાજ હું કરાવી શકું.
ત્યારથી તેઓ અલગ-અલગ કામ કરવા માંડ્યો. છઠ્ઠા ધોરણમાં હતા ત્યારે તેઓ ફટાકડા, માચીસ, પેપર વેચી વેચી ને મહિને ૧૦૦ રૂપિયા કમાતા. તેઓ એસએસસીમાં હતા ત્યારે કાકાને ત્યાં કામ પર લાગ્યા. ફિલ્મોની સ્લાઇડ બનાવવાનું કામ તેમને ત્યાં કરતા. થોડો સમય તેમને ત્યાં કામ કર્યા બાદ તેમને ૧૯૮૦માં પોતાનો ધંધો ‘બ્રાઇટ આઉટડોર’ના નામે શરૂ કર્યો. બૅનર લગાડવાં, સિનેમા સ્લાઇડ લગાડવી, રેલવે બોર્ડ્સ લગાડવાં જેવાં કામ કરતા. આખી આખી રાત મુંબઈનાં સબર્બ સ્ટેશનો પર સિનેમા બોર્ડ લગાડતા રહેતા. બોરીવલીમાં એક નાનકડી રૂમ અને એક માણસના ‘સ્ટાફ’થી તેમને કામની શરૂઆત કરી હતી. દિવસ-રાત મહેનત કરીને મુંબઈનાં મુખ્ય સ્ટેશનો પર તેઓએ હોર્ડિંગ્સની મોનોપોલી કરી લીધી હતી.
યોગેશભાઈએ ૧૯૯૫ સુધીમાં ૨૦૦ જેટલાં હોર્ડિંગ્સ પર પકડ જમાવી લીધી હતી. ત્યાર બાદ રસ્તાઓ પર હોર્ડિંગ લગાવવાની શરૂઆત કરી અને સાથોસાથ બોરીવલીમાં મોટી ઑફિસ પણ ખરીદી. જોકે ૧૯૯૦માં વિનસની ફિલ્મ ‘પ્યાર કિયા તો ડરના ક્યા’ દ્વારા હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પદાર્પણ કર્યું. બસ, પછી તો તેઓએ પાછું વાળીને જોયું જ નથી. ત્યાર બાદ જે પણ ફિલ્મ રિલીઝ થાય એનું હોર્ડિંગ બ્રાઇટ પર હોય, હોય ને હોય જ. સલમાન ખાન, શાહરુખ ખાન, હ્રતિક રોશન, અભિષેક બચ્ચન, શાહિદ કપૂર, રણબીર કપૂર, રણવીર સિંહ, આલિયા ભટ્ટ જેવા અનેક સુપરસ્ટાર્સની કેરીઅરની પહેલી ફિલ્મનાં હોર્ડિંગ્સ ‘બ્રાઇટ’ પર જ લાગ્યાં છે. બધા સાથે તેમના બિઝનેસ રિલેશન ઉપરાંત ફ્રેન્ડશીપ પણ છે એટલે જ માત્ર એક ફોનકૉલથી એ બધા યોગેશભાઇ ની પાર્ટીમાં હાજર થઈ જાય છે. યોગેશભાઇ કહે છે “પૈસા તો ઘણા કમાય છે; પણ હું બધાનું દિલ જીતીને, બધાને ખુશ કરીને, બધા સાથે હળીમળીને પૈસા કમાયો છું.”
યોગેશ લાખાણીની બર્થ-ડે પાર્ટી મુંબઈમાં ફેમસ છે. બૉલીવુડમાં યોગેશભાઈની પાર્ટી માટે ખાસ ચર્ચા થતી હોય છે, કારણ કે તેમની બર્થ-ડે પાર્ટીમાં બૉલીવુડનાં પચાસેક હીરો-હિરોઇન તો હોય જ. એમાં શાહરુખ અને સલમાન ખાન ચીફ ગેસ્ટ હોય. તેમની હાજરીમાં યોગેશભાઈ કેક કાપીને બર્થ ડે ઊજવે છે. યોગેશભાઈ કહે છે, ‘બીજા બધાનાં અવૉર્ડસ-ફંક્શનમાં ખાલી અવૉર્ડ્સ જ હોય; જ્યારે મારા અવૉર્ડ્સ-ફંકશનમાં અવૉર્ડ્સની સાથે ડિનર, કૉકટેઇલ, સ્ટાર્સ સાથેનું મિલન, ફન, સંગીત, ઑર્કેસ્ટ્રા.. બધું જ હોય.’ યોગેશભાઈ કહે છે, ‘આજે મને ઘણા લોકો ફોન કરીને કહે છે કે વેકેશનમાં મારા દીકરાને ધંધો કેવી રીતે કરવો એ શીખવાડો! ત્યારે હું એ જ કહું છું કે કોઈના શીખવવાથી ધંધાની સૂઝ નથી આવતી; પોતાની મહેનતે, ઉતાર-ચડાવમાંથી પસાર થઈને ધંધાની સૂઝ આવે છે. મેં પણ જ્યારે ધંધો શરૂ કર્યો ત્યારે મને કોઈ અનુભવ નહોતો. આપણને જે સારું લાગે એ કામ કરતા જઈએ. પ્લસ-માઇનસ પૉઇન્ટ સમજીએ. ક્લાયન્ટની જરૂરિયાતો સમજીએ. બિઝનેસમાં મારા સંઘર્ષની વાત કરુંતો, હું દિવસના ૧૫કલાક કામ કરતો હતો. ૩૬૫ દિવસમાંથી ૧૦૦ આખી-આખી રાતો હું જાગીને કામ કરતો હતો. વર્ષમાં ૫૦-૧૦૦ દિવસ જમવાનો ટાઇમ નહોતો મળતો.
યોગેશભાઈ પરિવારને સમય આપવા બાબત કહે છે, ‘સવારે એક કલાક અને રાતે એક કલાક. અને દર ત્રણ મહિને પત્ની સાથે એક ફૉરેન ટૂર પર જાઉં છું. દર રવિવારે મા-બાપ સાથે ડિનર પર જાઉં છું. મારી જિંદગી ગાડીનાં ચાર પૈડાં જેવી છે. હું ઑફિસ,ઘર, પ્રોફેશનલ રિલેશન, ધાર્મિક કામ…આ બધાને બૅલૅન્સ કરીને જિંદગી જીવું છું. મારું ટાઇમ મૅનેજમેન્ટ બહુ જ પર્ફેક્ટ હોય છે એટલે જ હું બધાં કામ હૅન્ડલ કરી શકું છું.’ એક સમયે ધામધૂમથી જન્મદિન મનાવવાનો વિચાર સપનેય ન કરી શકનારા યોગેશભાઈ છેલ્લા કેટલાક વર્ષોથી ગ્રૅન્ડ બર્થ-ડે ઊજવે છે. જોકે હવે એમાં થોડો ફેરફાર થયો છે. યોગેશભાઈ કહે છે, ‘મારા ઘરે ૨૨ વર્ષે દીકરાનો જન્મ થયો છે. મારા જીવનની સૌથી યાદગાર પળને હું સેલિબ્રેટ કરવા માગું છું. તેનો જન્મદિવસ જાન્યુઆરીમાં આવે છે. છેલ્લાં બે વર્ષથી હું મારો જન્મદિવસ અનાથાશ્રમમાં બાળકોને જમાડીને મનાવું છું અને મારા દીકરાનો બર્થ-ડે ધામધૂમથી મનાવું છું, જેમાં બધી સેલિબ્રિટીઝ આવે છે. માણસે પહેલાં પૈસા કમાવા હોય, પછી નામ કમાવું હોય અને ત્યાર બાદ એ નામને ટકાવી રાખવા માટે દોડતા રહેવાનું હોય.
આ બાબતે યોગેશભાઈ કહે છે, ‘નામ તો બધા કમાઈ લે. એક વાર ધગશથી તમે ટૉપ પર તો પહોંચી જાઓ, પણ એ નામને ટકાવી રાખવા માટે તનતોડ મહેનત કરવી પડે છે. જોકે ટોચ પર પહોંચ્યા બાદ એ સ્થાન પર ટકી રહેવું એના કરતાં પણ મુશ્કેલ છે. નામ તો બધા કમાય, પણ ગુડવિલવાળું નામ કમાવું બહુ અઘરું છે.’ યોગેશભાઈનો બૉલીવુડ સાથે અતૂટ નાતો છે. અનેક સારા મિત્રો છે. તો શું ફિલ્મોમાં કામ કરવાની ઇચ્છા ખરી? પોતાના મનગમતા વિષય પર તરત જ બોલતા યોગેશભાઈ કહે છે, ‘મેં શાહરુખ ખાન સાથે ‘દિલવાલે’ ફિલ્મમાં બે મિનિટનો રોલ કર્યો છે. બીજી બે-ચાર ફિલ્મોમાં નાના રોલ કર્યા છે. ‘સ્માઇલ પ્લીઝ’ અને ‘રફુચક્કર’ જેવી બે નાની હિન્દી ફિલ્મોનું નિર્માણ કર્યું છે.’
બ્રાઇટ આઉટડોર ઘણી બધી સેવાઓ આપે છે. હોર્ડિંગ્સ, રેલવે બોર્ડ્સ, રેલવે પૅનલ, ટ્રાન્સફર સ્ટિકર્સ, સિનેમા સ્લાઇડ્સ, પ્રોમોસ, મલ્ટિપ્લેક્સ બ્રૅન્ડિંગ, ફુલ ટ્રેન બ્રૅન્ડિંગ,બસ-શેલ્ટર, બસ-પૅનલ્સ, રેલવે પ્લૅટફૉર્મ બોર્ડ, મોબાઇલ સાઇન ટ્રક, કિઓસ્ક, મોબાઇલ વેન, ઍરપોર્ટ બ્રૅન્ડિંગ, નિયોન ઍન્ડ ગ્લો સાઇન્સ, મેટ્રો બ્રૅન્ડિંગ, ટ્રાફિક-બૂથ, ટોલ-નાકા… આ બધી જગ્યાઓ પર બ્રાઇટ છવાયેલું છે. હવે બ્રાઇટ બંગલોઝ આવી રહ્યા છે. ગોરેગામ, ગોવા અને લોનાવલા સ્થિત આ બંગલોઝ ફિલ્મ-શૂટિંગ, ટીવી સિરિયલ્સ, ઍડ ફિલ્મ્સ, આલબમ્સ, પાર્ટીઝ, પિકનિક્સ, બિઝનેસ કૉન્ફરન્સ, ફોટોશૂટ… વગેરે માટે ભાડેથી મળશે.
જૈન ધર્મ પાળતા યોગેશભાઈ પ્રતિક્રમણ કરે છે. એનાથી વધુ કંઈ નથી કરતા. તેમનું માનવું છે કે સૌથી મોટો ધર્મ માનવધર્મ છે. કોઈના પૈસા બાકી નહીં રાખવાના, કોઈને ઠેસ નહીં પહોંચાડવાની, જરૂરતમંદોને મદદ કરવાની, સમય પર બધાને પેમેન્ટ આપી દેવાનું અને કોઈને ઠેસ નહીં પહોંચાડવાની એ જ સૌથી મોટો ધર્મ છે. તેઓને કોઈ જાતનું વ્યસન નથી. કોઈને સ્કૂલની ફી, કોઈને કૉલેજની ફી, કોઈ બીમાર હોય તો તેને મદદ કરવી.. આ બધાં સારાં કર્મોને લીધે તેમને જે બધાના આશીર્વાદ મળે છે એને લીધે આજે આઉટડોર પબ્લિસિટી એજન્સીઓમાં તેઓ નંબર વન છે એમ તેઓ નમ્રપણે માને છે. જોકે આજે નંબર વન પોઝિશન પર હોવા છતાં યોગેશભાઈ ડાઉન ટુ અર્થ પરસન છે.
તેઓ કહે છે, ‘હું હંમેશાં મારા કરતાં નાના માણસોને જ મારા આદર્શ બનાવું છું. હું ગાડીમાં જતો હોઉં ત્યારે રસ્તા પર રહેતા માણસોને જોઉં ત્યારે ઇશ્વરનો ઉપકાર માનું કે તેં મને રહેવા માટે સરસ ઘર આપ્યું છે. ભૂખ્યા લોકોને જોઉં ત્યારે ઈશ્વરનો આભાર માનું કે તેં મને બે ટાઇમ જમવા માટે ભોજન આપ્યું છે. હાથ-પગ ન હોય એવા લોકોને જોઉં ત્યારે એમ થાય કે ઈશ્વરે તો મને આખું સાજું સારું શરીર અને સાથે બુદ્ધિ પણ આપી છે. ઈશ્વરને રોજ સવારે એ જ પ્રાર્થના કરું છું કે મુસીબતો તો આવશે જીવનમાં, પણ એનો સામનો કરવાની તાકાત આપજે. હું ઘણાં વર્ષથી કામ કરું છું. મુસીબતો તો આવતી જ રહે છે.
વચ્ચે મેં ‘બેસ્ટ’ (મુંબઈ ની સીટી બસ)નું ટેન્ડર લીધું હતું, જેમાં મને જબરદસ્ત ખોટ ગઈ હતી. હું મારા ઘણા મિત્રોને જોઉં છું કે ધંધામાં નુકસાન થાય તો તેઓ દારૂ કે સિગારેટના રવાડે ચડી જાય, ચીડચીડિયા થઇ જાય અને લોકો સાથે ગમે એમ વાતો કરે; પણ હું એમ વિચાર કરું કે આ બધું કરવાથી સમસ્યાનું સમાધાન નહીં થાય. એના કરતાં નવેસરથી નવો ધંધો, નવા ક્લાયન્ટ, નવા વિચારો સાથે ફરી શરૂઆત કરીએ તો બે-ચાર વર્ષમાં બધું થાળે પડી જાય. પોતાની જાત પર સંયમ બહુ જરૂરી છે. જે પણ છે એ આપણું મન છે. જો મનથી વિચાર કરીએ કે આપણી સાથે પૉઝિટિવ થશે તો બધું પૉઝિટિવ જ થાય.
એક મુકામ પર પહોંચ્યા પછી પણ સતત કામ કરતા રહેતા યોગેશભાઈ પોતાના અનુભવથી કહે છે, ‘આજે બધા સ્માર્ટ વર્ક કરે છે, હું સ્માર્ટ કમ હાર્ડ વર્ક કરું છું. આજે બધા શૉર્ટ કટ અપનાવે છે, પરંતુ એમાં તેઓ જેટલી ઝડપથી ચડે છે એટલી જ ઝડપથી પડે પણ છે. સક્સેસનો કોઈ શૉર્ટ કટ નથી. જેનો પાયો મજબૂત હોય તે જ તોફાન સામે તાકી રહે છે. તોફાન આવે ત્યારે મોટાં મોટાં વૃક્ષો ધરાશાયી થઈ જાય, પણ નાનું ઝાડ થોડુંક નમીને ટકી જાય છે. દરેક માણસ પોતાનાં તકદીર, પોતાના કર્મ અને જીવન જીવવાની શૈલીથી જ ઓળખાય છે.’
સમીર ભાલચંન્દ્ર છાયા